સરકારી નોકરીની ઓફર ઠુકરાવી શિક્ષિત યુવાન બન્યો સરપંચ, હવે ચલાવી રહ્યો છે ગ્રામજનો માટે આ સેવાયજ્ઞ

- text


સરકારી નોકરી કરવાને બદલે યુવાન હવે લોકોને સરકારી યોજનાના લાભો મેળવવા માટે તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે

“સર્વજન સુખાય સર્વજન હિતાય”નું સૂત્ર ચરિતાર્થ કરવા જાહેર જીવનમાં પ્રવેશેલા લક્ષ્મીવાસના બિનહરીફ યુવા સરપંચની અનોખી દાસ્તાનનો જુઓ વિડિઓ..

મોરબી : ભારતમાં સરપંચ શબ્દ કાને પડતા જ ગામઠી પહેરવેશ વાળા મોટી ઉંમરના વ્યક્તિનું ચિત્ર માનસપટલ પર અંકિત થાય. સરપંચ ગામનો મુખિયા હોવા ઉપરાંત અનુભવની દ્રષ્ટિએ અન્યોથી આગવો હોય એ અભિપ્રેત છે. અલબત્ત એકવીસમી સદીના ભારતમાં સરપંચની વ્યાખ્યામાં બદલાતા સમયની સાથે ઘણો બદલાવ આવ્યો છે. આજના ભારતનો સરપંચ શિક્ષિત, આધુનિક, સૌને સાથે લઈને ચાલનારો, અને સાંપ્રત સમાજ વ્યવસ્થાને અનુકૂલન સાધનારો અને રાજકીય પરિપ્રેક્ષની દ્રષ્ટિએ પણ પારંગત હોવો જરૂરી મનાય છે. ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના એક અલ્પવિકસિત એવા લક્ષ્મીવાસ ગામમાં જન્મેલા નવ યુવાન સરપંચ વિશે આજકાલ ભારે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે.

મોરબી જિલ્લામાં માળીયા તાલુકો આમેય પહેલેથી અન્ય તાલુકાઓની સાપેક્ષ દરેક રીતે પછાત મનાતો આવ્યો છે. અલ્પ શિક્ષણ, રોજગારીનો અભાવ, ખેતી ક્ષેત્રે વ્યાપ્ત બનેલી વિડંબણાઓને લઈને માળીયા તાલુકામાં સરકારની યોજનાઓને લાગુ કરવામાં અને વ્યાપક બનાવવામાં, લોકભોગ્ય બનાવવામાં તંત્રને નેવાના પાણી મોભે ચડાવવા જેટલી મુશ્કેલીઓ પડતી હોવાનું ધ્યાને આવતા લક્ષ્મીવાસ ગામના યુવા સરપંચે આ દિશામાં એક નવી પહેલ કરી છે. જે આગળ જતા અન્ય ગામોના સરપંચો માટે પણ એક દીવાદાંડીનું કામ કરશે.

21 માર્ચ 1990માં માળિયાના લક્ષ્મીવાસ ગામે ખેડૂત બાલુભાઈ સંઘાણીના ઘેર જન્મેલા જયદીપનું જીવનકવન અન્યો માટે પ્રેરણારૂપ બનશે એવું એમના પરિવારે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. સામાન્ય સ્થિતના પરિવારમાં જન્મેલા જયદીપનું પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં પૂર્ણ થયા બાદ 10 ધોરણ પાસ કરી અન્ય યુવાનોની જેમ જ ડિપ્લોમામાં પ્રવેશ મેળવ્યો. સૌ પ્રથમ ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ અને ત્યાર બાદ બી.ટેક. એન્જીનીયરીંગ કરી ભાવનગરની વિખ્યાત એવી શાંતિલાલ શાહ કોલેજમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. આર.કે. યુનિવર્સીટીમાં આસિસ્ટન પ્રોફેસરની જોબ સ્વીકારી એ દરમ્યાન જેટકો કંપનીના ઇન્ટરવ્યૂમાં પાસ થતા પરિવારને જયદીપના સુવર્ણ ભવિષ્ય માટે ઉજળા સંજોગો સર્જાયા હોવાનું લાગ્યું. જો કે, જયદીપનું સ્વપ્ન જાહેર જીવનમાં પ્રવેશી સર્વજન સુખાય, સર્વજન હિતાયનું હતું. નોકરી સ્વીકારવી કે નહીં એ બાબતે પરિવાર સાથે મતમતાંતર હોવા છતાં જયદીપ સંઘાણીએ જાહેર જીવનમાં પ્રવેશવાનો પોતાનો અડગ નિર્ધાર વ્યક્ત કર્યો અને લક્ષ્મીવાસ ગામમાં બિનહરીફ સરપંચ બન્યા.

