કોરોના વાયરસના નવા સ્ટ્રેન અંગે ચાલી રહેલી ચર્ચાઓનો નિચોડ.. વૈજ્ઞાનિક સમજૂતી સાથે…

- text


ઈંગ્લેન્ડમાં કોરોના વાઇરસનો નવો અવતાર કે પછી એક રુકા હુઆ ફેંસલા? : ડી.ડી. ન્યૂઝના ડેપ્યુટી ડિરેક્ટર ઉત્સવ પરમારનો લેખ

યુકેમાં કોરોના વાયરસના નવા સ્વરૂપને લઈને ફરી એક વાર ચર્ચાઓ ચારેબાજુ થવા લાગી છે. કોઈ રમતનાં વધુ અધરા સ્ટેજમાં પહોંચી ગયા હોય એવી કાગારોળ મચી છે. ક્યાંક માહિતી સાચી છે પણ અર્થઘટન ખોટું છે. ક્યાંક વાયરસને બહુરૂપી જાદુગરની જેમ રજૂ કરાઇ રહ્યો છે. ચાલો વાયરસની અંદર એવું તો શું થયું છે કે આટલી બૂમો પડી રહી છે.

આટલા સમયગાળામાં લગભગ સૌને વાયરસની પ્રાથમિક રચનાનો ખ્યાલ આવી ગયો છે. તેના પર વિસ્તૃત જાણકારી આપતા લેખો અગાઉ પણ લખ્યા છે. આખા વાયરસની રચનામાં સૌથી બહારની તરફનો ભાગ જે સ્પાઈક પ્રોટીન તરીકે ઓળખાય છે તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. આ સ્પાઈક એટલે તમે કોરોનાનાં ફૂટબોલ જેવા ચિત્રમાં ખીલા જેવા ઊપસેલાં ભાગ જુઓ છો તે જ ભાગ. આ સ્પાઈક પ્રોટીન સમજો કે હૂકનું કામ કરે છે. શરીરનાં કોષોની સપાટી પર જ્યાં ACE 2 પ્રોટીન આવેલા છે , ત્યાં આ પ્રોટીનને ખૂબ ફાવે. તાળાંમાં જેમ ચોક્કસ ડિઝાઇન ધરાવતી ચાવી જ ફિટ થઈ શકે , એમ આ સ્પાઈક ચાવીની જેમ ACE 2 રિસેપ્ટર પર ચપોચપ ગોઠવાઈ જાય છે. એ ગોઠવાય પછી જેમ દૂધની થેલી આપણે કાપી નાખીએ અને દૂધ વાસણમાં પડે એમ વાયરસ શરીરમાં જ રહેલી ફ્યુરીન નામની બાયોલોજિકલ કાતરનો ઉપયોગ કરી પોતાનું સ્પાઇક પ્રોટીન કપાવી લે છે અને પછી અંદરનાં ફૂટબોલ જેવા દડામાં રહેલું જેનેટિક મટિરિયલ શરીરનાં કોષોમાં એન્ટ્રી મારે છે.

શરીરની પ્રોટીન પેદા કરતી ફેક્ટરીમાં ઘૂસીને એના જ મશીનનો ઉપયોગ કરીને ગુપચુપ પોતાના મતલબનાં પ્રોટીન બનાવે છે. સ્વાભાવિક છે વાયરસ સિવાયનાં અન્ય સજીવોમાં પોતાના ખુદનાં પ્રોટીન પેદા કરતી ફેક્ટરીઓ છે પણ વાયરસે પોતાનો વંશવેલો આગળ વધારવા બીજે બધે ઘૂસ મારવી જ પડે. એટલે મિત્રો વત્સઉ એમ સમજો કે એને કશે ઘૂસવા મળે તો એનું ઘર ચાલે. હવે કોરોનાનાં કિસ્સામાં વાયરસ સ્પાઈક પ્રોટીનની મદદથી ઘૂસણખોરી કરે છે. એનાં સ્વરૂપ કે આકારમાં બદલાવ થાય તો એની ઘૂસવાની તાકાત વધુ કે ઓછી થઈ શકે છે. આ કારણોસર દુનિયાભરની વેક્સિન બનાવતી કંપનીઓ અને દવાનાં સંશોધકો માટે સ્પાઈક પ્રોટીન જ ટાર્ગેટ હોય છે.

