એક ના ડબલ ! ગુજરાત ગેસ કંપનીએ 3 મહિનામાં ગેસનો ભાવ 36 રૂપિયાથી 62.65 પહોંચાડ્યો

- text


ઓગસ્ટમાં 36 રૂપિયે મળતો ગેસ નવેમ્બરમાં બમણા ભાવે પહોંચતા સિરામીક ઉદ્યોગની ધોરી નસ કપાઈ
ચાર વર્ષમાં નેચરલ ગેસના ભાવમાં સતત 98 વખત ઉતાર ચડાવ વચ્ચે સિરામીક ઇન્ડસ્ટ્રીઝ ગોથે ચડી

મોરબી : સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં કોલગેસનો વપરાશ સદંતર બંધ થયા બાદ ઇંધણનો એક માત્ર વિકલ્પ નેચરલ ગેસ જ છે ત્યારે છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં આકરા ડોઝ આપી બમણા જેટલો ભાવ વધારો કરતા હાલમાં સિરામીક ઉદ્યોગને અસ્તિત્વ ટકાવવા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. વર્ષ 2017માં રૂ.37.20માં મળતો ગેસ ઓગસ્ટ 2021માં 36 રૂપિયા અને આજે રૂ.62.92ના ભાવે મળતો હોય સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં વર્કિંગ કેપિટલની ક્રાઇસીસ સર્જાઈ છે.

ગુજરાત ગેસ કંપની દ્વારા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં સતત ભાવ વધારાનો વણથંભ્યો દૌર યથાવત રાખતા સિરામીક હબ મોરબીનું ગળું ઘોટાઈ રહ્યુ હોય તેવી પ્રતીતિ ઉદ્યોગકારો કરી રહ્યા છે. છતાં મોરબીના કેન્દ્ર રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સિરામીક ઉદ્યોગની આ વિકટ સ્થિતિમાં સાથ આપવા કે સધિયારો આપવાનું ચુકી ગયા છે. જોગાનુંજોગ આ છેલ્લા ભાવવધારા પૂર્વે સિરામીક ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રીને રૂબરૂ મળી હવે આ ઉદ્યોગ નવો ભાવ વધારો સહન કરવાની સ્થિતિમાં ન હોવા અંગે રજુઆત કરી આવ્યા અને તુરત જ ગુજરાત ગેસ કંપનીએ જાજો નહિતર થોડો રૂપિયા 11.70 પૈસાનો ભાવ વધારો ઝીકી દીધો છે.

- text

મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા જણાવે છે કે વર્ષ 2017માં રૂ.37.20માં મળતા નેચરલ ગેસના ભાવમાં અત્યાર સુધીમાં ધીમે ધીમે અંદાજે 98 વખત ઉતાર ચડાવ જોવા મળ્યા છે. ખાસ કરીને કોરોના મહામારીની બીજી લહેર બાદ ઓગસ્ટ 2021થી સતત નેચરલ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અને ઓગસ્ટ 2021 સુધી રૂપિયા 36માં મળતો નેચરલ ગેસ આજે 63 રૂપિયે પહોંચી જતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝને આકરો ઝાટકો લાગ્યો છે. અચાનક થોપી દેવાયેલ ભાવ વધારાના કારણે ડોમેસ્ટિક અને એક્સપોર્ટના અગાઉ લીધેલા ઓર્ડર પુરા કરવામાં મુશ્કેલી આવી પડી છે. જો ગેસ કંપની ભાવ વધારા અંગે આગોતરી જાણ કરે તો ચોક્કસપણે સિરામીક ઉદ્યોગને અણધારી આફતનો સામનો ન કરવો પડે. હાલમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટમાં ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે અને ઉપર જતા ગેસના ભાવ વધતા બમણો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.

બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના સતાવાર સૂત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં વિદેશની માંગ વધતા નેચરલ ગેસના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો હોય 35 ડોલરના ભાવે ખરીદ કરવામાં આવતો ગેસ કઈ રીતે સસ્તો આપી શકાય તેવો સવાલ ઉઠાવી આ ભાવ વધારો કાયમી નહિ હોવાનું જણાવી ગેસની ખપત વધતા ભાવ વધારવાની નોબત આવી હોવાનું કહે છે. ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટતા ગેસની કિંમતમાં ઘટાડો કરવાનું આશ્વાસન આપી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text