સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 13

- text


ગુલામ ભારતમાં લોકશાહી પધ્ધતિથી ચુંટણી, આર્ય સમાજ સ્થાપનાની સમજણ, પદ પ્રતિષ્ઠા અને ભવિષ્યમાં સુધારા વધારા કરવા પડે તો કરજો દયાનંદ:

આપણે અગાઉ આર્ય સમાજ મુંબઈ પ્રથમ સ્થાપના થઈ એ વાચી ચુક્યા હતા.હવે વિસ્તારમાં આર્ય સમાજ શરુ કરવામાં આવ્યાની વાત કરશું.માયાવી નગરીમા પહેલી વખત આગમન સમયે તેઓના ભક્તોમાં આર્યસમાજની સ્થાપના માટેની ચર્ચા-વિચારણા ચાલી હતી.પરંતુ ત્યારે પૂર્ણ સ્વરૂપ અપાયું ન હતું. સ્વામીજીની શિક્ષાઓ તથા ઉપદેશોનો સંગઠિત રૂપે પ્રચાર કરવા માટે સંસ્થાની સ્થાપના જરૂરી હતી. આ માટે વેદો પર આધારિત વૈદિક શિક્ષાના પ્રચાર માટે ‘આર્યસમાજ’ નામની સંસ્થાની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેના નિયમો વગેરે માટે દાદોબા પાંડુરંગ તરખડકર, પાનાચંદ આણંદ પારેખ તથા સેવકલાલ કૃષ્ણદાસની સમિતિ બનાવવામાં આવી.તેણે રૂપરેખા તૈયાર કરી અને મુંબઈની હાઇકોર્ટના વકીલ ગિરધરલાલ દયાલદાસ કોઠારીએ વ્યવસ્થિત કરી.

આર્યસમાજની સ્થાપના માટે શેઠ લક્ષ્મીદાસ ખીમજી અને પંડિત રાજકૃષ્ણ એ બંને ઉત્સાહિત હતા.પરંતુ તેઓ અદ્વૈતવાદી હોવાથી આર્યસમાજના નિયમોમાં પણ જીવ–બ્રહ્મ એકત્વના સિદ્ધાંતનું મિશ્રણ કરવા ઇચ્છતા હતા. પરંતુ સ્વામીએ સ્પષ્ટ કહ્યું કે, ‘‘હું અસત્યના પાયા પર આર્યસમાજની સ્થાપના કરીશ નહિ.” આથી તેઓ બંને નારાજ થયા અને અસહકાર કરીને અન્યો પણ સહકાર ન આપે તે માટેના પ્રયત્નો કરવા લાગ્યા , પરંતુ મહર્ષિને સહયોગ કરનારાઓની સંખ્યા નિરંતર વધી રહી હતી.

સ્વામી અનેક સંપ્રદાયોમાં તેના સ્થાપકો, મહંતો અને ગાદીપતિઓની વ્યક્તિપૂજાની વિકૃતિઓ જોઈ ચૂક્યા હતા.તેમજ સંસ્થા પણ જ્યારે એક વ્યક્તિ કેન્દ્રિત બનતા તેમાં પણ ગુરુડમ પ્રવેશીને દૂષણો ફૂલેફાલે છે; જેથી તેઓ આર્યસમાજમાં લોકતાંત્રિક પદ્ધતિ રાખવા ઇચ્છતા હતા અને સ્વયંને માત્ર વૈદિક ધર્મના એક પ્રચારક માનતા હતા.જેથી તેઓએ ઉપસ્થિત જનસમુદાય સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા અત્યંત માર્મિક વાણીમાં કહ્યું,

‘ભાઈ, મારો કોઈ સ્વતંત્ર મત નથી. હું તો વેદને આધીન છું અને આપણા ભારતવર્ષમાં પચ્ચીસ કરોડ (તે સમયની જનસંખ્યા) લોકોને કોઈ-કોઈ વાર્તામાં કોઈ—કોઈમાં થોડો ઘણો (મત) ભેદ છે. તે વિચાર કરવાથી નીકળી જશે. હું સંન્યાસી છું અને મારું એ જ કર્તવ્ય છે કે, હું આપ લોકોનું અન્ન ખાઉ છું તેના બદલામાં જે સત્ય સમજું છું તેનો નિર્ભયતાથી ઉપદેશ આપું છું. મને કોઈ કીર્તિનો મોહ નથી. કોઈ મારી સ્તુતિ કરે અથવા નિંદા કરે, હું મારું કર્તવ્ય માનીને ધર્મનો બોધ કરું છું. કોઈ માને અથવા ન માને તેમાં મારી કોઈ હાનિ કે લાભ નથી.’

