મોરબી જિલ્લા પંચાયતની 9 બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરા-ખરીનો ખેલ

- text


ટંકારા, જેતપર, મોટા દહીંસરા, માથક, મહેન્દ્રનગર સહિતની બેઠકોમા ભાજપ-કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ ઉપર

મોરબી : મોરબી જિલ્લો બન્યા બાદ પ્રથમ ટર્મમાં જ પાટીદાર અનામત આંદોલનની અસર તળે કોંગ્રેસે 24 માંથી 22 બેઠકો કબ્જે કરી ભાજપને હાંસિયામાં ધકેલી દીધા બાદ આંતરિક ઝઘડામાં રચી પચી રહેતી કોંગ્રેસ માટે આગામી ચૂંટણી પડકાર લઈને આવી છે, તો ભાજપ માટે પણ બહુમતી સાથે ચૂંટાવું મુશ્કેલ છે ત્યારે આગામી 28 તારીખે યોજાનાર ચૂંટણીજંગ માટે હાલ બન્ને પક્ષ રાત ઉજાગરા કરવાની સાથે મતદારોને મનાવવા મેદાને પડ્યા છે, મોરબી જિલ્લાની કુલ 24 બેઠકો પૈકી ટંકારા,ઘુંટુ, જેતપર, મોટા દહીંસરા, માથક, મહેન્દ્રનગર સહિતની 9થી 10 બેઠકો જિલ્લાનું પરિણામ નક્કી કરવાની સાથે ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ સાબિત થશે.

પાંચ લાખ આડત્રીસ હજારથી વધુ મતદારો ધરાવતી મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠકો માટે આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ મતદાન થનાર છે કુલ 24 બેઠકો માટે ભાજપ,કોંગ્રેસ,આપ,બસપા અને અપક્ષ સહીત 76 ઉમેદવારો ચૂંટણીજંગમાં મેદાને છે ત્યારે 24 પૈકી 9થી 10 બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રતિષ્ઠા હાલ દાવ પર લાગેલી છે,ખાસ કરીને ટંકારા, ઘુંટુ, મોટા દહીંસરા, માથક, મહેન્દ્રનગર, જેતપર, સહિતની બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના મોટા માથા મેદાને છે તો નવી બનેલી શક્તિ સનાળા બેઠક ઉપર કૌટુંબિક ભાઈઓ વચ્ચે જંગ છેડાયો છે.

મોરબી જિલ્લામાં પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં બેઠક વાઇસ સ્થિતિ જોઈએ તો,રાજકોટ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારઘી જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તેવી ઘુંટુ બેઠક પાટીદાર,કોળી અને અનુસૂચિત જાતિના મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક ઉપર કોંગ્રેસે ગત ટર્મ વિજેતા બનેલા હસમુખભાઈ મુછડિયાને મેદાને ઉતાર્યા છે આ બેઠક ઉપર કુલ 25274 મતદાર નોંધાયેલ છે અને અહીં બસપા,આપ અને અપક્ષે પણ ઝંપલાવ્યું છે.

જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકમાં ભાજપ-ભાજપ વચ્ચે જંગ જામશે પાટીદાર અને અન્ય મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર 25749 મતદારો નોંધાયેલ છે મહેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના જુના જોગી અશ્વિન બોપલીયાએ ટિકિટ માંગી હતી પરંતુ અહીં ભાજપે ઉદ્યોગપતિ અને યુવા ભાજપ અગ્રણી જીજ્ઞેશ કૈલાના પત્ની જાનકીબેનને મેદાનમાં ઉતારતા ભાજપના જુના જોગી અશ્વિન બોપલીયાએ તેમના પત્ની શારદાબેનને અપક્ષ મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે અસ્મિતાબેન મનસુખભાઇ સેરશિયાને મેદાનમાં ઉતાર્યા છે આ ઉપરાંત પણ અન્ય બે અપક્ષ ઉમેદવારો અહીં ચૂંટણીજંગમાં છે.