Source: 1) https://www.sciencedirect.com/science/article/pii/S0092867420311594


હવે યુ.કે નાં સમાચારથી લોકો કેમ થોડા ચિંતિત બન્યા છે? એનું કારણ એ જ કે આ વાયરસનાં સ્પાઈક પ્રોટીનમાં થોડો બદલાવ આવ્યો છે. જેને વિજ્ઞાનની પરિભાષામાં આપણે મ્યુટેશન કહીએ છીએ. હવે મ્યુટેશન એ વાયરસમાં થતી સામાન્ય પ્રક્રિયા છે. વાયરસ પોતાની બેઠ્ઠી કોપી મારવા સક્ષમ નથી. એટલે કોપી મારવામાં ક્યારેક લોચા વાગે.

આ કેવું છે ? તમે કોઈ બીજાની નોટમાંથી હોમવર્ક પોતાની નોટમાં ઉતારી રહ્યા છો. સ્વાભાવિક છે ઝડ્પથી કોપી મારતા કોઈ સ્પેલિંગ કે જોડણી ખોટા પણ લખાય. હવે આમ એકાદ અક્ષર આગળ પાછળ થાય તો સામાન્ય રીતે વાક્યનો અર્થ નાં બદલાય પણ ક્યારેક ખોટા સ્પેલિંગનાં લીધે કઈક જુદો જ અર્થ ધરાવતો શબ્દ બને અને વાક્યનો ભાવાર્થ જ બદલી દે. એટલે નાદાન વાયરસ જોડે પણ આવું જ થાય છે, જેને આપણે મ્યુટેશન કહીએ છીએ.
આમ તો આ વાયરસે હજારો મ્યુટેશન કર્યા છે પણ હાલમાં જે મ્યુટેશન પકડાયું છે તેણે થોડીક ચિંતા વધારી છે. શું થયું તે જાણીએ?

- text

યુ કે નાં સંશોધકોનાં ધ્યાનમાં એવું આવ્યું કે ઈંગ્લેન્ડના દક્ષિણ ભાગમાં છેલ્લા 2-3 મહિનાથી વાયરસનો પ્રકોપ વધુ હતો એટલે કે બીજા કોઈ પણ વિસ્તાર કરતાં ત્યાં કેસ વધુ આવી રહ્યા હતા. હવે કેસ વધુ આવવાનાં બીજા પણ કારણ હોઈ શકે. જેમ કે વધુ ભીડભાડ વાળો વિસ્તાર હોય, એ વિસ્તારમાં વધુ વૃદ્ધ લોકો કે ઓછી રોગ પ્રતિકારકતા ધરાવતા લોકો વધુ હોય. પણ વાયરસનો જેનેટિક અભ્યાસ કરતાં સામે આવ્યું કે સ્પાઈક પ્રોટીનમાં એક મ્યુટેશન થયું છે જે સંભવત: આ વાયરસની ફેલાવાની ક્ષમતામાં 50 થી 70 ટકા જેટલો વધારો કરે છે. જો કે આ અનુમાન અંગે વધુ રિસર્ચ થઈ રહ્યું છે.

બીજું એમ અનુમાન છે કે આ મ્યુટેશનનાં લીધે વાયરસ બાળકો અને યુવાઓ માટે વધુ ઘાતક બની શકે તેમ છે. પણ ફરી એક વાર કહીશ કે આ માત્ર એક સંભાવના છે , આ અંગે વધુ સંશોધન થઈ રહ્યા છે. સાઉથ આફ્રિકામાં પણ આ જ પ્રકારનું એક મ્યુટેશન મળી આવતા આ અનુમાનો પર ગંભીરતાથી તપાસ થઈ રહી છે.

