મોરબીના રોડ-રસ્તાઓ માટે પાલિકાએ 5 વર્ષમાં 59.96 કરોડ ખર્ચ્યા છતાં ‘જેસે થે’ની સ્થિતિ

- text


ધૂળિયા-ખાડાખબડા વાળા રોડ પર ચાલવા લોકો મજબૂર : વોર્ડ વિસ્તારોમાં રોડના કામ થયાના ગણતરીના મહિનાઓમાં મોટા ભાગના રોડ ફરી તૂટી ગયાની ફરિયાદો

મોરબી : મોરબી નગરપાલિકાની વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકામાં ગણતરી થાય છે. અને પાલિકામાં નોંધાયેલ મિલકતોમાંથી થતી આવક પણ કરોડોમાં થાય છે. પણ આ ટેક્સની આવકમાંથી પ્રજાને જે સુવિધાઓ પુરી પાડવી જોઇએ, તેમાં સત્તાધીશો ક્યારેય પુરી કરી શક્યા નથી. એ ગ્રેડની પાલિકામાં પાલિકા દ્વારા રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ, સફાઈ, ભુગર્ભ ગટર સહિતની તમામ બાબતોમાં પ્રજાને માત્ર ઠાલા વચનો જ મળ્યા છે.

મોરબી પાલિકામાં 5 વર્ષ દરમિયાન વિવિધ વોર્ડ વિસ્તારની શેરી ગલીઓ તેમજ પાલિકા હસ્તકના 13 વોર્ડના 40 જેટલા વિસ્તારમાં નવા રોડ તેમજ 17થી વધુ વિસ્તારના મુખ્ય બજારના રોડના રીસરફેસીંગ કામગીરી માટે તેમજ ભારે વરસાદના કારણે ધોવાયેલ માર્ગોના ડામર પેચ વર્ક સહિતના કામ માટે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજિત રૂ. 59.96 કરોડ વાપર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાંથી મોટા ભાગના રોડ સીસીરોડ બનાવવા આવ્યા છે.

- text

5 વર્ષમાં પાલિકા દ્વારા આટલી રકમ ખર્ચવા છતાં શહેરના અનેક રોડ પર મસમોટા ખાડા પડી ચુક્યા છે. તો ક્યાંક સમગ્ર રોડ તૂટી જતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. ચૂંટણી વખતે ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને શહેરને ફરીવાર સૌરાષ્ટ્રનું પેરિસ બનાવી દેવાની મસમોટા વચનો અપાયા બાદમાં 5 વર્ષ દરમિયાન બન્ને પક્ષે શાસન પણ ભોગવ્યું પણ વિકાસ કામ કરવામાં મોટા ભાગે ઓરમાયું વર્તન કરાયું છે. જેના કારણે આજે શહેરની મુખ્ય બજારના રોડ રસ્તા હોય કે સોસાયટી વિસ્તારની શેરી-ગલીઓમાં બનાવમાં આવેલ સી.સી. રોડ હોય તમામ રોડ સાવ બિસમાર થઈ ચુક્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.

મુદત પૂર્ણ થવા સમયે વધુ રૂ. 9.29 કરોડના કામ મંજુર કર્યા

મોરબી નગરપાલિકા દ્વારા ચૂંટણી નજીક આવતા ચૂંટણીઓને ધ્યાને લઇ લોકોને વિકાસ કામ કરવામાં આવતું હોવાનું દેખાડવા જિલ્લામાં વધુ રૂ. 9.29 કરોડના નવા રોડ અને રીસર્ફેસીંગ કામ પાસ કરવામાં આવ્યા હતા અને મોટા ભાગના કામ આચારસંહિતાને પગલે અટકી ન પડે તે માટે હાલ તાબડતોબ કરવામાં આવી રહ્યા છે.

બગીચાઓ, સાઇકલ ટ્રેક સહિતના કામ મંજુરી આપી હથેળીમાં ચાંદ બતાવ્યા

મોરબી નગરપાલિકાએ પાંચ વર્ષના સમય ગાળામાં અમૃત સિટી અંતર્ગત માત્ર ત્રણ બગીચાઓના કામ જ પૂર્ણ થયા હતા. જો કે પાલિકાની બોડીએ મુદત પૂર્ણ થવાની અણીએ પીકનીક સેન્ટર, બગીચાઓ, સાઇકલ ટ્રેક, સ્ટ્રોમ વોટર નેટવર્ક સહિતના કામને પણ તાબડતોબ મંજૂરી આપી હતી.

- text