મોરબી જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપમાં બગાવત

- text


મહેન્દ્રનગરના પૂર્વ સરપંચે ટિકિટ ન મળતા ભાજપ સાથેનો 35 વર્ષ જૂનો નાતો તોડ્યો: પત્નીને જિલ્લા પંચાયત અને ટેકેદારોને તાલુકા પંચાયતમાં અપક્ષ લડાવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં ટંકારા, માળીયા, હળવદ અને મોરબી નગરપાલિકામાં ભાજપમાં બગાવતની આગના લબકારા ઉઠવાનું શરૂ થયા બાદ આ આગ આજે વધુ તેજ બની હોય તેમ મહેન્દ્રનગરના માજી સરપંચને માગ્યા મુજબ ટિકિટ ન મળતા આજે ભાજપ સાથેનો 35 વર્ષનો નાતો એક ઝાટકે તોડી નાખી ભાજપના આ આગેવાને જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠક ઉપર તેમના અર્ધાંગિનીને અપક્ષ મેદાને ઉતારી અન્ય ત્રણ ટેકેદારોને મોરબી તાલુકા પંચાયતમાં અપક્ષ મેદાને ઉતારતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

મહેન્દ્રનગર ગ્રામપંચાયતમાં બબ્બે ટર્મ સરપંચ તરીકે લોકસેવા કરવાની સાથે ભાજપ સાથે છેલ્લા પાંત્રીસ વર્ષથી પાયાના સનિષ્ઠ કાર્યકર તરીકે સેવા કરનાર અશ્વિનભાઈ બોપલિયાને સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં ભાજપે અન્યાય કરતા આજે તેઓએ ખુલ્લેઆમ બગાવત કરી તેમના પત્ની શારદાબેન અશ્વિનભાઇ બોપલિયાને જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર સીટ ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી ભાજપ પ્રત્યે નારાજગી દર્શાવી છે.

- text

વધુમાં ભાજપના આગેવાન અશ્વિનભાઈ બોપલિયાએ તેમ પત્નીને જિલ્લા પંચાયતમાંથી ઉભા રાખવાની સાથે મોરબી તાલુકા પંચાયતની મહેન્દ્રનગર-1 બેઠક ઉપર રેવિબેન ચુનીભાઇ બાવરવા, મહેન્દ્રનગર-2 બેઠક ઉપર સવિતાબેન રસિકભાઈ અગેચરિયા અને પીપળીબેઠક ઉપર રમેશભાઈ વડસોલાને અપક્ષ લડાવ્યા છે.આમ મોરબી જિલ્લામાં ટિકિટ મામલે નારાજગી ભાજપને દઝાડે તેવા સંકેતો મળી રહ્યા છે.

- text