કેન્દ્રીય બજેટમાં કોલગેસ પાઇલોટ પ્રોજેક્ટને આવકારતો મોરબી સિરામીક ઉદ્યોગ

- text


પીએમ આવાસ યોજનાથી સિરામીક ઉદ્યોગ મંદીમાંથી બહાર આવશે : આંતરરાષ્ટ્રીય આર્થિક વિવાદ ઉકેલ માટે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જ્યુરીડીક્શન સ્થાપવાનું પગલું પણ આવકાર્યું

બજેટમાં ઘડિયાળ ઉદ્યોગ અને અન્ય નાના ઉદ્યોગ માટે જૈસે થઈ જેવી સ્થિતિ હોવાનો સુર વ્યક્ત કરતા અગ્રણી ઉદ્યોગકારો

મોરબી : આજે કેન્દ્રની મોદી સરકારના નાણમંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલા કેન્દ્રીય બજેટને મોરબીના સિરામીક ઉદ્યોગે ઉમળકાભેર આવકારી બજેટમાં વણી લેવાયેલા જુદા-જુદા પાંચ મુદ્દા સિરામીક ઉદ્યોગ માટે પ્રેરકબળ પૂરું પાડનાર બને તેમ હોવાનો મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખે આશાવાદ વ્યક્ત કરી બજેટમાં જાહેર થયેલ કોલગેસ પ્લાન્ટનો પાઇલોટ પ્રોજેક્ટ મોરબીથી શરૂ થાય તેવી માંગ પણ દોહરાવી હતી. જો કે મોરબીના ઘડિયાળ અને અન્ય નાના ઉદ્યોગ માટે બજેટમાં કોઈ વિશેષ જોગવાઈ ન હોય ઉદ્યોગકારોએ બજેટથી કોઈ ફાયદો મળે તેમ ન હોવાનો સુર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે રજુ કરેલા બજેટમાં આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં 80 લાખ આવાસ બનાવવાની જાહેરાત કરતા સરકારના આ પગલાંથી મોરબીના સીરામીક ઉદ્યોગને સીધો જ ફાયદો મળે તેમ હોવાનું જણાવી મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ આવાસ યોજનામાં ટાઇલ્સ અને સેનીટેરીવેર પ્રોડ્કટની ડિમાન્ડ વધવાની આશા વ્યક્ત કરી હતી.

- text

વધુમાં નિલેશભાઈ જેતપરિયાએ ઉમેર્યું હતું કે કેન્દ્રીય બજેટમાં કોલગેસ પ્લાન્ટ પ્રોજેક્ટને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવા જાહેરાત કરવામાં આવી હોય તેને આવકારી મોરબીમાં પાઇલોટ પ્રોજેક્ટ રૂપે કોલગેસ પ્લાન્ટ શરૂ કરવા માંગ ઉઠાવી હતી. આ કોલગેસ પાઇલોટ પ્રોજેક્ટમાં નાના-નાના પ્રોજેક્ટને બદલે એક સ્થળે વિશાળ કોલગેસ પ્લાન્ટ કાર્યરત કરી ઉદ્યોગોને ગેસ સપ્લાય કરવામાં આવે તેવી વ્યવસ્થા હોય મોરબીના ઉદ્યોગને સસ્તા ઇંધણનો શ્રેષ્ઠ વિકલ્પ મળી શકે તેમ હોવાનું ઉમેર્યું હતું.

આ ઉપરાંત કેન્દ્રીય બજેટમાં આંતરાષ્ટ્રીય આર્થિક વિવાદો માટે હાલમાં જે વિદેશમાં કાનૂની લડત આપવી પડે છે તેના બદલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ખાસ જ્યુરીડીક્શન શરૂ કરવાની બાબતને આવકારી આવકવેરા રિટર્નમાં મોટા ઉદ્યોગો માટે બે વર્ષ સુધી સુધારા કરવાની છૂટ આપવાની સરકારની પહેલને આવકારી કોર્પોરેટ ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાથી સીરામીક ઉદ્યોગને ફાયદો થનાર હોવાનું જણાવ્યું હતું.

જો કે આજે કેન્દ્રીય નાણામંત્રીએ રજુ કરેલા બજેટથી મોરબીના ઘડિયાળ ઉદ્યોગ કે અન્ય કોઈ નાના ઉદ્યોગો માટે કોઈ વિશેષ જોગવાઈ ન હોવાનું જણાવી ક્લોક એસોસીએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ ખેડૂત લક્ષી બજેટને કારણે આવનાર દિવસોમાં આડકતરો ફાયદો થાય તેમ હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- text