મોરબી જિલ્લામાં પાંચ સ્થળે કોરોના વેક્સિનેશન અંગે ડ્રાય રન યોજાઈ

- text


25-25 વ્યક્તિઓને વેક્સિન આપવાના ટેસ્ટિંગમાં નામોની અદલાબદલી થવાથી ગૂંચવાડો ઉભો થયો

મોરબી : મોરબી જિલ્લામાં સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા કોરોના વેકસીન માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે હવે અંતિમ પડાવરૂપી કામગીરીમાં કોરોના વેકસીનના ટેસ્ટિંગ માટે હવે ડ્રાય રનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે જિલ્લાના પાંચ સ્થળોએ કોરોના વેક્સિન માટે ડ્રાય રન યોજાઈ હતી. જેમાં 25-25 વ્યક્તિને વેક્સિન આપવાના ટેસ્ટિંગ નામોની અદલાબદલી થવાથી ગૂંચવાડો ઉભો થયો હતો.

મોરબી જિલ્લામાં પાંચ સ્થળે કોરોના વેકસીનેશન માટે મોકડ્રિલ જેવી ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં, ટંકારમાં હડમતીયા, હળવદ શહેરમાં અને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં એમ આ પાંચ સ્થળે જિલ્લા કલેકટર, ડીડીઓ સહિતના નિરીક્ષણ હેઠળ ડ્રાય રન યોજાઈ હતી.

આ ડ્રાય રન દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલમાં જે લોકોને અગાઉ ટેસ્ટિંગ માટે નામોની નોંધણી કરી હતી એ લોકોનું એક લિસ્ટ બનાવ્યું હતું. આ લિસ્ટમાં 25 વ્યક્તિઓના નામો હોય છે. આ 25 લોકોને ચાર કલાકમાં વેકસીનેશન કરવાનું હતું. પણ આ 25માંથી અડધા નામો ક્રિષ્ના હોસ્પિટલમાં વેકસીન આપવાની હોય ત્યાં જતા રહ્યા હતા. અને ક્રિષ્ના હોસ્પિટલના અડધા લોકો સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. આથી, સિવિલ હોસ્પિટલમાં ચારથી પાંચ વ્યક્તિને અત્યાર સુધીમાં વેકસીન અપાઈ છે. બાકીના ક્રિષ્ના હોસ્પિટલમાં ગયા હતા. આવી અદલાબદલી થતા થોડી અવ્યવસ્થા સર્જાઈ હતી.

આ ઉપરાંત, જેના નામનું વેકસીનેશન થયું હોય એનું પહેલા મોબાઈલમાં ઓટીપી આવે. પણ શરૂઆતમાં પહેલો વ્યક્તિ હતો, તેને જ બધા ઓટીપી આવતા હતા. એટલે બીજા વ્યક્તિઓને ઓટીપી આવવા જોઈએ. એના બદલે પથમ વ્યક્તિને ઓટીપી આવતા ખામી સર્જાઈ હતી. તેમજ વેકસીનેશન માટે આધાર.કાર્ડ સિવાયના ડોક્યુમેન્ટ આપવાના હોય છે. આ આખી ઓનલાઈન સિસ્ટમ હોય, એમાં પણ ખામી જોવા મળી હતી. મોરબી સિવિલ હોસ્પિટલમાં પાંત અધિકારી દ્વારા નિરીક્ષણ કરાયું હતું. અને મુશ્કેલીઓ અને ખામીઓને દૂર કરવા આ ડ્રાય રનનું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ આર.એમ.ઓ. ડો. સરડવાએ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડ્રાય રનમાં 25 વ્યક્તિઓએ નામ નોંધણી કરાવી હોય એનું રજિસ્ટ્રેશન થાય છે. પછી એ વ્યક્તિને સેનીટાઇઝ કરવામાં આવે છે અને વેઈટીંગ રૂમમાંથી એક બાદ એક એમ વેકસીનેશન માટે લઈ જવામાં આવે છે અને વેકસીનેશનની સમગ્ર પ્રક્રિયાની જાણકારી પણ આપવામાં આવે છે. વેકસીન ઉપરાંત અન્ય દવાઓ પણ સાથે રાખવામાં આવે છે. વેકસીનેશન બાદ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવે છે. તે દરમિયાન કંઈપણ થાય તો તાકીદે સારવારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ ઘરે જઈને પણ કઈ આડઅસર થાય તો તેમને નંબર આપવામાં આવે છે.

- text

- text