મારા શિક્ષક કેતા કે આ મોટા થઈને ‘નેતો’ બનશે : કાંતિલાલ અમૃતિયા

- text


બેબાક લોકનેતા ગણાતા કાંતિલાલ અમૃતિયાનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ : કાંતિલાલના જન્મદિવસ નિમિતે જાણો તેના દિલની વાતો

મોરબી અપડેટના ‘દિલીપ સાથે દિલની વાત’ સ્પેશ્યલ શોમાં ‘કાનાભાઈ’એ મોરબી અપડેટના ફાઉન્ડર દિલીપભાઈ બરાસરા સાથે કરી મોકળા મને વાતો

મારા મોરબીમાં મારા જેવા 100 કાના થાય અને મોરબી પ્રગતિના પંથે આગળને આગળ વધતું રહે : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

મોરબી : મોરબી અપડેટ હંમેશા કઈંક અનોખું કરવા માટે અગ્રેસર રહ્યું છે. મોરબીવાસીઓ પોતાના વતનના આગેવાનો કે મુખ્ય પર્સનની અંગત વાતો, તેમના મનની વાતો જાણવા ઉત્સુક હોવાના જ. આથી, મોરબી અપડેટ દ્વારા એક વિશેષ કાર્યક્રમ ‘દિલીપ સાથે દિલની વાત’નો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા સાથે જાહેર જીવનના આગળ આવેલા લોકો પોતાના દિલની વાતો ખુલ્લા મને કરશે. ત્યારે ‘દિલીપ સાથે દિલની વાત’ના પ્રથમ એપિસોડમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય અને લોકપ્રિય નેતા એવા કાંતિલાલ અમૃતિયા પોતાના હૈયાની વાતો હળવા મને કરે છે.

શિક્ષક દેવરાજભાઇ અઘારા કહેતા કે આ મોટો થઇ ‘નેતો’ બનશે

મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા કાંતિભાઈ અમૃતીયાનું શાબ્દિક સ્વાગત કરતા સ્પેશ્યલ એપિસોડનો આરંભ કરે છે. તેમનું અભિવાદન ઝીલી કાંતિભાઈ શાળાના શિક્ષકને યાદ કરી હસતા હસતા કહે છે કે હું તો નાનપણમાં તોફાની વિદ્યાર્થી હતો. મારા શિક્ષક દેવરાજભાઇ અઘારા કહેતા કે આ મોટો થઇ ‘નેતો’ બનશે. અને જુઓ એ સાચું પણ પડ્યું. આઠમાં ધોરણથી શાળામાં લીડર બન્યા બાદ લગાતાર લીડરશીપ જાળવી રાખી છે. સોળ વર્ષની ઉંમરથી પરિવાર અને ઘરની જવાબદારી માથે આવી જતા તે પણ ખંતથી નિભાવી છે. અને મામા અમુભાઈ અઘારા સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કર્યા બાદ આશરે 35 વર્ષથી રાજકીય ક્ષેત્રે પ્રજાના હિત માટે કાર્યરત છું. એટલે લોકહૃદયમાં મારુ ‘કાનાભાઇ’ તરીકે સ્થાન છે.

ધારાસભ્ય હતો ત્યારે પણ અપેક્ષા નહતી અને હાલમાં પણ કોઈ અપેક્ષા નથી

મને સત્તાનો નહીં સેવાનો નશો છે તેમ કહેતા કાંતિભાઈ અમૃતિયા દિલીપભાઈ બરાસરાના રાજકીય કારકિર્દીના પ્રશ્નના જવાબમાં જણાવે છે કે તેઓના મામા અમુભાઈનું વાહન લઈ તેઓ સેવાના કામે નીકળી પડતા. 1980માં જિલ્લા પંચાયતના સદસ્ય બન્યા ત્યારે પણ મચ્છુ-ઘોડાધ્રોઇમાં પાઇપ નાખવા સહીત અનેક પ્રજાહિતના કામો કર્યા છે. એટલે પ્રજાની સેવા કરવા માટે 1990માં સહકારી મંડળીના પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધું હતું. હાલમાં પાંજરાપોળ સાંભળું છું અને ઘડિયા લગ્ન સહીત આવી અનેક સેવાકીય પ્રવૃતિઓ ચાલુ છે. મને સત્તાનો નશો ક્યારેય હતો જ નહીં પણ સેવાનો નશો છે, શોખ છે. એટલે ધારાસભ્ય હતો ત્યારે પણ અપેક્ષા નહતી અને હાલમાં પણ કોઈ અપેક્ષા નથી.

