માળીયા તાલુકામાં મહાકાય કંપનીઓને બદલે અગરિયાઓને જમીન ફાળવવા માંગ

- text


બગસરાના સ્થાનિકોનો હક્ક છીનવી બહારની કંપનીઓને લિઝથી આપેલી જમીન રદ કરવા મહેસુલ મંત્રીને બગસરા ગ્રામ પંચાયતની રજુઆત

માળીયા : માળીયા તાલુકાના બગસરા ગામની હદમાં સરકારે બહારની કંપનીઓને મીઠું પકવીને તેના પ્રોસેસર યુનિટો સ્થાપવા માટે લિઝથી જમીન ફાળવી છે. આ માટે હજુ પણ જમીન માપણી અને સર્વે ચાલુ છે, જેનો સ્થાનિક ગ્રામજનો સહિત બગસરાના સરપંચ અને ગ્રામપંચાયતના સભ્યોએ વિરોધ કર્યો છે.

આ અંગે રાજ્યના મહેસૂલમંત્રીને કરેલી લેખિત રજુઆતમાં બગસરા ગામના સરપંચ મહેબૂબભાઈ હામિદભાઈ સુમરાએ જણાવ્યું છે કે, બગસરા ગામની હદમાં નીલ સર્વે નંબર તથા સર્વે નંબર વાળી જમીનો પર પ્રથમ હક્ક સ્થાનિક ગ્રામજનોનો બનતો હોવા છતાં ગાંધીનગરથી ઉક્ત જમીનો મીઠાના ઉત્પાદન માટે બહારની કંપનીઓને લિઝથી ફાળવી દેવાઈ છે.અમુક જગ્યાએ હજુ માપણી, સર્વે સહિતની કામગીરી ચાલુ છે. જે તત્કાળ અસરથી રોકવામાં આવે. મોટી કંપનીઓ ઓટોમેટિક અને મહાકાય મશીનો દ્વારા મીઠાનું ઉત્પાદન અને પ્રોસેસિંગ કરતી હોવાથી સ્થાનિકોને રોજગારી મળે એવી શક્યતા નહિવત છે. આવી કંપનીઓને કારણે અગરિયાઓની રોજી-રોટી છીનવાનો ભય રહેલો છે.

- text

બહારની કંપનીઓની લિઝ રદ કરી સ્થાનિક અગરિયાઓની રોજી-રોટી માટે કુટુંબ દીઠ 10 એકર જમીન મીઠું પકવવા માટે ફાળવવામાં આવે તો સ્થાનિકોને હિજરત નહિ કરવી પડે, અન્યથા સ્થાનિક અગરિયાઓ માટે અહીં ટકી રહેવું મુશ્કેલ બનશે તેવું રજુઆતમાં જણાવાયું છે. સરકાર દ્વારા સ્થાનિકોની અવગણના કરી બહારની કંપનીઓને ફળવાયેલી જમીન અને તે અંગેના હુકમો ત્વરિત લાગુ પડે એ રીતે રદ કરવામાં નહિ આવે ત્યાં સુધી સરકારના ઉપરોક્ત હુકમો અંગે સ્થાનિક ગ્રામીણોનો વાંધો જ રહેશે અને આવનારા દિવસોમાં ન્યાય મેળવવા માટે કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે તેવું રજૂઆતના અંતમાં બગસરા ગામ વતી મહેબૂબભાઈ સુમરા, મેણંદભાઈ ગેલાભાઈ ગજીયા, કિશોરભાઈ સુજાભાઈ વાઘેલા, કાનજીભાઈ નાગજીભાઈ પીપળીયા અને સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયાએ જણાવ્યું હતું.

- text