મકરસંક્રાંતિની મોજ માણવાની સાથે આટલી બાબતોનું ધ્યાન રાખીએ

- text


મકરસંક્રાતિ પર્વને હર્ષોલ્લાસ સાથે મનાવવા શું કરીયે શું ન કરીએ

મોરબી: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉત્તરાયણ પર્વની પતંગ ઉડાડીને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક રીતે પણ મહાત્મ્ય ધરાવતી ઉત્તરાયણનો તહેવાર નિર્વિઘ્ને ઉજવવા માટે કેટલીક બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો સૌ માટે આ તહેવાર આનંદદાયક બની શકે છે.

છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાયણ તેમજ અન્ય તહેવારો વખતે ચાઈનીઝ તુક્કલ – ચાઈનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાવવામાં આવે છે. તુક્કલમાં હલ્કી ગુણવત્તાના સળગી જાય તેવા મીણીયાં પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે આગ લાગવાના કારણે જાનમાલ અને સંપત્તિને ઘણુ જ નુકસાન થાય છે. તો ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન ના ઉડાડીએ.

ઉત્તરાયણ પર્વમાં આટલું કરીએ:

1) પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો
2 ) પશુઓ તેમજ વાહનોથી સાવચેત રહો
3) પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો
4) માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહો
5) ધાબાની આગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો
6) પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે
7) ત્રણ ‘સ’ યાદ રાખો.. સમજદારી, સદ્દભાવ અને સાવચેતી
8) સવારે ૬થી ૮ અને સાંજે ૫થી ૭ના સમય દરમ્યાન પક્ષીઓ આકાશમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળો. પક્ષીઓનું જીવન બચાવીએ

- text

ઉત્તરાયણ પર્વમાં આટલું ન કરીએ

1) સીન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ અને વાહનચાલકો ગંભીર રીતે ઘાયલ થાય છે. લોકોને તેના ઘાની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે
2) વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો
3) લૂઝ કપડાં ન પહેરવાં, માથે ટોપી પહેરવી
4) મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહિ
5) ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો, પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિ
6) થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવો.

ઉપરોકત સાવચેતી સાથે સમજદારીથી પતંગ ચગાવવાનો આગ્રહ રાખીએ અને રખાવીએ તો મકરસંક્રાંતિનો તહેવાર બેશક હર્ષોલ્લાસભર્યો બની રહેશે.

- text