અહીંથી જીવનમાં જે વણાંક આવ્યો એ અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો. માત્ર પોતાના ગામ પૂરતી સેવાકાર્યની સીમા બાંધી ન રાખતા સમગ્ર તાલુકા માટે કૈક અલગ કરી છૂટવાની પરિકલ્પના હવે સાકાર થઈ છે. સૌ પ્રથમ તો પોતાના માદરે વતન એવા લક્ષ્મીવાસ ગામને ગોકુળિયું ગામ બનાવ્યું. ત્યાર બાદ હાલ પીપળીયા ચાર રસ્તા પાસે “સમાજ સેવા કેન્દ્ર” અને “લોક જાગૃતિ અભિયાન” નામની ઓફિસ ખોલી. 5 વર્ષ સુધી માળીયા ભાજપમાં યુવા મોરચાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન તેઓએ અનુભવ્યું હતું કે સરકારી સહાયથી લાભાર્થીઓ શા માટે વંચિત રહી જાય છે?

સમાજ સેવા કેન્દ્રની ઓફિસમાં સ્થાનિકોને તમામ પ્રકારની સરકારી સેવા-સહાયની માહિતી મળી રહે અને લોકોનો સમય બચે, તેમજ અલગ-અલગ કચેરીઓમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળે એવા પ્રકારનું આયોજન કોર્પોરેટ ઢબે ગોઠવ્યું. આ સેવા કેન્દ્રમાં લોકભોગ્ય એવી તમામ સરકારી સેવા, સુવિધાઓ, યોજનાઓની માહિતી પુરી પાડવામાં આવે છે. જેમ કે, રેશનકાર્ડ, આધારકાર્ડ, માં અમૃતમ યોજના, વિધવા સહાય, વૃદ્ધ સહાય, સુકન્યા યોજના સહિતની તમામ યોજનાઓ માટે ક્યાં ક્યાં પ્રકારના ડોક્યુમેન્ટ્સ-પુરાવાની જરૂરિયાત હોય છે, તેના માટે શું શું કરવું જોઈએ જેવા તમામ માર્ગદર્શન અહીં સ્થાનિકોને પુરા પાડવામાં આવે છે. સરકારી વિવિધ યોજનાના લાભો મેળવવા માટે તમામ પ્રકારની મદદ પુરી પાડવામાં આવે છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ મેળવી રહ્યા છે.

- text

ઉક્ત સ્થળે આ પ્રકારની નિઃશુલ્ક સેવા મળી રહી છે એનો પ્રચાર પસાર કરવા માટે અંતરિયાળ ગામડાઓમાં રીક્ષા દ્વારા અભિયાન પણ શરૂ કરાયું છે. નાના નાના કામો તો જે-તે ગામની પ્રસાર અભિયાન ટિમ દ્વારા સ્થળ પર જ નિકાલ થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવાઈ હોવાથી જયદીપ સંઘાણીને લોકો તરફથી ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. એક યુવા સરપંચે ગામની સીમ છોડી વ્યાપક વિસ્તારમાં લોકોના લાભાર્થે કરેલો આ પુરુષાર્થ આગામી દિવસોમાં માળીયા તાલુકાની સુરત બદલી નાંખશે એ તો નિર્વિવાદિત હકીકત છે પણ આગામી સમયમાં અન્ય ગામોના સરપંચ પણ જો આ નવયુવાન સરપંચે કંડારેલી કેડી પર ચાલવાનું સામર્થ્ય બતાવે તો ગોકુળીયા ગામની પરિકલ્પના સાચા અર્થમાં સાકાર થાય.

- text