સત્તા નથી તો હવે ખુલ્લીને બોલી શકાય છે

કાંતિભાઈ પાસે સત્તા હતી અને હવે સત્તા નથી તો શું ફરક લાગે છે? દિલીપભાઈ બરાસરાના સવાલના જવાબમાં કાંતિભાઈ નિખાલસતાથી જવાબ આપે છે કે 25 વર્ષ ધારાસભ્યની સત્તા હતી, ત્યારે પણ પ્રજા માટે બોલ્યો છું, લડ્યો છું, જે ચોક્કસ સત્તાની મર્યાદામાં હતું. હવે ખુલ્લીને બોલી શકાય છે. અધિકારીઓ પાસે સત્તા છે તો પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરવું જોઈએ, ડરપોક થયા વિના. જેવું બનતું નથી. આથી, જરૂર પડે ત્યાં લડવું ગમે છે. આ સાથે ભાજપના ટોપ લેવલના નેતાઓ સાથે રાજકીય સંબંધ નહીં પરંતુ દિલના સંબંધ હોવાનું નિખાલસતાથી જણાવે છે.

જેલની બહાર આવ્યો ત્યારે બમણી તાકાત સાથે બહાર આવ્યો

ખુલ્લા મને વાતચિત કરવા આયોજિત આ કાર્યક્રમમાં કાંતિભાઈ જેલવાસના દિવસોને યાદ કરતા કહે છે કે માર્કેટ યાર્ડ બનતું હતું ત્યારે કરેલી લડતમાં પોણા ત્રણ વર્ષ જેલમાં કેદ ભોગવી હતી. ત્યારે મીડિયાએ તે વાતો ચગાવી હતી. પરંતુ હું તો જેલની બહાર આવ્યો ત્યારે બમણી તાકાત સાથે બહાર આવ્યો હતો. જેલમાં અનેક મિત્રો બન્યા હતા, જે ખોટી રીતે ફસાયા હતા. તેમાંથી એક સજ્જન કે જેઓ મિલના માલિક હતા. તેમણે પોતાના કારખાનાની ચાવી, બંગલો મને સોંપી દીધા હતા, જેનાથી આર્થિક પ્રગતિ થઇ. જેલના અનુભવ પછી કેદીઓને સુધારવા માટે પ્રમુખ સ્વામી જેવા સંતોના પ્રવચન કરેલા છે. તેમજ અમારે કોન્ટ્રાક્ટર બિઝનેસમાં નુકસાની આવી ત્યારે કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી. ધંધામાં ખોટ વખતે પણ પરિવાર તો ખુશ જ હતો.

ખેડૂતો પહેલા આપે પછી પોતે ખાય

કાંતિભાઈ અમૃતિયા પારદર્શક જીવન ધરાવે છે છતાં તેની આર્થિક પ્રગતિ કઈ રીતે થઇ? દિલીપભાઈ બરાસરાના સવાલના જવાબમાં કાંતિભાઈ ભગવાનનો આભાર માનતા જણાવે છે કે અમારો પરિવાર તો પહેલેથી સુખી-સંપન્ન છે. મારો વહીવટ ચોખ્ખો છે એટલે આટલી લાંબી રાજકીય કાર્યકીર્દીમાં પૈસાની ખોટી લેતીદેતી જેવો કોઈ આરોપ લાગ્યો નથી. આમ પણ હરામનો રૂપિયો ખેડૂતોને હજમ ન થાય, ખેડૂતો પહેલા આપે પછી પોતે ખાય. અંત સમયે પૈસા સાથે નહિ આવે એટલે બીજાને આપવું જોઈએ.

