સીરામીક ઝોન જેતપર રોડની રિપેરીગ કર્યાના થોડા સમયમાં પથારી ફરી

- text


ઠેરઠેર મસમોટા ગાબડા પડતા ટ્રાફિકજામની હાડમારીની સાથે અકસ્માત ઝોન બનવાની ભીતિ

મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર રોડની ધોર દુર્દશા થઈ ગઈ છે. આશરે એકાદ બે વર્ષ પહેલાં નવોનકોર માર્ગ બનાવ્યા બાદ ચોમાસામાં ખાડામાં ફેરવાય જતા બે વખત કરેલું રીસર્ફિંગ પણ ટક્યું ન હતું. જેતપર રોડની એટલી હદે પથારી ફરી ગઈ છે કે, આ રોડ ખાડાને કારણે ટ્રાફિકજામની સાથે અકસ્માત ઝોન બની જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

મોરબીમાં જ્યાં સૌથી વધુ સીરામીક એકમો આવેલા છે તે જેતપર રોડની હાલત સાવ નાજુક બની છે. સીરામીક ઝોનમાં આવેલા આ જેતપર રોડ ઉપર અતિશય વાહન ઘસારો રહેતો હોય 24 કલાક સતત વાહન વ્યવહારથી ધમધમતો રહે છે. પણ તંત્રના પાપે આ રોડ પર ખાડાએ કેડો જ મુક્યો નથી.આ રોડની બુરી દશાને કારણે મોરબીને ખાડાનગરીનું બિરુદ પણ મળ્યું છે. કોઈ ગ્રામ્ય વિસ્તારના અંતરરીયાળ માર્ગને ઓન સારો કહેવડાવે તેવી આ જેતપર રોડની ખરાબ હાલત છે.

જેતપર રોડને એકાદ બે વર્ષ પહેલાં જ નવો બનાવવામાં આવ્યો હતો. પણ ચોમાસામાં આ રોડની ઘોર અવદશા થઈ ગઈ હતી. એટલે ટૂંકાગાળામાં બે વખત આ રોડ ઉપર રીસર્ફિંગ કરાયું હતું. પણ થુંકના સાંધા ટકી શક્યા ન હતા અને ફરી આ રોડ ખાડાયુક્ત બની ગયો છે. ઠેરઠેર ખાડા પડી ગયા છે. બે ત્રણ મહિના પહેલા જ આ રોડનું રિપેરીગ કામ.કરાયું હતું. પણ થોડા સમયમાં જ જેતપર રોડના બુરા હાલ થઈ ગયા છે કે, વાહનચાલકો રોડ ઉપર પસાર થતી વખતે સતત હાલક ડોલક થાય છે. એમાંય રંગપરથી જેતપર સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. આ રોડ ઉપર કાચબા ગતિએ જ વાહન ચાલવું પડે એમ છે. જો વધુ સ્પીડથી વાહન ચાલવો તો આવી જ બન્યું સમજો. જેથી દરરોજ ટ્રાફિકજામ થાય છે અને દરરોજ નાના મોટા અકસ્માત થાય છે.

જેતપર રોડની ફોરેલનની મંજૂરી મળી ગઈ છે. પરંતુ ફ્રેબ્રુઆરી-માર્ચ પછી જ રોડનું કામ શરૂ થાય તેવું જાણવા મળ્યું છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, હાલમાં જેતપર રોડનું રીસર્ફિંગ કરાશે અને ટૂંક સમયમાં આ રોડનું રિપેરીગ કાર્ય હાથ ધરવાનું તેઓએ જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text