23 ડિસેમ્બર : દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિવસની ખેડૂત દિવસ તરીકે ઉજવણી

- text


તેમનું લક્ષ્ય ભારતના સર્વે ખેડૂતોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું હતું

મોરબી : તા. 23 ડિસેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની યાદમાં તેમના જન્મદિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહની ખેડૂતોના નેતા અને સફળ આગેવાન તરીકે ગણના કરવામાં આવે છે.

ચૌધરી ચરણસિંહ દેશના પાંચમા પ્રધાનમંત્રી હતાં અને તેઓ પોતાના સમગ્ર રાજનીતિક જીવનમાં ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યા હતાં. આથી જ તેમને ખેડૂત નેતા કહેવામાં આવતા હતાં. ચરણસિંહનો જન્મ 1902માં ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝીયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1929માં મેરઠમાં પાછા ફર્યા અને કોંગ્રેસમાં જોડાયા હતા. આઝાદી પૂર્વે ઉતરપ્રદેશમાં છત્રવાલી વિધાનસભા મતવિસ્તારમાંથી ચરણસિંહ ચૌધરી 9 વર્ષો સુધી ધારાસભ્ય હતાં. દેશની આઝાદી પછી 1952,1962 અને 1967 માં યોજાયેલી રાજ વિધાનસભાની ચુંટણીમાંઓમાં તેઓ પુન: ચૂંટાઈ આવ્યા હતાં. ડૉ.સંપૂર્ણાનંદના મુખ્યમંત્રી સમયમમાં તેમને નાણા અને કૃષિ વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ૧૯૬૦માં ચંદ્રભાનુ ગુપ્તાની સરકારમાં તેમને ગૃહ તથા કૃષિ મંત્રાલય આપવામાં આવેલું. તેઓ કોંગ્રેસ અને લોકદળન મુખ્ય અગ્રણી હતા.

૧૯૭૭ની જનરલ ચૂંટણીઓ બાદ કેન્દ્રમાં જનતા પાર્ટીની સત્તામાં આવી ત્યારે જયપ્રકાશ નારાયણના સહયોગથી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા અને ચરણસિંહને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવેલા. ત્યાર બાદ મોરારજી અને ચરણસિંહના મતભેદો એકદમ સામે આવી ગયા અને ત્યારે ચરણસિંહ તા. ૨૮મી જુલાઈ ૧૯૭૯ના રોજ સમાજવાદી પક્ષો અને કોંગ્રેસ(યુ)ના ટેકાથી વડાપ્રધાન પદ મેળવવામાં સફળ થયા હતા. વડાપ્રધાન બન્યા બાદ ખેડૂતો અને આમ જનતા માટે તેમણે ઘણા પગલાં લીધા હતાં. ચરણસિંહ ૨૮મી જુલાઈ ૧૯૭૯ થી ૧૪મી જાન્યુઆરી ૧૯૮૦ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. તેમનું લક્ષ્ય ભારતના સર્વે ખેડૂતોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું હતું. તેમના દિલમાં ખેડૂતો પ્રત્યે ખુબ જ હમદર્દી હતી.

- text

વર્તમાનમાં દેશના ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ

ભારત એ ખેતી પ્રધાન દેશ છે. ભારતના 52% લોકો ખેતી આધારિત જીવે છે, છતાં ભારતમાં દેશની કુલ જીડીપીમાં ખેતી આધારિત વસ્તુઓનો હિસ્સો માત્ર 22% થી 25% નો જ છે. ખેડૂતોની હાલત દીનપ્રતિદીન કથળતી જાય છે એટલું જ નહીં હજારો ખેડૂતો દર વર્ષે આત્મહત્યા કરે છે. ખેડૂતોને પોતાની ઉત્પાદીત વસ્તુઓનો સાચો ભાવ મળતો નથી. ખેતી માટે જરૂરી બિયારણો પણ સાચા અને વ્યાજબી ભાવે મળતા નથી. પરંપરાગત કૃષિથી આગળ વધીને મૂલ્ય વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત થયું તેના કારણે હાઈટેક કૃષિ, ખેત પેદાશો અને ખાદ્ય સંસ્કરણ, ડેરી ઉદ્યોગ તથા ખેત પેદાશને લગતી અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ માટે નવી તકો ઊભી થઈ શકી છે. આવા સંજોગોમાં ખેડૂતોને તેમની ઉપજના વળતરદાયી ભાવ મળી રહે તેની ખાતરી રાખવી જ રહી. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહેશે તો જ તેઓ આધુનિક ટેકનોલોજીને અપનાવવા માટે પ્રોત્સાહિત થશે. જેમ કે બજારમાં બિયારણ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરના ભાવોમાં થતાં કાળા બજારથી ખેડૂતો તેનો ભોગ બને છે. લગભગ ખેડૂતોના ઉત્પાદનના પૂરતા ભાવ ન મળતા અને મોંઘા બિયારણોના કારણે નફો ન હોવાથી હવેની પેઢીએ ખેતી છોડીને નોકરી અથવા વ્યવસાયમાં ઝંપલાવ્યું છે.

હાલના સમયમાં ભારતમાં મોટેભાગે વરસાદ આધારિત ખેતી અને સિંચાઈનો અભાવ હોવાથી ખેડૂત વર્ષ દરમિયાન બે જ પાક લઈ શકે છે. તો અમુક જગ્યાએ સિંચાઈ હોય છે તો વીજળી હોતી નથી જેથી ખેડૂતને પાક લેવામાં મુશ્કેલી બનતી જાય છે. આ સાથે ભારતમાં વધતું જતું ઉદ્યોગિકરણને લીધે વાયુ તેમજ જમીન પ્રદૂષણ વધતું જાય છે જેથી ખેડૂતની જમીન બનજર બનતી જાય છે, ખેડવાલાયક રહેતી નથી અને આખરે ખેડૂતે ખેતી મૂકવી પડે છે. હાલ ભારતમાં ખેડૂત મોંઘાદાટ બિયરણો લઈને તેને વાવે છે અને તે ઉત્પાદિત વસ્તુના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી સમગ્ર દેશમાં એક જ વર્ષમાં અંદાજિત 10,281 ખેડૂતો-ખેતમજૂરો આત્મહત્યા કરવા મજબૂર બન્યા એટલે કે દરરોજ ભારત દેશમાં 116 ખેડૂતો અને ખેતમજૂરો આર્થિક પાયમાલીના કારણે જીવન ટૂંકાવવા મજબૂર બન્યા છે.

 

- text