મર્ડર કેસ : ચોરી કરતા જોઈ ગયા બાદ ઝપાઝપીના અંતે પાડોશીએ વૃદ્ધને ધોકો મારી પતાવી દીધા

- text


 

મોરબીમાં વૃદ્ધની હત્યાના બનાવમાં પાડોશી શખ્સની ધરપકડ બાદ એક દિવસના રિમાન્ડ ઉપર સોપાયો

મોરબી : મોરબીમાં પરિવારજનો લગ્ન પ્રસંગે ગોવા ગયા બાદ ઘરમાં એકલા રહેલા વૃદ્ધને ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસેલા પાડોશી શખ્સે જ મોતને ઘાટ ઉતાર્યા હોવાની ફરિયાદ મૃતકની પુત્રીએ નોંધાવતા પોલીસે પાડોશી શખ્સને ઝડપી લીધો હતો. આ આરોપીને એક દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોપાયો છે.

મોરબીમાં ચકચાર મચાવનાર ચોરીના ઇરાદે થયેલ હત્યા અંગેની વિગતો જોઈએ તો શહેરની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલ મહેતા નામના વયોવૃદ્ધની તેમના ઘરમાં જ લાશ મળી આવતા તેમના પાડોશમાં રહેતા સગા અને પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. બાદમાં ગોવા લગ્નમાં ગયેલ પરિવાર પરત આવતા મૃતકના અમદાવાદ રહેતા પુત્રી નિમિષાબેન વિરલભાઈ શાહએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ફરિયાદના આધારે આરોપી કલ્પેશભાઇ ઉર્ફે ઘોઘાભાઇ મુળજીભાઇ કણજારીયાને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હત્યાના બનાવ અંગે એ ડિવિઝન પીઆઇ જે.એમ. આલે જણાવ્યું હતું કે મૃતકની પાડોશમાં આરાધના સોસાયટીમાં રહેતો કલ્પેશભાઇ ઉર્ફે ઘોઘાભાઇ મુળજીભાઇ કણજારીયા નામનો શખ્સ નાની મોટી ચોરી કરવાની ટેવ ધરાવે છે.

- text

બનાવના દિવસે પણ આરોપી તેમના ઘર આસપાસ આંટાફેરા કરતો હોવાનું અને મૃતક દિનેશભાઇ ઘરમાં એકલા હોવાનું જાણતા ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસ્યો હતો.જો કે તે સમયે વૃદ્ધ પોતાના મકાનમાં બીજા રૂમમાં હોવાથી જે રૂમમાં કબાટ હોય ત્યાંજ આરોપીએ અંદર પ્રવેશી બન્ને કબાટમાંથી મોટો દલ્લો મેળવવા સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.પણ તેમાંથી કોઈ માલમતા હાથ લાગી ન હતી.એટલી વારમાં વૃદ્ધ તે રૂમમાં આવી ગયા હતા અને રૂમમાં ચોરી કરતા જોયા બાદ વૃદ્ધ ખિજાતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી અંતે પાડોશી શખ્સે ત્યાં પડેલા ધોકાથી વૃદ્ધને મારી પતાવી દીધા હતા. જો કે આ ઘરમાં કઈ માલમતા ન હોવાથી ચોરી ન થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

- text