મોરબી અપડેટ કોન્કલેવનો બીજો દિવસ : સ્વૈચ્છીક સંસ્થાઓનું સંગઠન રચી સમસ્યાઓ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય

- text


મહિલાઓ માટે કલબ બનાવવાની હાંકલ : પરિવારને પૂરતો સમય આપવા અનેક મહાનુભાવોની સલાહ

શહેરમાં જાહેર શૌચાલય ન હોવાથી મહિલાઓને હાલાકી પડતી હોવાની રાવ પણ ગુંજી

મોરબી : શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના નેતૃત્વ હેઠળ મોરબી અપડેટ આયોજિત થિંક મોરબી કોન્કલેવ – 2021ના આજે બીજે દિવસે મોરબીમાં આર્થિક વિકાસની સાથે ધર્મ-સંસ્કારોનું મહત્વ તેમજ સર્વાંગી વિકાસમાં મહિલાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓનું મહત્વ અને તેમની ભાગીદારી વિષયને સાંકળી લઈ ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વૈચ્છીક સંસ્થાઓનું સંગઠન રચી સમસ્યાઓ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.


ભગવાને મોરબીને ખૂબ પૈસો આપ્યો, પણ યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે : મહંત ભાવેશ્વરીબેન

રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેને જણાવ્યું કે મોરબી સૌથી અલગ છે. ભલે ગમે તેટલી થપડાટ ખાધી પણ ક્યારેય હાર્યું નથી. ભગવાને મોરબીને પૈસો ખૂબ આપ્યો છે. ધૂળમાંથી ધાન અને ધન બન્ને પેદા કરવાની તાકાત મોરબીને આપી છે. પણ દુઃખ થાય છે કે યુવાનો ખોટા માર્ગે જઈ રહ્યા છે. પર ધન, પર નારી અને મદિરા આ કળયુગને નોતરે છે. હવે મોરબીમાં બરાબરનો કળયુગ બેઠો છે. અંતમાં તેઓએ જણાવ્યું કે બાળકોને સંસ્કાર સૌપ્રથમ ઘરમાંથી મળે. પહેલી ફરજ માતા પિતાની હોય છે.


નીતિથી કમાયેલું સમાજના ઉત્થાનમાં મહત્વનો ભાગ ભજવે છે : મહંત દામજી ભગત

નકળંગધામ (બગથળા)ના મહંત દામજી ભગતે જણાવ્યું કે આજના યુગમાં ભગવાને સંપત્તિ, ઐશ્વર્ય, બધું જ આપ્યું છે. પણ એક વાતનું દુઃખ છે. કે સંતો નિષ્ફળ રહ્યા. તેઓએ પથ્થરોમાં ભગવાન છે. તેવું કહ્યું છે. પણ એમ નથી કહ્યું કે માણસ- માણસમાં ભગવાન છે. તેઓએ કહ્યું કે જે કમાણી કરો તેનો દસમો ભાગ ધર્મમાં વાપરો, એટલે લોકો કમાણીનો દસમો હિસ્સો મંદિરો બનાવવા સહિતના કામોમાં વાપરવા લાગ્યા. પણ એવું ન કહ્યું કે જેટલું કમાવો એટલું નીતિથી અને મહેનતથી કમાજો.

વધુમાં તેઓએ કહ્યું કે આર્થિક ક્ષેત્રમાં ધર્મનું યોગદાન પૂરેપૂરૂ છે. કરેલા કર્મો બધાને ભોગવવા જ પડે છે. નીતિથી કમાયેલું સમાજના ઉત્થાનમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે સમય આવી ગયો છે. યુવાનોએ જાગવાનો, જો યુવાનો નહિ જાગે તો આ મયુરભૂમિ મટી જશે.


