ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર શા માટે? ચાલો એક ઉદાહરણ પરથી સમજીએ

કોરોના કાળમાં દેશને પડેલા આર્થિક ફટકાથી અર્થતંત્રને ઉગારવા ‘મેડ ઈન ઇન્ડિયા’ સૂત્રને અપનાવવું આવશ્યક

મોરબી : ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’ આ સૂત્ર છેતરામણું છે તે વાત ચીનની વારંવાર દગાખોરીથી સાબિત થાય છે. આમ તો દેશમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર આઝાદીથી જ કરવામાં આવતો હતો. પરંતુ ચાઈનીઝ વસ્તુઓનું માર્કેટિંગ અને સસ્તા ભાવોને લીધે દેશમાં ચાઈનીઝ વસ્તુઓનું ધૂમ વેચાણ થતું હતું. પરંતુ થોડા મહિનાઓ અગાઉ લદાખમાં આવેલ ગલવાન ઘાટીમાં ચીન અને ભારત વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં અંદાજે ભારતના 20 જેટલા સૈનિકો શહિદ થયા હતા. ત્યારથી દેશમાં ચાઈનીઝ પ્રોડ્કટને બોયકોટ કરવાના અભિયાને જોર પકડ્યું છે.

આ ઉપરાંત, લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની જાહેરાત કરી હતી. અને દેશવાસીઓને ‘મેડ ઈન ઇન્ડિયા’ પ્રોડક્ટ ખરીદવા હાકલ કરી હતી. આ હાકલને ઝીલી દેશવાસીઓએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી ભારતીય વસ્તુઓ ખરીદવાનું ચાલુ કર્યું હતું. સરકારે પણ ચીની વસ્તુઓની આયાત ઓછી કરી છે. તેમજ કેટલીક ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. પરંતુ હજુપણ કેટલાક લોકોને ચાઈનીઝ પ્રોડક્ટ ખાસ કરીને ઇલેક્ટ્રિક આઇટમ્સ ખરીદવાનો લોભ હોય છે. ત્યારે ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર શા માટે? તે નીચેના ઉદાહરણ પરથી સમજી શકાય છે.

ધારો કે તમે ભારત દેશમાં કોઈ “X” વસ્તુ બનાવો છો. જેનો કોઈ નાનો કમ્પોનન્ટ રજીસ્ટર કે કેપેસીટર ચાઇનાથી ખરીદો છો અને વર્ષે 200 કરોડનું ટર્ન ઓવર કરો છો અને આશરે 1000 ભારતીય ફેમિલીને ડાયરેક્ટ રોજગારી આપો છો. હવે આ જ વસ્તુ અન્ય કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ચાઇનાથી કમ્પ્લીટ પ્રોડક્ટ “રેડી ટુ સેલ” ઈમ્પોર્ટ કરે છે અને ડયૂટી ભરવામાં પણ ગોલમાલ કરે તો તેની કોસ્ટ તમારી કોસ્ટ કરતાં ઘણી નીચે આવશે. તમારો બિઝનેસ દેશ માટે આશીર્વાદ સમાન હોવા છતાં પણ તમારા બિઝનેસનું પતન થશે. અને એને ત્યાંતો ડાયરેક્ટ કમ્પ્લીટ પ્રોડક્ટ ઈમ્પોર્ટ થતી હોવાથી માત્ર 10 માણસો કામ કરતા હશે. જ્યારે તમારે ત્યાં 1000 ફેમિલી કામ કરે છે. અને જો તમે ટકી નહીં શકો તો શું થશે તેને ધીમે ધીમે છૂટા કરાશે. તેનાથી બહુ મોટી બેરોજગારી સર્જાશે. આ ઉદાહરણ તો 200 કરોડ પ્રમાણે આપેલું છે. પણ આપણા દેશમાં લગભગ 41,900 કરોડ ડોલરનું ‘રેડી ટુ સેલ’ પ્રોડક્ટનું ઈમ્પોર્ટ થાય છે. જો આ બંધ થાય અથવા તો ઓછું થાય તો કોઈએ નોકરી માટે વલખાં મારવા નહીં પડે પણ નોકરી આપોઆપ મળશે. આંખ બંધ કરી ઠંડા કલેજે વિચારીએ તો આ ખરેખર ખૂબ જ મોટી વાત છે.

આમ, ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવો ખુબ જરૂરી છે. તેમજ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપવા માટે પણ અન્ય દેશોમાં બનેલી વસ્તુઓ ખરીદવાના બદલે આપણા દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવાથી દેશના અર્થતંત્રને ફાયદો થશે. આમ પણ હાલમાં કોરોના કાળ દરમિયાન દેશને પડેલા આર્થિક ફટકાની સરભર કરવા પણ દેશમાં જ મોટા ભાગની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ ઉપરાંત નિકાસ થાય તે દેશ માટે લાભકારક છે. જેનો ફાયદો અંતે તો દેશવાસીઓને જ થવાનો છે. તો ‘વોકલ ફોર લોકલ’ અપનાવવું એ રાષ્ટ્ર ભક્તિ દાખવવા જેટલું જ ઉત્તમ કાર્ય છે!