સિરામિક ઉદ્યોગ માથે દૈનિક રૂ.3.97 કરોડનું ભારણ વધ્યું : ગેસના ભાવમાં સીધો રૂ. 5.30નો તોતિંગ વધારો

- text


  • અગાઉ રૂ. 4.5નું ડિસ્કાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા બાદ ફરી ભાવ વધારો ઝીંકાતા એક જ મહિનામાં ગેસના ભાવમાં રૂ. 10નો જબ્બર ઉછાળો

  • આગામી 1 ફેબ્રુઆરીથી ગેસ નવા ભાવે રૂ. 35.10 પ્રતિ ક્યુબીક મીટરે મળશે

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગ ઉપર જાણે માઠી બેઠી હોય તેમ સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ લેતી નથી. હજુ તાજેતરમાં જ ઉદ્યોગપતિઓએ સરકારમાં ગેસના ભાવો નિયંત્રણમાં લેવાની રજુઆત કરી હતી. જેને થોડા દિવસો વીત્યા ત્યાં જ ફરી ગેસના ભાવમાં રૂ. 5.30નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેને પગલે ઉદ્યોગોને દૈનિક રૂ. 3.97 કરોડનો ફટકો પડવાનો છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક બજારમાં પોતાને જોરે એક અલગ સ્થાન બનાવી ચૂક્યું છે. હવે આગળ વધવાનું તો દૂર પોતાના સ્થાને ટકી રહેવું પણ આ ઉદ્યોગ માટે લોઢાના ચણા ચાવવા જેવું કપરું બન્યું છે. કારણકે સિરામિક પ્રોડક્ટની કોસ્ટમાં સૌથી અહમ ભૂમિકા ભજવતા એવા ગેસના ભાવ છેલ્લા એકાદ મહીનાથી અસ્થિર બન્યા છે. તાજેતરમાં ગુજરાત ગેસ દ્વારા ગત તા.29 ડિસેમ્બરના રોજ સિરામીક ઉદ્યોગને મળતું રૂ. 4.50નું ડિસ્કાઉન્ટ દૂર કરી દેવામાં આવ્યું હતું.

ત્યારબાદ ગેસના ભાવ પ્રતિ ક્યુબીક રૂ. 29.80 જેવા થઈ ગયા હતા. હવે આજરોજ ગેસ કંપનીએ ફરી ભાવમાં વધારો જાહેર કર્યો છે. જેમાં રૂ. 4.96નો ભાવ વધારો અને રૂ. 0.30 ટેક્સનો વધારો એટલે કુલ રૂ. 5.30નો વધારો જાહેર થયો છે. આ વધારો આગામી તા. 1 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. આ વધારા બાદ સિરામિક ઉદ્યોગોનેગેસ રૂ. 35.10 પ્રતિ ક્યુબીક મિટરે મળશે. હાલ ઉદ્યોગોનો દૈનિક વપરાશ 75 લાખ ક્યુબીક મીટર ગેસનો છે. એક ક્યુબીક મીટરે રૂ. 5.30 વધારે ચૂકવવાના હોવાથી ઉદ્યોગોને દૈનિક રૂ.3,97,50,000નો ફટકો પડવાનો છે.


ગમે ત્યારે ભાવ વધારવા ઘટાડવા હોય તો ત્રણ મહિનાના એગ્રીમેન્ટનો શુ અર્થ?

ગુજરાત ગેસે ઓચિંતા જાહેર કરેલા ભાવ વધારાને પગલે ઉદ્યોગપતિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગપતિઓ એવું જણાવી રહ્યા છે કે ગેસ કંપની ત્રણ મહિનાનો એગ્રીમેન્ટ કરે છે. આમ છતાં કંપની ગમે ત્યારે ભાવ વધારો જાહેર કરી દયે છે. માટે એવી પણ શંકા છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ગેસ કંપની ત્રણ મહિનાનો ગેસ ખરીદતી જ નહીં હોય. જો ખરીદતી હોય તો ત્રણ મહિના સુધીનો એગ્રીમેન્ટ હોવાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ભલે ભાવ વધે પણ ગેસ કંપની જુના ભાવે ગેસ આપી જ શકે.

- text


વોલટાઇલ્સના 30 ટકા ઉદ્યોગો ઉત્પાદન બંધ કરી દયે તેવી દહેશત

ગેસ કંપનીના કમ્મરતોડ ભાવ વધારાથી વોલ ટાઇલ્સ ઉદ્યોગની હાલત સૌથી વધુ ખરાબ થવાની છે. એકતો આ ઉદ્યોગ અગાઉથી જ મંદીમાં સપડાયો હોય તેમાં પણ ગેસના ભાવમાં અચાનક વધારો આવતા હવે અંદાજે 30 ટકા જેટલા ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરી દેવું પડે તેવી નોબત આવી છે. જ્યાં સુધી વેપારીઓ ટાઇલ્સના નવા ભાવનો સ્વીકાર નહિ કરે ત્યાં સુધી તેઓએ ઉત્પાદન બંધ જ રાખવું પડશે તેવું ઉદ્યોગપતિઓ જણાવી રહ્યા છે.


બજેટ પહેલા જ ઉદ્યોગકારોને મળી મોટી નિરાશા

આગામી તા.1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ જાહેર થનાર છે. જેમાં સિરામિક ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત થાય અને અનેક મુશ્કેલીથી પીડાતા સિરામિક ઉદ્યોગને રાહત મળે તેવી ઉદ્યોગકારો આશા સેવી રહ્યા હતા. પણ આ બજેટ પહેલા જ ઉદ્યોગકારો નિરાશામાં સરી પડ્યા છે.


અગાઉ જે ઓર્ડર લીધા છે એનું હવે શું કરવું ? : નિલેશભાઈ જેતપરિયા

સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ‘મોરબી અપડેટ’ને જણાવ્યું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસના ભાવના વધઘટ થયા કરે છે. પણ ગુજરાત ગેસે ત્રણ મહિને ભાવ વધારો કરવો જોઈએ અને ભાવ વધારા અંગે એક મહિના અગાઉ જાણ કરવી જોઈએ. જેથી ઉદ્યોગો નવા ઓર્ડર લ્યે તે નવી કોસ્ટને ધ્યાનમાં રાખીને લઈ શકે. અંતમાં તેઓએ અણિયારો સવાલ કર્યો હતો કે ગુજરાત ગેસે તાત્કાલિક ભાવ વધારો જાહેર કર્યો છે તો જે ઉદ્યોગોએ જુની કોસ્ટને ધ્યાને રાખીને ઓર્ડર લીધા છે તેનું શું થશે?


આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ બમણા, ભાવ વધારવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો : ગેસ કંપની

ગુજરાત ગેસ કંપનીના પ્રવક્તાએ ‘મોરબી અપડેટ’ને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં એલએનજીમાં છેલ્લા 2 મહિનાથી ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. અંદાજે ભાવ બમણો થઈ ગયો છે. જેથી હવે ભાવ વધારવા સિવાય કોઈ રસ્તો નથી. બજારમાં ગેસની અછત પણ સર્જાઈ છે. જેથી ભાવમાં અસ્થિરતા છે. પણ ઉદ્યોગોને સતત ગેસનો પૂરતો પુરવઠો મળી રહે તેવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ગેસ કંપની ઉદ્યોગકારોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે સતત પ્રયત્નશીલ છે.

- text