યુદ્ધની અસર : પેટ્રોલ- ડીઝલના ભાવમાં ગમે ત્યારે ભડકો થશે

- text


ટોચના સૂત્રોએ ભાવ વધારો થવાના આપ્યા સંકેત

મોરબી : રશિયા – યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે ક્રૂડ ઓઈલના આંતરાષ્ટ્રીય ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે અને આજે ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ પૂર્ણ થતાં પેટ્રોલિયમ કંપનીઓ ગમે તે ઘડીએ આકરો ભાવ વધારો કરે તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે પેટ્રોલપંપ ડિલર્સ દ્વારા પણ પ્રતિ લીટરે તોતીંગ ભાવ વધારો આવે તેવા સંકેતો આપ્યા છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આજે ઉત્તરપ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ ગમે ત્યારે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ તેમજ કુદરતી ગેસના ભાવમાં આકરા ભાવ વધારાનો બૉમ્બ ફૂટવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને આવતીકાલે સવારમાં દિવસ ઉગતાની સાથે જ રાજાની કુંવરીની જેમ વધેલા પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રાંધણગેસના વિક્રમી ભાવના આમ જનતાને દર્શન કરવા મળશે.

- text

બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓલટાઇમ હાઈ થયા હોય ઓઇલ કંપનીઓ ખોટનો ધંધો કરવાના મૂડમાં ન હોવાથી ભાવ વધારા રૂપે લટકતી તલવાર ચૂંટણી પૂર્ણ થતાં જ જનતા ઉપર વિંઝાવા સજાવી લેવામાં આવી હોવાનું ટોચના સુત્રો જણાવી રહ્યા છે.

હાલમાં મોરબી જિલ્લામાં હળવદથી અમારા પ્રતિનિધિ મેહુલભાઈ ભરવાડના અહેવાલો જણાવી રહ્યા છે કે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ વેચાણ સ્ટોકના અભાવે બંધ કરી દેવાયુ છે અને જાણકાર અને પૈસાપાત્ર લોકો ડિઝલનો સ્ટોક પણ કરી લીધો હોવાનું જાણવા મળે છે.

નોંધનિય છે કે પેટ્રોલિયમ ડીલર એસોશિએશનના સૂત્રોએ પણ ગમે ત્યારે ભાવ વધારો આવવાના અને આ ભાવ વધારો મોટા હોવાના સંકેતો આપ્યા છે. તો બીજી તરફ ગુજરાત ગેસ કંપનીએ પણ ગેસના ઇન્ડસ્ટ્રીઝ ગેસના ભાવમાં રૂપિયા 25થી 30નો ભાવ વધારો થવાના સાફ સાફ સંકેતો આપી દીધા છે.

- text