ચાલો પાટી દફ્તર ઉપાડો ! 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ

- text


રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટતા વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો ધોરણ ૬ થી ૮ના વર્ગો પુનઃ શરૂ કરવાનો નિર્ણય

મોરબી : મોરબી સહીત સમગ્ર રાજ્યમાં આગામી ગુરૂવારથી ધોરણ ૬ થી ૮ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે

શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલ તમામ બોર્ડ ની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ ૬ થી ૮ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ ૮મી જાન્યુઆરી-૨૦૨૧ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે.આ હેતુસર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ SOPનું પાલન અવશ્ય કરે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે .

રાજ્ય ના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.શિક્ષણ સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે.જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે એમ પણ શ્રી વિનોદ રાવે ઉમેર્યું હતું

- text

કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે તેમ શિક્ષણ સચિવ શ્રી એ જણાવ્યું હતું.

ધોરણ ૬ થી ૮ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી , શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ SOPની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લીધી હતી.કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશઃ વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તદઅનુસાર ગત તારીખ ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ ૧૦-૧૨ અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગખંડો તારીખ ૧લી ફેબ્રુઆરીથી પુનઃ શરૂ થઈ ગયા છે તેમજ તારીખ ૮મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.ધોરણ ૯ થી ૧૨ના વર્ગોમાં શરૂઆતના તબક્કે ૪૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ આ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા હતા તે સંખ્યા હવે વધીને ૭૦ થી ૭૨ ટકા જેટલી થઈ ગઈ છે.રાજ્ય સરકારના પરિણામકારી આ પ્રયાસોમાં વાલીઓ પણ પોતાના બાળકોના શિક્ષણ હિતમાં ઉત્સાહથી સહયોગ આપી રહ્યા છે અને વર્ગખંડ શિક્ષણ માટે પોતાના બાળકોને વધુને વધુ પ્રેરિત કરે છે.

- text