Source: 2) https://www.cogconsortium.uk/data/ 3) https://www.bmj.com/content/371/bmj.m4857

official document : https://assets.publishing.service.gov.uk/government/uploads/system/uploads/attachment_data/file/947048/Technical_Briefing_VOC_SH_NJL2_SH2.pdf


અભ્યાસુઓ માટે એમ કહીશ કે આ મ્યુટેશન N501Y તરીકે ઓળખાય છે આ ઉપરાંત H69/V70 નામનાં એમીનો એસિડ ગાયબ થઈ ગયા છે. જો કે N501Y પહેલા D614G નામનું મ્યુટેશન પણ ચર્ચામાં હતું, જેના વિશે એમ કહેવાતું કે આ મ્યુટેશન પણ વાયરસનો ઝડપી ફેલાવો કરી શકે છે,આપણાં ત્યાં પણ આ મ્યુટેશન પ્રારંભિક કાળથી જ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે અને આપણે એ જ રીતે એનો સામનો પણ કર્યો છે. ( ઉપરની ટેકનિકલ માહિતી વિશે થોડી વિસ્તૃત માહિતી સાથે લખવા પ્રયાસ કરીશ)

Source: 4) https://virological.org/t/preliminary-genomic-characterisation-of-an-emergent-sars-cov-2-lineage-in-the-uk-defined-by-a-novel-set-of-spike-mutations/563

5) https://www.gisaid.org/references/gisaid-in-the-news/novel-mutation-combination-in-spike-receptor-binding-site/


હવે આ ફેરફાર કેવી રીતે થયો એનાં અંગે પણ મત મતાંતર છે. નબળી રોગ પ્રતિકારકતા ધરાવતા લોકોમાં વાયરસ લાંબો સમય રહી શકે અથવા દવાઓની અસર સામે લડતી વખતે કોઈ મ્યુટેશન થયું હોય અથવા તો પછી બીજા કોઈ પ્રાણીમાં ફરીને આ વાયરસ પાછો માણસમાં પણ આવ્યો હોય એવા અનુમાનો થઈ રહ્યા છે. આ અંગે પણ સંશોધન થઈ રહ્યા છે.

તો શું આપણને નવી વેક્સિન જોઈશે? ના , સદભાગ્યે વેક્સિન કંપનીઓ દાવો કરી રહી છે કે અત્યારે હાલ બની રહેલી વેક્સિન આ નવા સ્વરૂપ પર પણ અસર કર્તા રહેશે. સ્પાઈકનો આકાર મોટા પાયે બદલાય તો વેક્સિનની રણનીતિમાં ફેરફાર કરવો પડે પણ અત્યારે સ્પાઈકનો આકાર મોટા પાયે બદલાયો હોય તેવું જણાતું નથી. આ વિશે પણ રિસર્ચ યથાવત છે.

તો મિત્રો, વાયરસ અંગે દુનિયાભરમાં જે ચર્ચા ચાલી રહી છે તેનો નિચોડ અહી મૂકવા પ્રયાસ કર્યો. આ ફેરફારથી ડરવાની જરૂર નથી કેમ કે આ અંગે હજી અભ્યાસ ચાલુ છે અને માત્ર આગમચેતીનાં ભાગરૂપે દુનિયાનાં દેશો થોડા કડક પગલાં ભરી રહ્યા છે. આ ગ્રે એરિયામાં લેવાયેલા નિર્ણય છે. વાયરસનાં આ બદલાવનાં પગલે વાયરસથી બચાવના મૂળભૂત નિયમોમાં કોઈ ફેરફાર થતો નથી. વારે તહેવારે સરકારની ગાઇડલાઇન્સનું ચોક્કસ પાલન કરવું.

-ઉત્સવ પરમાર

(નોંધ: ઉપરોક્ત માહિતીઓ સંદર્ભ અને સંશોધનો મુજબ સાચી છે, નવા સંશોધનો મુજબ વાયરસ અંગેની સમજમાં ફેરફાર આવી શકે છે. પોસ્ટનો હેતુ જાણકારી આપી ખોટો ભય દૂર કરવાનો છે.)

- text