મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તહેવારોમાં પણ ફરજ બજાવતા કર્મવીરોને દિવાળીની અનોખી શુભેચ્છા અપાઈ

- text


 

હંમેશા કંઈક અલગ અને પ્રેરણાદાયી કાર્યક્રમો કરતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દિવાળીની અનોખી ઉજવણીના ભાગરૂપે અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રૂપના સભ્યો દ્વારા તહેવારો ઉપર પોતાની ફરજને જ સર્વસ્વ સમજીને પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલીને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મવિરોનું સન્માન કરીને તેને મીઠાઈ આપવામાં આવી હતી. દિવાળીના પર્વે પણ પોતાની ફરજ બજાવતા આ કર્મવિરોની કર્મનિષ્ઠાની કદર થતા તેઓના ચેહરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.

માનવીના હ્યદયમાં પણ અજ્ઞાન, અંધશ્રધ્ધા, સંકુચિત નિતી, હુંસા-તુસી, અંદરો અંદર ઝગડા, મારા-મારી, લૂચ્ચાઇ વગેરે જેવા અનેકો અંધકારમય આસુરી તત્વો વસેલા હોય છે. જેનો માનવીએ નાશ કરી પોતાના દિલમાં જ્ઞાન, બીજા પ્રત્યેની જવાબદારીઓ, લાગણીઓ કે જે પ્રકાશના પ્રતિક તરીકે ઓળખાય છે , આ પ્રકાશના પ્રતિકને એક અજવાળા રૂપે પાથરવાનો દિવસ હોય છે અને તેને જ દિપોત્સવ કહીયે છીએ. દરેક માનવીમાં શુભ અને અશુભ તત્વો રહેલાં જ હોય છે. પણ તેમાનાં અશુભ તત્વોને અંતરમાં ઊંડાણમાં એક પ્રકાશ પાથરવાનો દિવસ એટલે દિવાળી. પ્રકાશ એ છે કે જે મન અને જગતને રોશન કરે. દિવાળીનો તહેવાર આજ સાર્થક સંદેશ લઈને આવે છે. જે સત્ય નિષ્ઠા પર આધારિત વિરાસત અને આપણાપણાંનો અહેસાસ કરાવે છે. અને સ્વયંને દિપક બનીને સમાજમાં અજવાળા ફેલાવીને અલોકીંત કરવાનું સામર્થ્ય પ્રદાન કરે છે. એટલે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીના પ્રકાશપર્વની ઉજવણી એવા લોકોને સમર્પિત કરવામાં આવી હતી જે લોકો ખુદ સ્વયમ પ્રજલિત થઈ પોતાની દિવાળી ભૂલી સમાજને સુંદર રીતે ઉપયોગી બની પૂર્ણનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા તહેવારોની કઈક અલગ રીતે ઉજવણી કરવા માટે જાણીતું છે. ત્યારે આ ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળીની પણ અનોખી ઉજવણીના ભાગરૂપે કર્મવીર કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દિવાળીએ પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલી જઈને સમાજ માટે ફરજ બજાવતા પોલીસ, એસટી, નગરપાલિકા, પેટ્રોલ પમ્પ, રેલવે , ફાયરબ્રિગેડ ,ટ્રાફીક વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સરકારી કે જાહેર સંસ્થાઓમાં સેવા આપતા કર્મવીરોનું સન્માન કરી તેઓને દિવાળીની શુભકામના પાઠવી તેમની સેવા બદલ આભારની લાગણી પ્રગટ કરાઇ હતી. આમ, તહેવાર ઉપર પણ પોતાની ફરજને જ સર્વસ્વ માનીને કામ કરતા કર્મનિષ્ઠ લોકોને પ્રોત્સાહન પુરૂ પાડી યંગ ઇન્ડિયા ગ્રુપે દિવાળીના પર્વની ઉજવણી ખરા અર્થમાં ચરિતાર્થ કરી હતી.

- text