સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ જાન્યુઆરીમાં મોરબી આવશે, પાલિકાએ ક્રમાંક સુધારવા કમર કસી

- text


હોર્ડિંગ, સફાઈ ઝુંબેશ, કચરો ફેંકનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી સહિતની તૈયારીઓ પુરજોશમાં

મોરબી : મોરબી શહેરમાં દિવાળી પર્વ દરમિયાન પાલિકા દ્વારા ચલાવવામાં આવેલ સ્વચ્છતા અભિયાનને લોકોનો સારો આવકાર મળ્યો હતો. અને શહેરમાં તહેવારના દિવસોમાં તેની અસર પણ જોવા મળી હતી. હવે મોરબી નગરપાલિકાએ આગામી વર્ષ માટે યોજાનાર સ્વચ્છતા સર્વેક્ષણને લઈ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ માટે પાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, સેનેટરી ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાહેજા તેમજ વિવિઘ વોર્ડના સુપર વાઇઝર અને 415 સફાઈ કર્મીઓ સહીતની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ખાસ કરીને મુખ્ય માર્ગો તેમજ ચોક વિસ્તાર, જાહેર સ્થળો પર પાલિકાના 415 કાયમી અને કોન્ટ્રકટ બેઝ સફાઇ કર્મીઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. આ સિવાય વોર્ડ વિસ્તારમાં પણ ડોર ટુ ડોર કચરો એકઠો કરતા વાહનોની સંખ્યા 19થી વધારી 23 કરવામાં આવી છે. જેથી, છેવાડાના વિસ્તારમાં પણ વાહનો મોકલવામા આવી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા હવે જાહેર માર્ગો અને ચોક વિસ્તારમાં સફાઈ થયેલા વિસ્તારમાં કચરો ફેકનાર તત્વો વિરુદ્ધ કડક અભિયાન હાથ ધરવામાં આવશે અને જાહેરમાં કચરો ફેકનાર વેપારીઓ, ફેરિયાઓ, દુકાનદારો તેમજ અન્ય મિલ્કતધારો દ્વારા ડોર ટુ ડોર વાહનમાં કચરો આપવાને બદલે માર્ગ પર કચરો ફેંકી જનારા લોકોને પણ કડક સૂચના આપી આવા લોકોને જાહેરમાં ન ફેંકવા અપીલ કરી છે.

આ ઉપરાંત, અન્ય એક ટીમ પણ બનાવવામાં આવી રહી છે, જે આવા તત્વોને આકરો દંડ ફટકારશે. પાલિકા દ્વારા લોકોને ઘરમાં ભીનો કચરો, સૂકો કચરો તેમજ જોખમી કચરો એમ અલગ-અલગ ડસ્ટબીન રાખવા અપીલ કરવામાં આવી છે. જેના કારણે ડસ્ટબીન ઝડપથી ખરાબ ન થાય તેમજ જ્યારે ડોર ટુ ડોર વાહનો આવે ત્યારે કચરો અલગ રહે. જેનાથી ડંપિંગ સાઇટ પર જ્યારે કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવે ત્યારે તેનો યોગ્ય નિકાલ થઈ શકે. સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ આગામી જાન્યુઆરી મહિનામાં સર્વે માટે શહેરમા આવી શકે છે. આ સમયે પાલિકા દ્વારા આગામી સર્વેક્ષણમાં અગાઉના રેન્ક કરતા વધુ સારું પ્રદર્શન કરી શહેરનું રેન્કિંગ સુધારો આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

- text

 

લોકોમાં જાગૃતિ માટે હોર્ડિંગ અને જાહેર માર્ગો પરની દીવાલ પર ભીંત ચિત્ર કરાવ્યા

આગામી સ્વચ્છતા સર્વેક્ષણ લઈને લોકો પોતાના ઘરની આસપાસ, જાહેરમાર્ગો તેમજ પોતાના કામના સ્થળની આસપાસ સફાઈ રાખે, જાહેરમાં કચરો ન ફેંકે તેની લોકજાગૃતિ માટે પાલિકા દ્વારા શહેરના પાલિકા કચેરી ખાતે, રવાપર રોડ, કેનાલ રોડ તેમજ અલગ-અલગ વિસ્તારમાં હોર્ડિંગ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત, મયુર પુલના છેડે, શક્તિ ચોક, શનાળા રોડ સહિતના અલગ-અલગ વિસ્તારમાં ભીંત ચિત્રો થકી જાગૃતિ અભિયાન ચલાવ્યા છે. આ ઉપરાંત, મહિલા સખી મંડળો તેમજ અલગ-અલગ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી વોર્ડ વિસ્તારમાં સ્થાનીકો સાથે બેઠકો યોજીને પણ જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો છે.

ડબલ ઓડીએફ માટે જાહેર શૌચાલયમાં મશીન મુકાયા

મોરબી પાલિકા દ્વારા અલગ જાહેર શૌચાલય જેવા કે નવા બસ સ્ટેશન રોડ, ત્રિકોણ બાગ વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારમાં જાહેર શૌચાલય રીનોવેશન કરી તેના રંગરોગાન કરી દેવાયા છે. આ ઉપરાંત, રેલવે સ્ટેશન રોડ પર ફીડબેક મશીન, હેન્ડ ડ્રાય મશીન, ઓટો સેનિટેશન મશીન મુકવામાં આવ્યા છે.

પાલિકાએ જાહેરમાં કચરો ફેંકનાર વેપારીઓને રૂ. 2800નો દંડ ફટકાર્યો

પાલિકા દ્વારા તાજેતરમાં જાહેરમાં કચરો ફેંકી પોતાના વિસ્તારમાં જ ગંદકી કરતા વેપારીઓને સમજાવી કચરો ન ફેંકવા અપીલ કરાઈ હતી. જોકે આ અપીલ કરવા છતાં કચરો ફેંકવાનું બંધ ન થતા પાલિકાએ વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા અલગ-અલગ વિસ્તારમાંથી 14 વેપારીઓને રૂ. 2800નો દંડ ફટકાર્યો હતો. આગામી દિવસમાં ફરી પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે, તેમ પાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું.

- text