ચકાચક લાગતાં સુપરમાર્કેટ કે ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મ ખરેખર તો નાના-મોટા ઉદ્યોગોને તોડનારા બની ગયા છે! : જયસુખભાઈ પટેલ

- text


બેરોજગારી વધારનારાં શોપિંગ મોલ અને ઓનલાઇન ટ્રેડિંગના કલચરની ગંભીરતા દર્શાવતા જયસુખભાઈ પટેલ

લોકોને કામધંધો-વેપાર વધુ મળે તેવી યોજનાઓ ઘડવી જોઈએ! : જયસુખભાઈ પટેલનું સરકારને સૂચન

પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’માં મોટા સ્ટોર્સ અને ઓનલાઈન બિઝનેસ લીધે સર્જાયેલ પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ દર્શાવાયા છે


મોરબી : 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પાછા આવ્યાં અને પોતાના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી એક વર્ષ સુધી આખાય ભારત વર્ષનું ભ્રમણ કરી દેશની વાસ્તવિક દશાનું તેમણે દર્શન કરેલું. ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કાર વારસો ધરાવતાં ભારતીયોમાં ઘણી બધી નબળાઈઓ જેવી કે દેશના વિશાળ જનસમુદાયની ગરીબી, અંધશ્રદ્ધા, શિક્ષણ, રોજગારી, સ્વયં શિસ્તનો અભાવ ગાંધીજીની નજરમાં આવ્યો. ભારત વર્ષના વિશાળ જનસમૂહના દર્શન પછી ગાંધીજીએ આર્થિક સ્વાવલંબનને સાચી આઝાદી માની હતી. વ્યક્તિ પોતાની કપડાં, ખોરાકની જરૂરત પોતાની રીતે જ અને ગામડામાં જ સ્થાનિક રીતે ઊભી કરે અને મોટા બેરોજગાર સમુદાયને કામ મળે એ હેતુસર ગાંધીજીએ રેંટિયા દ્વારા રોજગારી અને સ્વાવલંબન જેવા રચનાત્મક કાર્યક્રમ આપેલાં. ગ્રામ્ય સ્તરે નાના ઉદ્યોગ ધંધા વેપારને વિકસાવવા પર તેઓએ ભાર મૂકેલો, વિદેશી વસ્તુઓનો અને કપડાંનો વિરોધ કરીને હોળી પણ કરેલી!

લેખના આરંભમાં રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કરી મોરબીના અગ્રણી ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલ વર્તમાનકાળે આપણા દેશમાં કૂદકે ને ભૂસકે વધતા ઓનલાઈન સેલ્સ, ઓનલાઈન ટ્રેડિંગ, સુપર માર્કેટ, મોટાં મોટાં સ્ટોર્સના વિરોધમાં પ્રશ્નો કરે છે કે રોજગારી વધારવાને બદલે ઘટાડતી મલ્ટી નેશનલ કંપનીઓ અને મોલ માર્કેટ શું કામના? અમેરિકન વોલ–માર્ટ કંપની અમેરિકાની બેકારી માટે જવાબદાર છે અને અમેરિકા તેનો વિરોધ કરે છે. આપણે કયારે જાગીશું અને આ વિષચક્રને સમજીશું? આ સવાલો ન થતા હોય તો સમજજો કે આ નાગચૂડની ગંભીરતા તમે સમજયાં નથી! તેમ કહી ઓનલાઈન ટ્રેડિંગ અને સુપર માર્કેટના જોખમ તરફ ધ્યાન દોરતા આગળ લખે છે કે..

આજે ભારતમાં બીગ બજાર, ડી-માર્ટ, વી-માર્ટ, વોલ–માર્ટ, સ્ટાર બજાર, ડ્રાઈપર સીટી, નેશનલ હેન્ડલૂમ, રિલાયન્સ જેવી કંપનીઓ મોટા શોપિંગ મોલ અને બિગ સુપર માર્કેટના માધ્યમથી દરેક પ્રકારનો રીટેઈલ બિઝનેસ કરે છે. આ ઉપરાંત એમેઝોન, ફલિપકાર્ટ, સ્નેપડીલ, મીબોગ, ઈ–ઝોન, હોમશોપ–18 જેવી મલ્ટી નેશનલ કંપનીઓ પણ ઓનલાઈન રીટેઈલ બિઝનેસ કરીને અબજો રૂપિયાનું ટર્નઓવર કરે છે. વોલ માર્ટ કંપની તો ચીનમાં મજૂરી સસ્તી પડતી હોવાથી પોતાના મોટાભાગના માલનું ઉત્પાદન પણ ચીનમાં કરાવે છે. ભારત, અમેરિકા અને અન્ય દેશોમાં ચાઈનીઝ માલ ઠાલવે છે. દિનપ્રતિદિન આવી કંપનીઓનું ભારતમાં વેચાણ વધતું જાય છે. આનાથી માત્ર આંગળીને વેઢે ગણાય એટલા લોકોને જ રોજગારી મળે છે. 125 કરોડની વિશાળ જનસંખ્યા ધરાવતાં અને જયાં પહેલેથી જ હજારો હાથ બેકાર છે ત્યાં આ પ્રકારે રોજગારી ઘટાડતી કંપનીઓ શું કામની?

