બાળકનું વિદ્યાર્થી બનવા તરફ પ્રયાણ : શિશુમંદિરમાં ધો. 1ના છાત્રો માટે વિદ્યારંભ સંસ્કાર સમારોહ યોજાયો

- text


15 બાળકો અને તેના વાલીઓની ઉપસ્થિતિમાં વિધિ પૂર્ણ કરાઈ : અન્ય 195 બાળકોએ તેના ઘરે વિદ્યારંભ સંસ્કાર કરાવ્યો

મોરબી : હિન્દૂ શાસ્ત્રોમાં મનુષ્યના જીવનમાં સોળ સંસ્કારોનો મહિમા વર્ણવાયો છે. ગર્ભાધાન સંસ્કાર, અંતોષ્ઠી સંસ્કાર સહિતના સોળ સંસ્કારોમાં વિદ્યારંભ સંસ્કારનો પણ સમાવેશ થાય છે. આ સંસ્કાર બાળક 4 વર્ષ, 4 માસ અને 4 દિવસનું થાય પછી વિદ્યા મેળવવાનું શરુ કરે ત્યારે વસંત પંચમી અથવા જ્ઞાનપંચમીના દિવસે શાસ્ત્રોક્ત વિધિ કરી આપવામાં આવે છે. વિદ્યારંભ સંસ્કાર સાથે બાળકનું વિદ્યાર્થી બનવા તરફ પ્રયાણ થાય છે. જો કે હવે વિદ્યારંભ સંસ્કારનો રિવાજ ખુબ ઓછો થઇ ગયો છે. પરંતુ મોરબીના શિશુમંદિરમાં પ્રાચીન સંસ્કૃતિના જતન માટે વિદ્યારંભ સંસ્કાર દર વર્ષે યોજાય છે.

પ્રતિ આ વર્ષની જેમ વર્ષે પણ મોરબીના શિશુમંદિર ખાતે ધો. 1માં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે વિદ્યારંભ સંસ્કાર સમારોહ યોજાયો હતો. હાલમાં કોરોના વાયરસની મહામારીને લીધે માત્ર 15 બાળકો અને તેના વાલીઓને વિદ્યારંભ સંસ્કાર સમારોહમાં આમંત્રિત આવ્યા હતા. અન્ય 195 બાળકોએ તેના ઘરે વાલીઓની ઉપસ્થિતિમાં યુટ્યુબના માધ્યમથી વિધિ પૂર્ણ કરી હતી.

આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ગણપતીજીનું પૂજન હરકિશનભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતમાતાનું પૂજન જયંતિભાઈ રાજકોટિયા અને સુનિલભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. પોથીઓનું પૂજન વિદ્યાલયના પ્રધાન આચાર્ય કુંદનબેન ચારોલા દ્વારા કરવામાં આવ્યું હતું. પોથીયાત્રા ધામધૂમથી ભારત માતાના મંદિરેથી વિદ્યાલયના વંદના કક્ષમાં સરસ્વતી માતાના મંદિર સુધી કાઢવામાં આવી હતી. જ્યાં પોથીને સ્થાપિત કરવામાં આવી હતી. મુખ્યપોથી ઉપાડેલા વાલીઓનું કુંદનબેન ચારોલા દ્વારા પગ ધોઈને પૂજન કરવામાં આવ્યું હતું.

વિદ્યારંભ સંસ્કારની વિધિમાં સૌપ્રથમ પુસ્તક અને પાટીનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં સરસ્વતી માતાના 108 નામનો જાપ કરી હવન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માતા દ્વારા બાળક પાસે ઓમ, શ્રી, શ્રી ગણેશાય નમ:, શ્રી સરસ્વતૈય નમ: વાંચવીને વાંચનની તેમજ માતા દ્વારા બાળકના જમણા હાથમાં પેન પકડાવી ઓમ ઘૂંટાવીને લેખન કાર્યની શરૂઆત કરાવવામાં આવી હતી. તેમ શાળાના પ્રધાન આચાર્ય કુંદનબેન ચારોલાએ જણાવ્યું હતું.

- text

- text