અધિકારોઓને સતત યાદ કરીએ છીએ એટલે જ કર્તવ્ય ભૂલીએ છીએ : દેવેનભાઈ રબારી

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે ધર્મ, મહિલા અને વિકાસ આ બધા મુદ્દાઓ સ્વૈચ્છિક સંસ્થાઓને લાગુ પડે. લોકોમાં પોઝિટિવિટી છે એટલે સંસ્થાઓ આગળ આવી છે. તમામ સંસ્થાઓ મોરબીને કઈક આપવા માટે મથે છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે દેશમાં સામર્થ્ય ખૂબ છે. બસ હવે દ્રષ્ટિકોણની જરૂર છે. આપણને બંધારણે સમાનતા, ન્યાય અને બંધુતા આ ત્રણ મુખ્ય મુદાઓ આપ્યા છે. જેનું ચુસ્ત પાલન થતું નથી. જેના માટે હવે આપણે પણ મથવાની જરૂર છે.

તેઓએ ઉમેર્યું કે લોકો એવું વિચારે છે કે કોઈ સમાજ સેવા કરે છે એટલે તે રાજનીતિમાં આવશે. પણ એ માન્યતા ખોટી છે. ઘણા લોકો મને પૂછે છે કે સેવા કરીને શુ મળે છે. હું જવાબમાં કહું છું કે મને નિજાનંદ મળે છે. અત્યારે એવી પણ માન્યતા છે કે પૈસા વગર સેવા ન થાય. પણ રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિકતાના સમન્વયથી જ સેવા થાય છે. દરેક વ્યક્તિ એક સંસ્થા છે. સીમિત જીવનમાં અસિમિત થવું હોય તો સેવા કરી શકો. અંતમાં તેઓએ ચોટદાર વાક્ય કહ્યું કે અધિકારોઓને સતત યાદ કરીએ છીએ એટલે જ કર્તવ્ય ભૂલી જાઈએ છીએ.


ઉદ્યોગકારોએ આ ચાર સ્ટેપ લેવા ખૂબ જરૂરી : નિલેશભાઈ જેતપરિયા

સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું કે હાલના સમયમાં મોરબીના ઉદ્યોગકારો વૈશ્વિક બની ગયા છે. પણ તેઓએ પોતાના જીવનને ચાર વિભાગમાં વહેંચવા જરૂરી છે. (1) આત્મા/ શરીર માટે સમય આપવો (2) પરિવાર માટે સમય આપવો (3)સમાજ માટે સમય આપવો (4) આર્થિક ઉપાર્જન માટે સમય આપવો. જો આગળના ત્રણ સ્ટેપ ભૂલીને ચોથા સ્ટેપમાં લાગી ગયા તો પોતાની જાત- પરિવાર-સમાજ સાથે કનેક્શન છૂટી જાશે. બાદમાં લોકો શાંતિ માટે ખોટા રસ્તે પણ ચડી જાય છે.


સંતાનોને સમય આપશો તો તે ખોટી દિશામાં નહિ જાય : ડો. સતીષ પટેલ

અગ્રણી ડો. સતીશ પટેલે જણાવ્યું કે ઉદ્યોગપતિઓનો રથ દસેય દિશામાં દોડે છે. મોરબી ફ્લેકસીબલ છે. જેમ કહીએ તેમ કરે છે. આર્થિક ઉપાર્જન માટે પરિવાર સામું જોવાનો સમય મળતો નથી. જેના પરિણામો માઠા મળે છે. જો સંતાનોને સમય આપવામાં આવે તો તેઓ આપમેળે સમજશે કે તેને શું કરવું જોઈએ. દુષણ, મારકૂટ આ બધું ન કરવું જોઈએ બસ સંતાનોને કંપની આપશો એટલે એ કોઈ ખોટી દિશા નહિ પકડે.


સ્ત્રી એ પરિવારનું કેન્દ્ર બિંદુ હોય છે : પૂર્ણિમાબેન ભાડેસિયા

પૂર્ણિમાબેન ભાડેસિયાએ જણાવ્યું કે સ્ત્રી એ પરિવારનું કેન્દ્ર બિંદુ કહેવાય છે. પરિવારની ઉન્નતિમાં સ્ત્રીનો ફાળો ખૂબ મોટો હોય છે. સ્ત્રી શક્તિશાળી હોય છે. જેના સહારે ઘર ઉજળું બને છે. વધુમાં તેઓએ જણાવ્યું કે શિક્ષિત સ્ત્રીઓ ન માત્ર પરિવાર પણ સમાજને એક નવી દિશા આપે છે.


