હળવદના માણેકવાડા ગામને આજે પણ કોરોના અડકી નથી શક્યો!

- text


લોક જાગૃતિને કારણે આજે પણ ગામમાં કોરોના કેસ નહિ 

મોરબી જિલ્લાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતું ગામ

હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આજે પણ એક ગામ એવું છે જ્યાં હજુ સુધી કોરોના એન્ટ્રી કરી શક્યો નથી. 1025 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં લોક જાગૃતિને કારણે એકપણ વ્યક્તિ કોરોના સંક્રમિત બની નથી અને લોકો કોરોના કાળમાં પણ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.

ઠાકોર, ભરવાડ અને દેવીપૂજક સમાજની વસ્તી ધરાવતા માણેકવાડા ગામમાં ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રીતના જ લોક જાગૃતિ રાખી રહ્યા છે. જેથી અત્યાર સુધી આ ગામમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આમ તો માણેકવાડા ગામ હળવદ તાલુકાનું બોર્ડર પરનું ગામ કહેવામાં આવે છે. માણેકવાડાથી પછી વાંકાનેરની હદ ચાલુ થતી હોય છે. આ ગામમાં મોટાભાગે લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજી ગ્રામ પંચાયત દ્વારા જે નિયમ લાગુ કરાયા છે તેનું પાલન કરી રહ્યા છે.

વધુમાં માણેકવાડા ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ ઠાકોરએ જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી કે બીજી લહેરમાં એકપણ કોરોનાનો કેસ અમારા ગામમાં નોંધાયો નથી. ગામના લોકો પણ સ્વયંભૂ જ નિયમોનું પાલન કરી રહ્યા છે. અહીં દુકાનો પણ સવારે બે કલાક અને સાંજે બે કલાક જ ખોલવામાં આવે છે. ગામના લોકો જો અન્ય ગામ જાય તો તેઓ ખાસ તકેદારી રાખે છે. ગામમાં હાલ ધાર્મિક તેમજ સામાજીક પ્રસંગો બંધ રાખવામાં આવ્યા છે.

- text

ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ પ્રથમ તો ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકજાગૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ માણેકવાડા ગામે આપ્યું છે. અહીં અત્યાર સુધીમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. તે સારી વાત છે સાથે જ ગ્રામ પંચાયત અને ગ્રામજનોને પણ જાગૃતતા રાખી રહ્યા છે. તે ખરેખર પ્રશંસનીય છે.

હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા દરરોજ ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ જાણવામાં આવતી હોય છે. પરંતુ અત્યાર સુધી માણેકવાડા ગામમાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ અથવા તો કોઈ બીમારીમાં લોકો સપડાયા હોવાનું જાણવા મળ્યું નથી. જેની પાછળનું મુખ્ય કારણ છે લોકભાગીદારી ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી માણેકવાડા ગામ આજે કોરોના મુક્ત રહ્યું છે. જેથી, ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ ઠાકોર અને તલાટી મંત્રી નટુભાઈ કણજરીયાને હું અભિનંદન આપું છું.

- text