જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓએ મોરબી તાલુકાનો ચૂંટણીલક્ષી પ્રવાસ ખેડ્યો

મોરબી : આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચુંટણીને અનુલક્ષીને મોરબી જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓએ 8 જિલ્લા પંચાયતની સીટોના વિસ્તારમાં ચૂંટણી પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસમાં મોરબી જિલ્લાના અગ્રણી નેતાઓ જોડાયા હતા.

આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી પ્રવાસ યોજીને પ્રચાર અને પ્રસાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પેજ સમિતિ બનાવવાનું અભિયાન હાલ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે મોરબી તાલુકાની આઠ જિલ્લા પંચાયતની સીટો આમરણ, બગથળા, ઘુંટુ, જેતપર, મહેન્દ્રનગર, રવાપર, શકત શનાળા અને ત્રાજપર સીટ પર જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈની આગેવાનીમાં પ્રવાસનું આયોજન થયું હતું.

આ પ્રવાસમાં જિલ્લા સંગઠનના પ્રભારી મેઘજીભાઈ કંજારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજા, રણછોડભાઈ દલવાડી, જેસંગભાઈ હુંબલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કે. એસ. અમૃતિયા, ગોરધનભાઈ સરવૈયા, હંસાબેન પારેધી, જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા, ભાવિનીબેન ડાભી, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, મોરબી તાલુકા ભાજપ મંડલના ચૂંટણી ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઈ ગરચર તથા યુવા ભાજપના કાર્યકર્તાઓ નિતેશભાઇ, અશોકભાઈ, રાકેશભાઈ કાવર સહિતના નેતાઓ પ્રવાસમાં જોડાયા હતા.

ઉપરોક્ત ગામના સમગ્ર પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા તમામ જ્ઞાતિ અને સમાજના મતદારોને પેજ સમિતિમાં સમાવેશ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ‘હર પેજ પર ભાજપા’ના મંત્રને સાકાર કરવા માટે કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બુથ સમિતિ તથા આગેવાનોની સર્વ સંમતિથી ઉમેદવારનું નામ આપવા અને જે તે ઉમેદવારને જંગી લીડથી જીતાડવા માટે પણ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું છે.