સ્વામીના આ વચન સાંભળીને એક ભાઈએ પૂછ્યું કે,અમે જો સમાજની સ્થાપના કરીએ તો તેમાં કોઈ સાર્વજનિક નુકસાન છે ?”સ્વામીએ તેના ઉત્તરમાં કહ્યું, જો તમે સમાજ દ્વારા પુરુષાર્થ કરીને પરોપકાર કરી શકતા હો, તો સમાજની સ્થાપના કરી, તેમાં મારી કોઈ મનાઈ નથી.પરંતુ જો તેમાં યોગ્ય વ્યવસ્થા નહિ રાખો,તો આગળ જતા ગરબડાધ્યાય થઈ જશે હું તો બીજાને જેમ ઉપદેશ આપું છે. તેમ તમોને પણ આપીશ. પરંતુ એટલું ખાસ લક્ષ-ધ્યાન રાખશો કે મારો કોઈ સ્વતંત્ર મત નથી અને હું સર્વશ પણ નથી. આથી ભવિષ્યમાં જો કોઈ મારી ભૂલ જોવામાં આવે, તો યુક્તિપૂર્વક પરીક્ષા કરીને તેને પણ સુધારી લેશો.’’ ‘‘જો તેમ કરવામાં નહિ આવે, તો ભવિષ્યમાં આ (આર્યસમાજ) પણ એક મત બની જશે, અને એ રીતે વાવ વચ્ચે પ્રમાળ માનીને આ ભારતમાં અનેક પ્રકારના મતમતાંતર પ્રચલિત થઈને, અંદરો અંદર દુરાગ્રહ રાખીને, ધર્માન્ય બનીને, દુર્દશાને પરસ્પર લડીને, અનેક પ્રકારની સદ્ વિદ્યાનો નાશ કરીને આ ભારતવર્ષ પ્રાપ્ત થયેલ છે. તેમાં આ એક મતનો વધારો થશે.” ‘‘મારો તો એ અભિપ્રાય છે કે, આ ભારતવર્ષમાં અનેક મતમતાંતર પ્રચલિત છે, તે સર્વ વેદોને માને છે. તેથી વેદશાસ્રરૂપી સમુદ્રમાં એ નદી-નાવ ફરી મળી જાય તો ધર્મની એક્યતા થશે અને ધર્મની એકતાથી સાંસારિક અને વ્યવહારિક સુધારણા થશે. તેથી સર્વ ઈચ્છિત કલા-કૌશલ વગેરેનો સુધાર થશે. મનુષ્યમાત્રનું જીવન સફળ બનીને અંતમાં પોતાના ધર્મ-બળથી અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થશે.

- text

મુંબઇ આર્યસમાજની સ્થાપના : સંવત ૧૯૩૧ ચૈત્ર સુદ ૫, શનિવાર (૧૦ એપ્રિલ, ૧૮૭૫)ના દિવસે સાંજે સાડાપાંચ વાગ્યે મુંબઈના ગિરગાવ વિસ્તારમાં એક પારસી મહાનુભાવ ડૉ.માણેક અદેરના બાગમાં આર્યસમાજની વિધિવત્ સ્થાપના કરવામાં આવી. પ્રારંભમાં ૨૮ નિયમો નક્કી કરવામાં આવ્યા. (આગળ લાહોરમાં તેનો દશ નિયમોમાં સમાવેશ કરવામાં આવ્યો.) ગુલામ દેશમાં લોકશાહી નુ પહેલું સ્વરૂપ સામે આવ્યુ સમાજના પદાધિકારીઓની ચૂંટણી થતાં ગિરધરલાલ દયાલદાસ કોઠારી પ્રધાન અને પાનાચંદ આણંદ પારેખને મંત્રી ચૂંટવામાં આવ્યા. ભારતમાં પ્રજાતંત્રની કોઈ કલ્પના પણ તે સમયમાં ન હતી. ત્યારે એક ધાર્મિક સંસ્થામાં લોકતંત્ર એ અપૂર્વ વાત હતી.

આરંભમાં સદસ્યોની સંખ્યા ૧૦૦ હતી.સદસ્યોએ સ્વામીને સંસ્થાપક અને પ્રમુખ માટે અનુરોધ કરતા તેઓએ સ્વીકાર કર્યો નહિ. પરંતુ બધાના આગ્રહથી સામાન્ય સદસ્યોમાં પોતાનું નામ રાખવા સ્વીકાર કર્યો.સદસ્યોની સૂચિમાં ૩૧મું નામ તેઓનું જોવામાં આવે છે. આર્યસમાજની સ્થાપના પછી સાપ્તાહિક સત્સંગમાં સ્વામીનાં પ્રવચનો પણ આર્યસમાજમાં થયાં. વિચાર કરો કે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક અને આર્ય સમાજના સ્થાપક પોતે એક પણ પદે રહેવા નથી માંગતા અને અત્યારના નેતાઓ કે સંગઠનમાં કેવી ખેંચતાણ ચાલી રહી છે એ આપ બધા જાણો છો

હરિશ્ચંદ્ર ચિંતામણિએ આગ્રહપૂર્વક સ્વામીનો ફોટો તૈયાર કરાવ્યો, પરંતુ સ્વામીજીએ ભવિષ્યમાં લોકો અંધવિશ્વાસથી તેની પૂજા કરશે એમ વિચારી તેને આર્યસમાજ મંદિરમાં સ્થાપિત કરવાથી અનુમતિ પણ આપી નહિ મુંબઈમાં લગભગ પોણા પાંચ મહિના નિવાસ કરીને તથા ભારતીય સુધાર આંદોલન અને વૈદિક ધર્મની પુનઃ સ્થાપના તેમજ અભિવૃદ્ધિ માટે આર્યસમાજની સ્થાપના કરીને સ્વામી ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે વગેરેના આમંત્રણથી પૂના જવા ઊપડ્યા. ક્રમશઃ

- text