- text

દુનિયાના વિકસીત દેશોમાં સુપર માર્કેટ, શોપિંગ મોલ, ઓનલાઈન સેલ્સ કે ઓનલાઈન ટ્રેડિંગ વગેરે બરાબર છે. પરંતુ આપણા દેશમાં આથી ઉલ્ટું છે. આપણે ત્યાં આ મોલ–સુપર માર્કેટ અને ઓનલાઈન બિઝનેસનું આધુનિક કલ્ચર 1000 લોકોની રોજગારી છીનવી લઈને માંડ 10 લોકોને રોજગારી આપે છે. આ પ્રક્રિયા દિવસે ને દિવસે આગળ વધતી જાય છે અને રોજગારીની સમસ્યા અજગરની જેમ ભરડો લઈ રહી છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો રોજગારના અનેક પ્રશ્નો ઊભા થશે અને વધુ લોકો બેરોજગાર થતાં જશે. આવા સંજોગોમાં વિશાળ જનસંખ્યા ધરાવતાં આપણા દેશના વધારેમાં વધારે લોકોને કામધંધો, રોજગાર, વેપાર વધુ મળે તેવું સરકારે આયોજન કરવું જોઈએ. યોજનાઓ ઘડવી જોઈએ! તેમ જયસુખભાઈ પટેલે સરકારને સૂચન આપ્યું છે.

આ ઓનલાઈન, સુપર માર્કેટ કે મોટી રીટેલ ચેઈનમાં વેચાતી વસ્તુઓમાંથી 70થી 80 ટકા જેટલી વસ્તુઓ તો ફક્ત ઈમ્પોર્ટ કરીને વેચવામાં આવે છે. જેના કારણે ભારતના સ્મોલ અને મિડિયમ ઉદ્યોગવાળાને ઘણો મોટો ફટકો પડે છે. સ્મોલ અને મિડિયમ ઉદ્યોગવાળાનું વેચાણ પણ દિવસોદિવસ ઘટતું જાય છે. પરિણામે ડોમેસ્ટીક ઈન્ડસ્ટ્રીઝમાં પણ દિનપ્રતિદિન રોજગાર ઓછા થતા જાય છે. મલ્ટીનેશનલ કંપનીઓની કોન્ટેટી ખુબ જ મોટી હોય છે. તેથી, ચાઈનાથી ખૂબ જ ઓછી કિંમતે વસ્તુઓ ખરીદી કરે છે. આથી, લોકલ ઈન્ડસ્ટ્રીઝ તેની સામે સ્પર્ધામાં ટકી શકતાં નથી. આપણા લોકલ ઉદ્યોગો ધીમે ધીમે પોતાનું ભારતીય બજાર ગુમાવતાં જાય છે. આ કડવી વાસ્તવિકતા પર પ્રકાશ પાડી શાસકો વહેલી તકે જાગશે નહીં તો ભારતના ઘણાખરાં ઉદ્યોગો મૂર્છાગ્રસ્ત બની જાય એ દિવસો દૂર નથી! તેમ લખી જયસુખભાઈ પટેલ એ ચોખ્ખી ચેતવણી આપી છે.

નોંધનીય છે કે મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ એ પોતાના પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’માં પ્રકાશિત કરેલા આ લેખમાં મોરબી જિલ્લાના વાંકાનેર શહેરનો દાખલો આપીને જો મોટા સુપર માર્કેટ, શોપિંગ મોલ, ઓનલાઈન ટ્રેડિંગ કરતી કંપનીઓ રિટેલ બિઝનેસ કરવા માંડે તો રોજગારી પર કેવી અસર થાય છે તે બાબત અને શોપિંગ મોલ, સુપર માર્કેટ અને ઈ-ટ્રેડિંગ બિઝનેસના છળકપટને સરળતાથી સમજાવ્યું છે. આ સાથે શોપિંગ મોલ અને ઓનલાઇન ટ્રેડિંગના કલચરને લીધે ઉભી થયેલી મુશ્કેલીઓની સવિસ્તૃત ચર્ચા કરી ઉકેલ પણ દર્શાવવામાં આવ્યા છે. જે જાણવા માટે પુસ્તકમાં આપેલા સમગ્ર લેખને વાંચવો રહ્યો!


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text