મોરબી: શાકમાર્કેટ પાછળ ઉભરાતી ગટરોને કારણે વેપારીઓ માટે હવે રોજી-રોટીનો ઉભો થતો સવાલ

- text


વર્ષોથી ઉભરાતી ગટરોના પાણીથી ત્રસ્ત વેપારીઓની રોજી-રોટી છીનવાઈ: 8 દિવસમાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે ચીફ ઓફિસરનું આશ્વાસન

મોરબી: શહેરના હાર્દસમા વિસ્તાર એવા શાકમાર્કેટની પાછળના ભાગે ઉભરાતી ગટરોના ત્રાસથી સ્થાનિક વેપારીઓ માટે હવે જીવન મરણનો પ્રશ્ન થઈ ગયો છે, કેમકે આ અસહ્ય સમસ્યાથી વેપારીઓનો ધંધો સાવ ઠપ્પ થઈ ગયો હોય રોજી રોટીની સમસ્યા સર્જાઈ છે.

મોરબી શાકમાર્કેટની પાછળ લોહાણાપરા શેરી નંબર 2થી 3ની વચ્ચે આવેલી શેરીમાં વર્ષોથી ઉભરાતી ગટરોના પાણીએ હવે માઝા મૂકી છે. ઉક્ત સ્થળના વેપારીઓની વારંવારની રજુઆત, આવેદનોની કોઈ અસર થતી ન હોય વેપારીવર્ગમાં હાલ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાને કરેલી રજુઆત બાદ તેમના તરફથી મળેલા આશ્વાસનને કારણે જાગેલી આશા પણ ઠગારી નીવડી હોવાનું સ્થાનિક વેપારી જીગ્નેશ માનસેતા, સંજય જોબનપુત્રા સમીત સંઘવી સહિતનાઓએ મોરબી અપડેટને જણાવ્યું હતું.

અમુક સ્થાનિક વેપારી, ધંધાર્થીઓ દ્વારા ઉક્ત સ્થળે જાહેરમાં આડેધડ કચરો ફેંકવામાં આવતો હોવાથી તેની સજા વિસ્તારના સમગ્ર વેપારી આલમે ભોગવવી પડે છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર તંત્રની જ નહીં પણ સૌ નગરવાસીઓની પણ છે એ સત્ય લોકોએ સમજવું જરૂરી છે.

- text

પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાથે મોરબી અપડેટની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, નહેરુગેટથી લખધીરવાસ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમનું કાર્ય આઠેક દિવસમાં શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ આ વિસ્તારની ગટર ઉભરાવવાની સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે. જો કે, સ્થાનિકોના જણાવ્યાનુસાર આવા ઠાલા આશ્વાસનો તો ઘણા સમયથી મળે છે પણ કાર્યવાહી થતી ન હોવાથી હાલ ઉત્તરાયણના તહેવારો નિમિત્તે શહેરની અન્ય બજારોમાં રોનક દેખાઈ રહી છે ત્યારે આ વિસ્તારમાં ગટરની સમસ્યાથી ગ્રાહકો નથી આવી રહ્યાનો વેપારીઓ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે.

- text