મોરબીમાં કોરોના વેકસીનનું આગમન : અધિકારીઓ, પદાધિકારીઓએ વેકસીન વેનનું સ્વાગત કર્યું

કોરોના વેકસીનના ડોઝને જિલ્લા પંચાયતના સ્ટોરેજમાં રખાયા, 16 મીએ જિલ્લામાં ત્રણ સ્થળે રસીકરણ હાથ ધરાશે

મોરબી : વડાપ્રધાન મોદી દ્વારા 16 મીએથી દેશભરમાં કોરોના વેકિસનેશનની શરૂઆત કરવાની જાહેરાત કર્યા બાદ આજે કોરોના ડોઝ ફાળવવામાં આવતા ઘણા સમયથી આતુરતાપૂર્વક જોવાતી રાહનો અંત આવ્યો છે. મોરબી જિલ્લાને પ્રથમ તબક્કે 5 હજાર કોરોના વેકસીનના ડોઝ ફાળવવામાં આવ્યા છે.આ 5 હજાર કોરોના વેકસીન ‘કોવીસીલ્ડ’ના ડોઝ સાથેની વાન આજે મોરબી આવી પહોંચી હતી.જેનું ઉમળકભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં આગામી 16 જન્યુઆરીએ પ્રારંભ થનાર કોરોના વેકસીન માટે આજે ફાળયેલા 5 હજાર કોરોના વેકસીનના ડોઝ સાથેની વાનનું આગમન થયું હતું. આથી સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે કોરોના વેકસીનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં કોરોના વેકસીન ‘કોવીસીલ્ડ’ સાથેની વાનને કુમકુમ તિલક કરીને વધામણાં કરવામાં આવ્યા હતા.જેમાં સાંસદની સાથે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાજપ અગ્રણી જ્યૂભા જાડેજા સહિતના રાજકોય મહાનુભાવો તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા, ડો. વારેવડીયા, ડો.કરોલીયા,ડો.બાવરવા સહિતના આરોગ્ય અધિકારીઓનો કાફલો ઉપસ્થિત રહીને કોરોના વેકસીનના વધામણાં કર્યા હતા.આ વેકસીનના જથ્થાને જિલ્લા પંચાયતના વેકસીન સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.આ 5 હજાર વેકસીનના ડોઝનું 16 મીએ રસીકરણ કરવામાં આવશે.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રયાસોથી કોરોના સામે રક્ષણ મેળવવા કોરોના રસી હવે પ્રાપ્ત થઈ ગઈ છે.જેમાં કોવીસીલ્ડ વેકસીનનો જથ્થો હાલ ઉપલબ્ધ થયો છે. પ્રારંભીક તબક્કે આરોગ્ય સાથે સંકળાયેલા તમામ હેલ્થ કર્મીઓને કોરોનો વેકસીન ‘કોવીસીલ્ડ’ આપવામાં આવશે. પ્રથમ તબક્કે 4298 લોકોને રસી આપવાનો ટાર્ગેટ હતો એની સાથે 5340 જેટલી રસીનો જથ્થો આવી ગયો છે. એટલે પ્રથમ તબક્કા માટે રસીનો પૂરતો સ્ટોક છે. 16 મીએ દેશભરમાં વડાપ્રધાનના હસ્તે વેકસીનનું લોન્ચિંગ થશે ત્યારે સરકાર દ્વારા નક્કી કરાયેલા ત્રણ સ્થળ મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં, વાંકાનેરની સબ ડ્રિસ્કિટ હોસ્પિટલમાં અને હળવદના સાપકડા ગામે આવેલ પીએચસી સેન્ટર-100-100 ને રસીકરણ કરાશે. બાદમાં રૂટિન મુજબ લોકોને રસીકરણ કરવામાં આવશે. રસીકરણ કરવા માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ છે.