મોરબી પાલિકામાં કોંગ્રેસે મંજૂર કરેલ રોડ-રસ્તાના કામોનો જશ ભાજપ લેવાનું બંધ કરે : કોંગ્રેસ

- text


ભાજપના શાસકોએ લાજ-શરમ નેવે મુકી છે, ખોટા જશ ખાટે છે, પ્રજા બધુ જાણે-સમજે છે : રામજીભાઈ રબારી

મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા મુંજૂર કરવામાં આવેલ રોડ-રસ્તાના કામોના ખાતમુર્હુત કે ઉદ્ઘાટન કરી કોંગ્રેસનો જશ ભાજપ ખાટી જતા હોવાનો આક્ષેપ મોરબી શહેર કોન્ગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઈ રબારીએ કર્યો છે.

રામજીભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું છે કે તાજેતરમાં મોરબી નગરપાલીકા વિસ્તારમાં અનેક રોડ-રસ્તાઓના વિવિધ કામોના ઉદ્ધાટનો, ખાતમુહૂર્તના સમારંભો યોજાઇ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આ સુચિત રોડ રસ્તા લાઇટ-પાણી, ભૂગર્ભ ગટરના કામોનો બજેટ વખતે આ ભાજપના કાઉન્સીલરોએ વિરોધ કરી બજેટ નામંજુર કરાવેલ હતું. તેમજ ફરી વખત જનરલ બોર્ડમાં આ તમામ કામો કોંગ્રેસી કાઉન્સીલરોએ બહુમતીએ મંજુર કરાવેલ હતું. જયારે ભાજપી કાઉન્સીલરોએ આ સૂચવેલ કામોનો સરાજાહેર બજેટમાં વિરોધ નોંધાવી રદ કરાવવાની માંગણી કરી અંતે વોક આઉટ કરેલ હતું. તે જ કામોને ભાજપ પોતાના નામે ચડાવે છે. પ્રજલક્ષી કામોમાં ભાજપે યેનકેન પ્રકારે અવરોધ ઉભા કરી રોડા નાખી બજેટ નામંજુર કરાવવા તમામ પ્રકારના રાજકીય કાવાદાવા શામ-દામ-દંડની અનીતિ અપનાવેલ હતી. તેનાથી મોરબીની શાણી પ્રજા સુપેરે માહિતગાર છે.

- text

હવે જયારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વહીવટદારના શાસનમાં સત્તાના ભાગ બટાઇના જોરે આ સુધરાઇ સભ્યો કોંગ્રેસની બોડીએ મંજુર કરાવેલ રોડ-રસ્તાના કામો, ગ્રાન્ટો કે જે કોંગ્રેસના શાસનમાં મંજુર કરાવેલ તે જ કામોને ભાજપ એ વિરોધ કરેલ હવે ઉદ્ધાટનો થકી ભાજપ શાસકોને થુકેલું ચાટતા લગ્ને-લગ્ને કુંવારા ખાતમુર્હૂતીયા નેતાઓ પ્રજાને ગુમરાહ કરી, હથેળીમાં ચાંદ બતાવી, આસમાનના તારા તોડી લાવવાના ડંફાસ ભરેલા ‘જુમલા’ બાજીના વચનોથી લોકોને મુર્ખ બનાવવાના પ્રયાસો વખોડવાપાત્ર નિંદનીય છે.

વિશેષ, હાલના વહીવટદાર ભાજપ કાર્યાલયના વહીવટદાર નથી એ પણ તેમણે સમજવું જોઇએ. પરિવર્તન સંસારનો નિયમ છે. આ શાસન કાયમી નથી સત્તા તો બદલાતી રહે છે. ખરેખર શહેરીજનોને ગુમરાહ કરવાનો, લોકોને ભ્રમિત મુર્ખ બનાવનારા, આંખે પાટા બાંધનારા આ ખાતમુહૂર્તો છે. તેમાં ભ્રષ્ટાચારની બદબૂ આવી રહી છે, જેનો તાજો દાખલો વાવડી રોડના કામનો છે. તેવું ચોરે-ચૌટે-અત્ર-તંત્ર-સર્વત્ર લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. તેમ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઇ રબારી અને મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુમીતાબેન લોરીયા યાદીમાં જણાવે છે.

- text