ટંકારા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક ભાજપ માટે કપરા ચઢાણ સમાન છે પાટીદારોના પ્રભુત્વવાળી આ બેઠક માટે કોંગ્રેસે તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને તાલુકા સંગઠન પ્રમુખ ભુપેન્દ્રભાઈ રામજીભાઈ ગોધાણીને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે તો ભાજપે પણ યુવા તરવરિયા સંજયભાઈ ભાગીયાને મેદાનમાં ઉતાર્યા છે.આ બેઠક ઉપર ટંકારાના સરપંચના નજીકના સગા એવા પંકજ ત્રિવેદી આપમાંથી લડી રહ્યા છે તો એક્સ ઉમેદવાર પણ મેદાનમાં છે જો કે,અહીં લેઉવા પાટીદાર સમાજ કોના ઉપર રીજે છે એ તા.2 માર્ચે મતગણતરી સમયે જ ખબર પડશે.

- text

હળવદ તાલુકા હેઠળ આવતી માથક બેઠક ઉપર પણ ભાજપનો આંતરિક વાદ -વિવાદ પરિણામો ઉપર અસર કરે તેમ છે આ બેઠક ઉપર ભાજપે અગાઉ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી ધારાસભ્ય જૂથની અવગણના કરતા છેલ્લી ઘડીએ ઠાકોર સમાજના મતનું અંક ગણિત રજુ કરી ધારાસભ્ય જૂથે ઉમેદવાર ફેરવવામાં સફળ રહેતા અહીં ભાજપે મેરામભાઇ કરમશીભાઇ વિઠ્ઠલાપરાને મેદાનમાં ઉતાર્યા છે સામાપક્ષે કોંગ્રેસે અહીંથી કોંગી અગ્રણી ગોરધનભાઈ ભીમજીભાઈ કુંવરિયાને મેદાનમાં ઉતાર્યા છે મહત્વનું છે કે પાટીદાર ઇફેક્ટ છતાં ગત ટર્મમાં ભાજપની અહીથી જીત મળી હતી ત્યારે છેલ્લી ઘડીએ નામ ક્ષત્રિય આગેવાનની કપાઈ જતા ક્ષત્રિય મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે.

આ ઉપરાંત વાંકાનેર તાલુકાની મહીકા બેઠક પણ ભાજપ અને કોંગ્રેસ માટે કાંટે કી ટક્કર જેવી સાબિત થશે કોળી અને મુસ્લિમ મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક ઉપર 23827 મતદારો નોંધાયેલ છે અહીંથી કોંગ્રેસે છેલ્લી બે ટર્મથી સતત ચૂંટાઈ આવતા નવઘણભાઇ દેવશીભાઇ મેઘાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે ગત વિધાનસભાના દાવેદાર એવા ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયાને મેદાનમાં ઉતાર્યા છે આ ઉપરાંત આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારાયા છે.

મોરબી જિલ્લા પંચાયતની નાની વાવડી બેઠકના સ્થાને આ વખતે નવી શકત સનાળા બેઠક અસ્તિત્વમાં આવી છે,23920 મતદાર ધરાવતી આ બેઠકમાં પાટીદાર,ક્ષત્રિય,રબારી ઉપરાંત અન્ય મતદારો પણ નોંધાયેલ છે આ બેઠક બન્ને પક્ષ માટે નવી છે.ભાજપે અહીંથી જેન્તીલાલ દામજીભાઇ પડસુમ્બિયાને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે તાલુકા સંગઠનના પ્રમુખ કે,ડી,પડસુમ્બિયાને અહીંથી ચૂંટણીજંગમાં મેદાને ઉતાર્યા છે આ ઉપરાંત આ બેઠક ઉપર બસપાના ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા છે.

સૌથી અગત્યની બેઠક એવી જિલ્લા પંચાયતની જેતપર સીટ ઉપર સૌની નજર છે કોંગ્રેસે આ બેઠક ઉપર સૌથી ધનિક કહી શકાય તેવા બેકબોન ગ્રુપના સમાહર્તા અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સોનલબેનના પતિ ઘનશ્યામભાઈ જાકાસાણીયાને મેદાને ઉતાર્યા છે તો ભાજપે યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી અજય લોરિયાને મેદાનમાં ઉતાર્યા છે.પાટીદાર પ્રભુત્વવાળી આ બેઠક ઉપર 25501 મતદારો નોંધાયેલા છે અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આ ગામના વતની છે.આ બેઠક ઉપર આપે પણ ઉમેદવાર ઊભા રાખ્યા છે.

- text