માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ

- text


વેજલપર અને ઘાટીલા તાલુકા શાળાની સંયુક્ત ટિમ સુપર સ્ટાર ઇલેવન વિજેતા બની

માળિયા (મી.) : માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વેજલપર અને ઘાટીલા તાલુકા શાળાની સંયુક્ત ટિમ “સુપર સ્ટાર ઇલેવન” વિજેતા બની હતી.

માળિયા (મી.) તાલુકાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના શુભ આશયથી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના શિક્ષકોની બે દિવસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ હતું. આ ટુર્નામેન્ટમાં માળિયાની વિવિધ તાલુકા શાળાની કુલ ૯ ટિમએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વેજલપર અને ઘાટીલા તાલુકા શાળાની સંયુક્ત ટિમ “સુપર સ્ટાર ઇલેવન” વિજેતા બની તેમજ વવાણીયા અને ભાવપર તાલુકા શાળાની સંયુક્ત ટિમ “યંગ સ્ટાર ઇલેવન” રનર્સઅપ રહી હતી. બંને ટીમોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે રવિભાઈ ધ્રાંગા, બેસ્ટ બોલર તરીકે ચંદુભાઈ તાવીયા તેમજ મેન ઓફ ધ સિરીઝ થયેલા વિજય પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ખાસ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, માળિયાના બી.આર.સી. નરેન્દ્રભાઈ નિરંજની તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી હસુભાઈ વરસડા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિ, માળિયાની તમામ તાલુકા શાળાના આચાર્યોએ જહેમત ઉઠાવી હતી. અને ખાસ આ ટુર્નામેન્ટના આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું, તે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના સુરેશભાઈ ડાંગરનો તેમજ સાથ અને સહકાર આપનાર અન્ય તમામ લોકોનો આયોજકોએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

- text