પંચાયત વિભાગ હેઠળના આરોગ્ય કર્મીઓની હડતાલ અંતે પાછી ખેંચાઈ

- text


 

તમામ કર્મીઓ આવતીકાલથી ફરજ પર કાર્યરત થઈ કોરોનાની વેકસીન આપવાની કામગીરીમાં જોડાઇ જશે

મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં પંચાયત વિભાગના આરોગ્ય હસ્તકના કર્મીઓએ તેમની અચોક્કસ મુદ્દતની હડતાલ બિનશરતી પાછી ખેંચી છે. અને તેઓ આવતીકાલથી ફરજ પર હાજર થઇ જશે અને કોરોનાની વેકસીન આપવાની કામગીરીમાં જોડાઈ જશે. તેવી જાહેરાત તેમના પ્રતિનિધિઓએ કરી છે.

આજે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ હડતાલ પાછી ખેંચવાનો તેઓએ નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, અગાઉ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ આરોગ્ય અગ્ર સચિવ અને કમિશનર સાથે બેઠક બાદ પણ હડતાલ ચાલુ રાખી હતી. ત્યારે કર્મચારી સંઘના આગેવાનો દ્વારા આજે બેઠક યોજવા સમય માંગ્યો હતો. જેને ધ્યાને લઈને આજે આ બેઠક યોજાઇ હતી.

- text

તેમના ઘણા વર્ષો જુના પ્રશ્નોના નિરાકરણ કરવા તેઓએ વિનંતી કરી હતી તેના અનુસંધાનમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા પ્રથમ બિનશરતી હડતાલ પાછી ખેંચવાનું જણાવતાં કર્મચારી મંડળના હોદ્દેદારોએ નાયબ મુખ્યમંત્રીની લાગણી ધ્યાને લઇ બિન-શરતી હડતાલ પાછી ખેંચી કોરોનાની વેકસીન આપવાની તથા અન્ય કામગીરીમાં જોડાઇ જવાની જાહેરાત કરી હતી અને નાયબ મુખ્યમંત્રીએ કર્મચારી મંડળનો આભાર માન્યો હતો.

- text