સાવ સીધો માણસ છું પરંતુ પ્રજાની વાત આવે ત્યારે માટે કડક માણસ

કાંતિભાઈના વ્યક્તિત્વના બે પાસા છે, સેવાભાવી અને માથાભારે તો એમાં સાચા ‘કાનાભાઈ ક્યા?’ દિલીપભાઈ બરાસરા આ સચોટ સવાલનો કાંતિભાઈ પણ સીધી વાત કરે છે કે આમ તો હું સાવ સીધો માણસ છું, પણ એ મારા માટે. પરંતુ પ્રજાની વાત આવે ત્યારે માટે કડક માણસની છાપ છે. કારણ કે જ્યાં લોકો માટે કામ કરાવવું હોય ત્યાં બોલવું પડે. સાથે તેઓ ભાર દઈને જણાવે છે કે મારા મોરબીમાં મારા જેવા 100 કાના થાય. જેથી, મોરબી પ્રગતિના પંથે આગળને આગળ વધતું રહે.

- text

એક નહીં અનેક ભૂલો કરી છે

‘દિલીપ સાથે દિલની વાત’માં કાંતિભાઈ જાહેરમાં નિખાલસતાથી સ્વીકારે છે કે એક નહીં અનેક ભૂલો કરી છે. કાંતિભાઈ જણાવે છે કે ભૂલો થાય છે. પ્રજા મત આપે છે, પાર્ટી ટિકિટ આપે છે તો લોકો માટે કામ ન થાય એટલે સ્વભાવ ઉતાળીયો રહ્યો તો કયારેક ભૂલ થઇ જાય છે. મોરબીની સ્કૂલોમાં ભાગીદારી હોવાની લોકમુખે થતી ચર્ચા સંદર્ભે તેઓ કહે છે કે ભણ્યો નથી એટલે ભણાવવાનો શોખ છે, ભાગીદારીમાંથી મળતી આવકનો અમુક હિસ્સો દાનમાં પણ આપું છું.

મારી પાર્ટીને મજબૂત બનાવવા હું હંમેશા મેદાનમાં છું

ક્યા બે નિર્ણયો મુખ્યમંત્રી કે વડાપ્રધાન બને તો કાંતિભાઈ દ્વારા લેવામાં આવે તેનો જવાબ ટાળતા તેઓ કહે છે કે પ્રજાના કામો કરવા માટે હું મનથી તો વડાપ્રધાન, ધારાસભ્ય તો છું જ. આ સાથે તેઓ હવે રાજકારણમાં મેદાનમાં છે કે નહીં તેનો જવાબ આપે છે કે વડાપ્રધાન માટે, દેશ ખાતર તો હું મારી સંપત્તિના 80% આપી શકું તેમ છું. મારી પાર્ટીને મજબૂત બનાવવા હું હંમેશા મેદાનમાં છું. તેમજ ક્યારેય મંત્રીપદ ન મળ્યાના પ્રશ્નના જવાબમાં તેઓ મનની વાત કરતા કહે છે કે મંત્રીપદ કરતા મોરબી જિલ્લો મારા માટે વધુ મહત્વનો છે. નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી સહીત બધા સાથે સારા સંબંધ હોવાથી વધુ શું જોઈએ.

બ્રિજેશભાઈ મેરજા પેલા હરીફ હતા હવે સાથે છે

બ્રિજેશભાઈ મેરજા, મોહનભાઇ કુંડારીયા સાથેના સંબંધો કેવા? તેવા દિલીપભાઈ બરાસરાના સવાલના જવાબમાં તેઓ હાસ્ય સાથે કહે છે કે પેલા હરીફ હતા હવે સાથે છે. પ્રજા માટે જરૂર પડ્યે તેઓનું પણ ધ્યાન દોરું છું. આગામી ડિસેમ્બર-2022માં આવનારી ચૂંટણીના સંદર્ભમાં તેઓ કહે છે કે હું પાર્ટીના નિર્ણયને માન આપીશ. કાંતિભાઈ ભાજપ છોડશે? આ પ્રશ્નના ઉત્તરમાં તેઓ સ્પષ્ટ ના પાડતા કહે છે કે દાદા અને બાપુ જનસંઘમાં હતા એટલે અંત સુધી પાર્ટી તો નહીં જ છોડી શકાય. આમ, કાંતીભાઈએ દિલીપભાઈના બેબાક સવાલો ઝાલીને તેના નિખાલસપણે જવાબો આપ્યા છે.

