મોરબીમાં રફાળીયા રોડના અધૂરા કામથી ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા

- text


ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર બેથી ત્રણ કિલોમીટર સુધી વાહનોના થપ્પા

મોરબી : મોરબીથી લીલાપર રફાળીયા તરફ જતા રોડનું કામ મંથર ગતિએ ચાલી રહ્યુ છે અને એક તરફનો રોડ ખોદી નંખાતા દરરોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આજે પણ બેથી ત્રણ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.

મોરબી લીલાપર રોડથી મચ્છુ ડેમ સાઇટ થઈ રફાળીયા અને જોધપરને જોડતા માર્ગ ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. આ માર્ગ ઉપર સિરામિક ઉદ્યોગકારોથી લઈ લોડિંગ વાહનો પણ મોટી સંખ્યામાં પસાર થાય છે ત્યારે રોડના કામને લઈ એક તરફનો માર્ગ હાલ ખોદી નાખવામાં આવ્યો છે.

- text

જોકે, લાંબા સમયથી ખોદીને મૂકી દેવાયેલ આ રોડનું કામ ચાલુ થતુ ન હોય દરરોજ દિવસભર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આજે પણ આ માર્ગ ઉપર અંદાજે બે થી ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાતા લોકો કલાકો સુધી આ જામમાં ફસાયા હતા.

આ સંજોગોમાં ચોમાસા પૂર્વે વહીવટી તંત્ર તાકીદે રોડનું કામ પૂર્ણ કરી લોકોને કાયમી ટ્રાફિકજામ સમસ્યાથી મુક્તિ અપાવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.

- text