રાજકીય ખેલદિલી : મતદાન બાદ વોર્ડ નંબર-4ના તમામ હરીફ ઉમેદવારોએ સાથે ચા-પાણી પી ગ્રુપમાં ફોટો સેશન કર્યું

- text


ચૂંટણી તો આવે ને જાય આપણે સ્થાનિકો સાથે જ રહેશુંનો અનોખો સંદેશ આપતા ભાજપ, કોંગ્રેસ,બસપા અને અપક્ષના ઉમેદવાર : તમામ ઉમેદવારોએ સાથે મળી મતદારોનો આભાર વ્યક્ત કર્યો

મોરબી : સામાન્ય રીતે ચૂંટણી મેદાનમાં ઉતરતા રાજકીય પક્ષના ઉમેદવારો હમેશા હરીફ ઉમેદવારોને કરડાકી ભરી નજરથી જ જોતા હોય છે અને ચૂંટણીના વેરઝેર કાયમી યાદ રાખતા હોય છે પરંતુ આજે મોરબીમાં હરીફ ઉમેદવારોની રાજકીય ખેલદિલીનું અનોખુ કહી શકાય તેવું ઉદાહરણ જોવા મળ્યું હતું. જેમા મતદાન પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર-4માં ભાજપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષ ઉમેદવારો અને કાર્યકરોએ સાથે બેસીને ચા-પાણી પીવાની સાથે -સાથે ગ્રુપમાં યાદગિરીરૂપે ફોટો પડાવ્યો હતો અને પરિણામ જે આવે એ શિરોમાન્ય રાખી તમામ ઉમેદવારોએ મતદારોનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર -4માં મોટાભાગના મતદારો મધ્યમવર્ગીય અને શિક્ષિત છે અને આ ચૂંટણીમાં ઉમેદવારો પણ એવા જ મળ્યા છે અને એથી જ આજે મોરબીમાં ઐતિહાસિક કહી શકાય તેવી ઘટના વોર્ડ નંબર ચારમાં ઘટી છે. આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષ ઉમેદવારો અને કાર્યકરો એક છત્ર નીચે ભેગા થયા હતા અને રાજકીય ખેલદિલી કેવી હોવી જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સૌ હરીફ ઉમેદવારો પક્ષાપક્ષી ભૂલી સાથે બેસી ચા,પાણી પીવાની સાથે ઉત્સાહપૂર્વક મતદાન કરનાર સૌ કોઈ મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

નોંધનીય છે કે મોરબી પાલિકાની ચૂંટણી પૂર્વે બે પક્ષના લોકો વચ્ચે મારામારી અને આજે ટંકારામાં ચૂંટણી લડતા ઉમેદવારના ભાઈ ઉપર હુમલો થવાની ઘટનાઓ બની હતી. ત્યારે આવી ઘટનાઓથી તદ્દન વિપરીત વોર્ડ નંબર-4ના તમામ પક્ષના હરીફ ઉમેદવારોએ એક સાથે મળીને રાજકીય ખેલદિલીનો ઉમદા પરિચય કરાવ્યો હતો. તમામ હરીફ ઉમેદવારોએ સાથે ચા પાણી પીને આ ઐતિહાસિક ક્ષણ ને કાયમી સંભારણું બનાવવા સરસ ફોટો શેસન પણ કરાવ્યું હતું.

- text

- text