કમાન્ડો અજીતસિંહ પરમારના મૃત્યુની તપાસ કરી તેમને શહીદનો દરજ્જો આપવાની માંગ

- text


મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરાઈ

મોરબી : કોબ્રા કમાન્ડો ‘અજીતસિંહ પરમાર’ના ભેદી મૃત્યુની તટસ્થ તપાસ કરી, તેમને શહીદનો દરજ્જો આપી યોગ્ય ન્યાય આપવા બાબતે મોરબી જિલ્લા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના રહેવાસી અને સી.આર.પી.એફ.ના કોબ્રા કમાન્ડો યુવાન શહિદ વીર અજીતસિંહ જગુભાઇ પરમાર, જે બિહારના ગયા ખાતે સી.આર.પી.એફ.ના કોબ્રા કમાન્ડો 205 બટાલિયનમાં ફરજ બજાવતા હતા. અજીતસિંહ પરમારની રજા મંજુર થતા તેઓ પોતાના વતન કોડીનાર આવવા માટે તા. 13ના રોજ ઓગષ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ નં. 02952માં રવાના થયેલ હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના આલોટના શુરિયા ગામ પાસે રેલ્વે ટ્રેક નજીકથી તેમનો મૃતદેહ સ્થાનિક પોલીસને મળી આવેલ પરંતુ પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની તપાસ કર્યા વગર કે પોસ્ટમોર્ટમ કર્યા વિના તેમજ પરિવારજનોને જાણ કર્યા વિના જ તેમના મૃતદેહને દફનવિધી કરવામાં આવેલ છે. જે એક ખૂબજ ગંભીર બેદરકારી ગણી શકાય. અને સરહદ પર માં-ભોમની રક્ષા કાજે ફરજ બજાવતા વીર સિપાહીઓનું અપમાન થયેલું ગણાય.

- text

સી.આર.પી.એફ.ના કોબ્રા કમાન્ડો શહીદ અજીતસિંહ પરમારનાં પરિવાર તેમજ સમગ્ર ક્ષત્રિય કારડીયા રાપૂત સમાજને શહીદ અજીતસિંહની હત્યા થઇ હોવાની પુરે પુરી આશંકા છે. આથી, આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય. અને વાસ્તવિક તથ્ય સામે આવે એવા હેતુથી તાત્કાલિક ધોરણે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ કરવામાં આવે અને રાષ્ટ્રની સંપતિને જે નુક્શાન થયેલ છે. જે અંગે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલીક ધોરણે યોગ્ય તપાસ કરવામાં આવે એવી માંગણી કરાઈ છે. તેમજ સી.આર.પી.એફ.ના કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારનાં પરિવાર તેમજ સમસ્ત ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજને યોગ્ય ન્યાય અપાવવામાં આવે. તથા “શહીદ વીરનો” દરજ્જો આપવામાં આવે એવી અપીલ કરાઈ છે.

- text