આર્થિક વિકાસમાં મહિલાઓનું યોગદાન 50 ટકા છે : વૈશાલીબેન પારેખ

મોટિવેશનલ સ્પીકર વૈશાલી પારેખે જણાવ્યું કે આર્થિક વિકાસમાં મહિલાઓનું યોગદાન 50 ટકા છે. કારણકે તે ઘર સંભાળે છે. એટલે પતિ બહાર જઈને સમયની પરવાહ કર્યા વગર આર્થિક ઉપાર્જન કરી શકે છે. પણ આ આર્થિક વિકાસને ટકાવવા માટે હવે મહિલાઓને બહાર લઈ જવી પડશે. આર્થિક વિકાસ થતા ઘરમાં નોકરો વધ્યા, મહિલાઓ ફ્રી રહેવા લાગી જેથી હવે મહિલાઓમાં દુષણો આવવાની સંભાવના છે. મહિલાઓને શિક્ષિત તો કરી છે. પણ હવે તેને બહારની દુનિયામાં નહિ લઈ આવીએ તો દુષણ આવશે સાથે તેનું શિક્ષણ પણ વેસ્ટ જશે.


દીકરીઓની સંખ્યાનો રેશીયો મોરબીમાં ઓછો, જે ખૂબ ગંભીર બાબત : ઇલાબેન ગોહિલ

ડે.ડીડીઓ ઇલાબેન ગોહિલે જણાવ્યું કે દીકરીઓની સંખ્યાનો રેશીયો મોરબીમાં ઓછો છે. જે ગંભીર મુદ્દો છે. ભ્રુણ હત્યાના દુષણ વિશે પણ વિચારવું જરૂરી છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે મહિલાઓની સુરક્ષા માટે સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ. અંતમાં તેઓએ કહ્યું કે મહિલાઓ શિક્ષિત છે તો ઉદ્યોગો કે અન્ય વ્યવસાયોમાં તેઓને સામેલ કરવા જોઈએ.

- text


કલબ બને, તેમાં 500થી 1000 મહિલાઓ જોડાય તેવું સ્વપ્ન : ભાવનાબેન

ભાવનાબેને જણાવ્યું કે મોરબીની 500થી 1000 મહિલાઓ એક સ્થળે ભેગા થઈ શકે તેવું મારું સ્વપ્ન છે. રાજકોટમાં જેમ સરગમ લેડીઝ કલબ ચાલે છે. તેની જેમ મોરબીમાં પણ કલબ શરૂ થાય. નત નવીન પ્રવૃતિઓ થાય. જેના થકી મહિલાઓ આગળ આવી શકે.


દુષણ માત્ર અહીં જ નથી, દરેક જગ્યાએ છે : મિતાબેન જોશી

ડીઆરડીએના ડિરેકટર મિતાબેન જોશીએ જણાવ્યું કે દુષણો અહીં જ છે. તે વાત ખોટી છે. દુષણો દરેક જગ્યાએ છે. હું કેશોદમાં પ્રાંત અધિકારી હતી. ત્યારે મેં એક બનાવ જોયો. જેમાં એક મા- બાપ તેના અન્ય બે બાળકોને ખાનગી શાળામાં ભણાવતા હતા. જ્યારે એક દિવ્યાંગ બાળકીને સરકારી શાળામાં ભણાવતા હતા. જો કે આ દિવ્યાંગ બાળકી ખેલમહાકુંભમાં છેક રાજ્યકક્ષા સુધી રમીને ઝળકી હતી. આમ સંતાનમાં ભેદભાવનું દુષણ પણ હટવું જોઈએ.


