મોરબી : BS-6 કારમાં અલગથી સીએનજી ફિટિંગ કરાવવા ઉપર પ્રતિબંધની તૈયારી

 

સોમવારથી પ્રતિબંધ મુકાઈ તેવી શકયતા : BS-6માં માત્ર કંપની ફિટિંગ સીએનજી જ ચાલશે જ્યારે BS-4માં છૂટ

મોરબી : મોરબી જિલ્લામાં BS-6 વ્હીકલમાં અલગથી સીએનજી ફિટિંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકાવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રતિબંધ સોમવારથી જ લાગુ થાય તેવી માહિતી મળી રહી છે. જેથી હવેથી BS-6 વ્હીકલમાં અલગથી સીએનજી કીટ ફિટ કરાવી શકાશે નહીં. જુના વાહનો યથાવત સ્થિતિમાં રહી શકશે.

આરટીઓના આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સીએનજીનો એપ્રુવલ લેટર ન મળ્યો હોવાથી મોટાભાગના જિલ્લામાં BS-6 વ્હીકલમાં સીએનજી ફિટિંગ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને ધ્યાને લઈને મોરબી આરટીઓએ પણ ગેસ ફિટિંગ કરતી એજન્સીઓના પ્રતિનિધિઓને બોલાવી તેમની સાથે ચર્ચા કરી હતી. અને આગામી સોમવારથી BS-6 વ્હીકલમાં અલગથી સીએનજી ફિટિંગ ઉપર પાબંધી લગાવવામાં આવનાર છે. જ્યારે નવી પેટ્રોલ BS-6 કારોમાં અલગથી અન્ય કંપનીની ગેસ કીટ ફિટ કરાવવા માટે હવે આગામી સમયમાં નવી ગાઈડલાઈન આવશે. ત્યાં સુધી આ પ્રતિબંધ રાખવામાં આવે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જેથી હવે BS-6 વ્હીકલમાં કંપની ફિટિંગ સીએનજી જ ચાલશે. અલગથી સીએનજી ફિટિંગ કરાવી શકાશે નહિ. અગાઉ જેઓએ ફિટિંગ કરાવ્યું હશે તે ચાલશે પણ હવે પછી ફિટ કરાવી શકાશે નહીં. જ્યારે BS-4 વ્હીકલમાં ઓથોરાઈઝડ સેન્ટરોમાંથી અલગથી સીએનજી ફિટ કરાવી શકાશે.