ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી તીખી પ્રતિક્રિયા 

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો

મોરબી : મોરબીમાં રૂપાલા વિવાદમાં ફરી નવો પેટા વિવાદ જાગ્યો છે. તાજેતરમાં વિનોદ ચાવડાની સભામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આપેલા એક નિવેદનની રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા અધ્યક્ષે તીખી પ્રતિક્રિયા આપી છે.

આ વિવાદની વિગતો જોઈએ તો તાજેતરમાં ભાજપના કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ બે દિવસ પૂર્વે મોરબીમાં સભા કરી હતી. તેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે. કાર્યક્રમ બંધ નથી રહેવાના, તો મહેરબાની કરીને અમારા કાર્યક્રમ ડહોળવા ન આવો તો સારું છે. તેવી મારી નમ્ર વિનંતી છે. જેમ દૂધમાં સાકળ ભળે. તેમ સમગ્ર સમાજ ભળી જાય, તેવી મારી નરમ વિનંતી છે. બે- ત્રણ રતન દુખિયા અહીં આવીને ખોટો બગાડ ન કરે, મારી વિનંતી છે.અમારી સાથે બધા છે. આપણે સારી રીતે મોરબીનો વિકાસ કરવો છે.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના આ નિવેદન ઉપર મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ તીખી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ કહ્યું કે કાનાભાઈએ કહ્યું કે ક્ષત્રિય સમાજ અમારી સાથે છે. તો કોણ તમારી સાથે છે એવું એક લિસ્ટ બહાર પાડો, તમે કહ્યું કે ત્રણ-ચાર રતન દુખિયા જ વિરોધ કરે છે. તો રૂપાલા માટે ચાર જિલ્લાની પોલીસનો બંદોબસ્ત માત્ર ત્રણ – ચાર રતન દુખિયા માટે જ કરવો પડે છે ? વડાપ્રધાન મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા, તો શું આ ત્રણ – ચાર રતન દુખિયાના હિસાબે જ સભા નથી કરી શકતા ? તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ કાર્યાલય નથી ખોલી શકતા, તો શું આ ત્રણ-ચાર રતન દુખિયાના જ હિસાબે નથી ખોલી શકતા ? માટે વિનંતી છે કે આવા ઉશ્કેરાટભર્યા શબ્દોનો પ્રયોગ ન કરો.

વધુમાં જયદેવસિંહે ઉમેર્યું કે રતન દુખિયા કોને કહેવાય ? જે આપણા ઘરનું, સમાજનું કે મિત્રનું સારું ન જોઇ શકે તેને કહેવાય. આ ત્રણ – ચાર વ્યક્તિ નથી. આખો ક્ષત્રિય સમાજ છે. અન્ય સમાજ પણ સાથે છે. જે વ્યક્તિ વિરોધ કરે છે તે પોતાના માટે નથી કરતા, સમાજ માટે કરે છે એટલે તેઓને રતન દુખિયા ન કહેવાય.

અંતમાં જયદેવસિંહે કહ્યું કે અમારે બોલવું પણ છે અને ઘણું કરવું પણ છે. 7 તારીખે ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે, કોણ શુ બોલ્યા, કોણે શુ કર્યું. ચૂંટણી પતવા દયો, પેટીઓ ખુલશે એટલે ખબર પડી જશે કોણ રતન દુખિયા છે. આપ મર્યાદા સાથે બોલો, ચૂંટણી પતવા દયો આપણે સામસામે મળીશું જ.