પાલિકા વિકેન્ડ સેમિનાર ગોઠવે, જેમાં બેકિંગ, કુકિંગ અને બ્યુટીપાર્લરની ટ્રેનિંગ આપે : આરતીબેન રાંકજા

જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન રાંકજાએ જણાવ્યું કે છેલ્લા 6થી 7 વર્ષથી યુવતીઓ સાથે કામ કરૂં છું. હવે મોરબીમાં મહિલાઓ માટે કલબની જરૂર છે. જેમાં નાટકો યોજાઈ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ થાય. વધુમાં તેઓએ જણાવ્યું કે પાલિકા વિકેન્ડ સેમિનાર ગોઠવે જેમાં મહિલાઓને બેકિંગ, કુકિંગ અને બ્યુટીપાર્લર સહિતની ટ્રેનિંગ આપવામાં આવે. જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે. મોરબીમાં એક્ઝિબિશન પણ યોજાવા જોઈએ. જેમાં મોરબીની મહિલાઓની વસ્તુઓ મોરબીની જ મહિલાઓએ ખરીદવી જોઈએ. અંતમાં તેઓએ જણાવ્યું કે દાન પેટીના નાણાંથી હવે જાહેર સ્થળોએ વોશરૂમ બનાવવા જોઈએ.


કોઈ પણ બદલાવની શરૂઆત આપણાથી જ કરવી જોઈએ : ડો. ચિરાગ અઘારા

સ્વચ્છતા સમિતિના ડો. ચિરાગ અઘારાએ જણાવ્યું કે કોઈ પણ બદલાવની શરૂઆત આપણાથી જ કરવી જોઈએ. અમે જાતે જ શહેરને સ્વચ્છ રાખવા માટે પહેલ શરૂ કરી. જો કે તેમાં પાલિકાનો પણ ફાળો રહ્યો. અમે બે દિવસ પહેલા પાલિકાને જાણ કરી દઈએ એટલે પાલિકા માણસો મોકલે અને ટ્રેકટર સહિતની સાધન સામગ્રી પણ મોકલે. પણ જે જગ્યાએ સફાઈ થઈ જાય. પછી તે જગ્યાનું પાલિકા ધ્યાન રાખતી નથી.


સ્વૈચ્છીક સંસ્થાઓ વચ્ચે સંકલન હોવું જરૂરી છે : નિર્મિત કક્કડ

નિર્મિત કક્કડે જણાવ્યું કે સ્વૈચ્છીક સંસ્થાઓ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. દરેક વિસ્તારમાંથી એક- એક વ્યક્તિની ટીમ બનાવીને તેને પણ જોડવા જોઈએ. વધુમાં તેઓએ કહ્યું કે બાપા સીતારામ ચોકથી ગાંધી ચોક વચ્ચે એક પણ શૌચાલય નથી.


તમામ સંસ્થાઓ વતી એક વ્યક્તિ નિમવી જોઈએ, જેમને લોકો સમસ્યા કહી શકે : પિયુષ પોપટીયા

યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ પોપટીયાએ જણાવ્યું કે સરકાર બધું કરી દેશે તે માનવું ઠીક નથી. જાતે પણ કરવું જોઈએ. સંસ્થાઓએ સંકલન રાખવું જરૂરી છે. સાથે શહેરની તમામ સંસ્થાઓએ એક એવી વ્યક્તિ નિમવી જોઈએ જેને તમામ લોકો ઓળખતા હોય અને આ વ્યક્તિ પાસે જ લોકો બધી સમસ્યા કહી શકે. બાદમાં આ વ્યક્તિ જે- તે સંસ્થાને તે સમસ્યાનું સમાધાન લાવવાનું કામ સોંપી દયે.


લોકોએ માત્ર ટીકા નહિ સ્વયમ કામ કરવું જોઇએ : બ્રિજેશભાઈ મેરજા

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે જુદા જુદા પ્રકલ્પોમાં લોકોનું યોગદાન જરૂરી છે. સરકાર કરતા મને મોરબીની જનતાનું વધુ પેટમાં બળે છે. લોકોએ પણ માત્ર ટીકા નહિ સ્વયમ કામ કરવું જોઇએ. ખુદ કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉચકવા માટે ગોવાળીયાનો ટેકો માંગ્યો હતો. તેમ અમે પણ લોકોનો ટેકો ઇચ્છીએ છીએ. અમે સ્વૈચ્છિક સંસ્થાઓને અમારા સહયોગી માનીએ છીએ. આ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંગઠન બને અને તેમાં ધારાસભ્ય તરીકે નહિ પણ સારા સભ્ય તરીકે રહેવામાં આનંદ થશે.




● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text