ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં કાલે રવિવારે ખાસ ઝુંબેશ : ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કે નામ ઉમેરી શકાશે

 

 મોરબી- માળિયા વિધાનસભા મત વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં મતદાન મથકો ખાતે આ કામગીરી થશે

મોરબી : ચૂંટણીપંચ દ્વારા આગામી ૧૫ ડિસેમ્બર સુધી મતદાર યાદી સંક્ષીપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ તાજેતરમાં પૂર્ણ થયેલ હોય જેથી ૬૫-મોરબી વિધાનસભા મત વિસ્તારને બાદ કરતા અન્ય ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ સાથે ૨૨ અને ૨૯ નવેમ્બર અને ૬ તથા ૧૩ ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. આ દિવસે  મતદાન મથકો ઉપર ચૂંટણીકાર્ડની કામગીરી કરવામાં આવનાર છે.

આવતીકાલે રવિવારે મતદાન મથકો ઉપર ચૂંટણી કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા તથા સુધારા-વધારાની કામગીરી કરવામાં આવનાર છે.  સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન મથકો ઉપર આ કામગીરી ચાલનારી છે.

કોને કયુ ફોર્મ ભરવું?

  • નામ ઉમેરવા માટે ફોર્મ નં.૬
  • નામ કમી કરવા માટે ફોર્મ નં.૭
  • સરનામા સીવાયના સુધારા માટે ફોર્મ નં.૮
  • સરનામા સુધારા (એક જ એસીમાં) માટે ફોર્મ નં.૮-ક

નવું ચૂંટણીકાર્ડ કઢાવવા શું કરવું?

૧-૧-૨૦૨૧ની સ્થિતિએ જેમને ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેમને નવું ચૂંટણીકાર્ડ કઢાવી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરે છે. આવા લોકોએ આવતીકાલની ખાસ ઝુંબેશમાં પોતાના નજીકના મતદાન મથકે જવાનું રહેશે. જ્યાં તેઓએ જન્મ તારીખનો દાખલો, પરિવારના કોઈપણ સભ્યનું ચૂંટણીકાર્ડ, સરનામાનો પુરાવો તેમજ કલર ફોટો જમા કરાવવાનો રહેશે.