મોરબી પાલિકાએ ગુપ ચૂપ બંધ બારણે બજેટ મંજુર કરી નાખ્યું

- text


 

વિપક્ષ વગરની પાલિકામાં વોર્ડ નંબર-2ના ભાજપના સદસ્યએ તેમના વિસ્તારમાં કામ ના થતા હોવાનો બળાપો કાઢી વિપક્ષની ભૂમિકા ભજવી

મોરબી : મોરબીની પ્રજાને ઇલેક્ટ્રિક બસ, રિવરફ્રન્ટ સહિતની જુદી – જુદી યોજનાઓના દિવાસ્વપ્ન બતાવી સતા ઉપર બિરાજમાન થયેલ પાલિકાના શાસકો પ્રજાને સ્વચ્છ રસ્તાઓ કે ભૂગર્ભ ગટરની સમસ્યા પણ ઉકેલી શક્યા નથી ત્યારે ગત વર્ષની તુલનાએ વિકાસ કામોના ખર્ચમાં અડધો અડધ કાપ મૂકી રજૂ કરાયેલું વર્ષ 2022 – 23નું બજેટ આજે શાસકોએ ગુપચુપ રીતે બંધ બારણે જનરલ બોર્ડમાં મંજુર કરી લીધું હતું. આશ્ચર્ય તો એ વાતનું છે કે પાલિકાના શાસકોએ પરંપરા તોડી આજના જનરલ બોર્ડમાં પત્રકારોને આમંત્રણ આપવું ઉચિત માન્યું ન હતું.

મોરબી શહેર પાલિકામાંથી પંચાયત ભણી જઈ રહ્યું હોય તેવી સ્થિતિ આજે પાલિકાની બજેટ માટેની સામાન્ય સભામાં જોવા મળી હતી. બાવને બાવન બેઠક કેન્દ્ર રાજ્ય સરકારમાં સતા સ્થાને બેઠેલ ભાજપ પક્ષ પાસે હોવા છતાં વર્ષ 2022 – 23ના પાલિકાના બજેટમાં ગત વર્ષની તુલનાએ આ વખતે અડધો – અડધ કાપ લદાયો હોય તેવી સ્થિતિ વચ્ચે ગત વર્ષના 751 કરોડના બજેટ સામે આ વખતે માત્ર 367 કરોડના વિકાસ કામોની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી બિંબાઢાળ રીતે ચાલ્યા આવતા રિવરફ્રન્ટ સહિતના પ્રોજેક્ટોને વિકાસ કામ રૂપે દર્શવવામાં આવ્યા હતા.

કાયદાકીય જોગવાઈ મુજબ માર્ચ માસ પૂર્ણ થાય તે પહેલા બજેટને બહાલી આપવી જરૂરી હોય આજે પાલિકાના શાસકોએ ફટાફટ ચુપચાપ રીતે બંધ બારણે સામાન્ય સભા બોલાવી હતી જેમાં 45 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. ખાસ કરીને નગર સેવકોએ સૂચવેલા રસ્તા સહિતના કામો આ દરખાસ્તમાં મુખ્ય રહ્યા હતા.

વધુમાં બજેટ અંગેની ખાસ સામાન્ય સભામાં રૂપિયા 2 કરોડના ખર્ચે ટ્રાફિક સિગ્નલ નાખવા, રૂપિયા 40 લાખના ખર્ચે સામાંકાંઠા વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવું ઉપરાંત મચ્છુ બારાથી મહાપ્રભુજીની બેઠક સુધી અને આલાપ સોસાયટીથી જવાહર સોસાયટી સુધી કોઝવે બનાવવા પણ દરખાસ્ત રજૂ કરવામાં આવતા શાસકોએ મંજૂરીની મહોર મારી હતી.

ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકામાં બાવને બાવન સભ્ય ભાજપના હોય વિપક્ષનો છેદ ઉડી ગયો છે ત્યારે વોર્ડ નંબર 2 માં નગરસેવકે સૂચવેલા નાગરિકોના કામો થતા ન હોય ભાજપના જ ચૂંટાયેલા સદસ્યએ બળાપો કાઢી વિપક્ષની ભૂમિકા પણ ભજવી હતી.

- text

દરમિયાન ચીફ ઓફિસર દ્વારા આગાઉ ડોર – ટુ – ડોર કચરો એકત્રિત કરવાનો કોન્ટ્રાકટ રદ કરી પાલિકા દ્વારા જ આ કામગીરી કરવા નિર્ણય લેવાયા બાદ હવે 24 કલાક ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટની દેખભાળમાં નિષ્ફળ ગયેલા કોન્ટ્રાકટર ને બે કરોડનો દંડ ફટકારી હવે સ્ટ્રીટ લાઇટની કામગીરી પણ પાલિકા હસ્તક લેવા બજેટ જનરલ બોર્ડમાં નિર્ણય કરાયો હતો ત્યારે જોવુ એ રહ્યુ કે પ્રજાની ફરિયાદો લેવામાં પણ આળસ કરતા પાલિકાના શાસકો આ બધી કામગીરી કેવી રીતે કરે છે.

- text