કુટુંબ સુખી છે, પૂરતો પૈસો છે, પ્રજાનો પ્રેમ છે બસ આવો જુસ્સો છેલ્લે સુધી જળવાય રહે

મોરબીની સમસ્યાઓ અંગે તેઓ જણાવે છે કે મોરબીએ છેલ્લા અમુક વર્ષોમાં વિકાસની હરણફાળ ભરી છે. સત્તા પર હતા ત્યારે મોરબી માટે ખુબ કામ કર્યું છે. હજુ પણ મોરબીની સમસ્યાઓના નિરાકરણ માટે તેઓ ગમે ત્યારે તત્પર રહે છે. ભવિષ્યનું પ્લાનિંગ શું છે? તે જણાવે છે કે રાજકીય અને સેવાકીય ક્ષેત્રે સતત અગ્રેસર રહેવું. કુટુંબ સુખી છે, પૂરતો પૈસો છે, પ્રજાનો પ્રેમ છે બસ આવો જુસ્સો છેલ્લે સુધી જળવાય રહે અને પ્રજાનું ભલું થાય. કાંતિભાઈ પુત્ર પ્રથમના રાજકારણમાં પ્રવેશ બાબતે તેઓ કહે છે કે હાલમાં પ્રથમ કોલેજના બીજા વર્ષમાં છે. જો તેને રાજકારણમાં આવવાની ઈચ્છા હોય તો તે ચોક્કસ પરિવારની પરંપરા આગળ વધારશે.

સાયકલિંગ, યોગા, પિક્ચર જોવા, સમયાંતરે બહાર ફરવા-જમવા જવું ઉપરાંત દેશભક્તિના ગીતો ગમે છે

કાંતિલાલ અમૃતીયાને આગામી તા. 8 માર્ચના રોજ યશસ્વી જીવનના 60 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ‘દિલીપ સાથે દિલની વાત’ના એપિસોડમાં કાંતિભાઈ અમૃતિયા પોતાના જીવનમંત્ર, જીવનશૈલી, ધાર્મિકતા, ગમતીલા ગીતો વિષે ખરેખર દિલની વાતો કરે છે કે જીવનમાં ડિપ્રેશન કે કંઈપણ મુસીબત આવે ત્યારે તેને વાવાઝોડું સમજી એ જાય નહીં ત્યાં સુધી ધીરજ ધરવાની. અને જીવનમાં મુશ્કેલીઓ આવે તે તો સારું છે. વ્યક્તિત્વનું ઘડતર થાય, જીવનમાંથી બીક નીકળે. અને ભગવાન પણ શક્તિ આપી દે છે મુસીબતોનો સામનો કરવાની. તેમજ સાયકલિંગ, યોગા, પિક્ચર જોવા, સમયાંતરે બહાર ફરવા-જમવા જવું ઉપરાંત દેશભક્તિના ગીતો ગમતા હોવાનું જણાવે છે.

ઝિંદાદિલ મોરબીને ફરી પહેલા જેવો જુસ્સો લાવવાની જરૂર છે

નિખાલસ અને સરળ વ્યક્તિત્વના સ્વામી એવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા સાથે ‘દિલીપ સાથે દિલની વાત’ કાર્યક્રમમાં અંતે ખુલ્લા અને ચોખ્ખા મને ગોળગોળ વાત કરવાના બદલે સીધી વાત કરે છે કે કોઈ બે પથ્થરા ફેંકે તો એમાં કાંઈ માથું ના ફૂટે. કોઈના વિરોધ વિના પ્રજાના હૃદયમાં ‘કાનાભાઈ’ તરીકે ચાહના મેળવેલી છે. એટલે જે નહિવત જેટલા મતે ચૂંટણી હાર્યો હતો. પણ એથી જુસ્સો વધ્યો છે. રાજકારણ કે સેવા આ બેમાંથી એક ચૂંટાવાના સંદર્ભે તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે રાજકારણ અને સેવા ક્ષેત્રે કાર્યરત રહેવાનું અને અપક્ષ તરીકે કયારેય ચૂંટણી લડશે નહિ તેમ કહી મોરબીમાં પાંજરાપોળ, ખોખરા હનુમાન સહિતના મંદિરોમાં મનને શાંતિ મળતી હોવાનું જણાવી સ્મશાનમાં જઈ બેસું પણ શાંતિ મળે છે તેમ કહી ઝિંદાદિલ મોરબીને ફરી પહેલા જેવો જુસ્સો લાવવાની જરૂર છે, ડરપોક થવાની નહિ તેવું દિલથી કહી પોતાની વાતને પૂર્ણ કરે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text