મોરબીમાં ઉત્તરાયણ ફીવર : કાલે આભની અટારીએ જામશે પતંગ યુદ્ધ

- text


કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ ઉજવાશે પતંગોત્સવ : આબાલવૃદ્ધ સહિત સૌ કોઈએ છેલ્લી ઘડી સુધી તૈયારીઓ કરીને પેચ લડાવવા ભારે રોમાંચિત : મકરસંક્રાંતિએ દાન પુણ્યની સરવાણી વહેશે

મોરબી : મોરબીમાં ઉતરાયણ ફીવર છવાઈ ગયો છે. આવતીકાલે સવારથી દરેક અગાશીઓ પરથી આભની અટારીએ પતંગ યુદ્ધ જામશે. જો કે આ વખતે દરેક તહેવારોની જેમ કાઈટ ફેસ્ટિવલને પણ કોરોનાનું વિઘ્ન નડયું છે. આથી, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ પતંગોત્સવની ઉજવણી કરવી પડશે. તેમ છતાં પણ અબાલવૃદ્ધ સહિત સૌ કોઈ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ પતંગોત્સવની ઉજવણી કરવા ઉત્સાહિત થયા છે. આબાલવૃદ્ધ સહિત સૌ કોઈએ છેલ્લી ઘડી સુધી તૈયારીઓ કરીને પેચ લડાવવા ભારે રોમાંચિત છે.

મોરબીમાં મકરસંક્રાંતિની ઉજવણીમાં કોરોનાનું ગ્રહણ નડયું છે અને પતંગ ચગાવવા માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. દરેક અગાશીએ માત્ર પરિવારના લોકો જ પતંગ ચગાવી શકશે. અને મ્યુઝિકની ધામલ મસ્તી ઉપર પણ પાબંધી લાદવામાં આવી છે. આમ છતાં પણ મોરબીવાસીઓ આ તહેવારની સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઉજવણી કરવા ઉત્સાહિત જોવા મળે છે અને આવતીકાલે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ પતંગોત્સવની ઉજવણી કરાશે.

જ્યારે કોરોનાને કારણે આ વખતે પતંગ-દોરાનું ઓછું ઉત્પાદન થતા ભાવો વધ્યા છે. પતંગ બજારો અત્યાર સુધી શુષ્ક હતી. તેમાં હવે નવો પ્રાણ ફૂંકાયો છે. મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પતંગ-દોરીની ધૂમ ખરીદી થશે અને લોકો છેલ્લી ઘડી સુધી પતંગ, દોરીની ખરીદી કરવા ઉત્સાહિત છે. પતંગ બજારોમાં આજે પતંગ અને દોરીની ખરીદી જામી છે. ત્યારે આવતીકાલે દરેક અગાશીઓ ઉપરથી પતંગોના પેચ લડાશે અને આકાશ રંગબેરંગી પતંગોની ભરમારથી છવાઈ જશે. પતંગના દોરાથી પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો તેમને તાત્કાલીક સારવાર માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. મકરસંક્રાંતિએ દાન-પુણ્યનો મહિમા હોવાથી દરેક લોકો દાનની સરવાણી વહાવશે. જ્યારે વધુ ઘાસચારો કે અનાજ ખાવાથી ગાયને આફરો ચડી જતો હોવાથી અબોલ પશુઓને ઓછો આહાર ખવડાવવાની અપીલ કરવામાં આવી છે.

- text

- text