પક્ષ પલ્ટા, ગદાર જેવા મુદ્દાને જાકારો આપી મોરબીના મતદારો સરકારની સાથે રહ્યા

 

 

ગદ્દાર સામે વફાદારી વાતો મતદારના ગળે ન ઉતરી : કાંતિલાલ અમૃતિયાના નામે કોંગ્રેસે કરેલું ઉંબાડીયું બુમરેંગ સાબિત થયું : હાર્દિક પટેલે રામ મંદિર મુદ્દે કરેલી ટિપ્પણી કોંગ્રેસને ભારે પડી : વિવિધ મુદાઓની સાથે અપક્ષો પણ ચૂંટણી પરિણામને અસરકર્તા બન્યા

મોરબી : ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાને લઈને આવી પડી હતી. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા ખાલી પડેલી બેઠકો પર આ ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને ભાજપે આને લઈને સામસામા આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં પણ કોંગ્રેસ તરફથી પક્ષ પલટાનો, વફાદારી અને ગદ્દારીનો મુદ્દો ખાસ છવાયેલો રહ્યો હતો. જોકે શાણા મતદારોએ ગદ્દારવાળા મુદ્દાને જાકારો આપીને વિકાસની વાતોના વધામણા કર્યા હોય અને પેટા ચૂંટણીમાં સરકાર સાથે રહ્યા હોય એમ મોરબી સહિત તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.

વિધાનસભાનું નિયમિત સત્ર પુરું થતાં પહેલાં જ આવી પડેલી વચગાળાની આ આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાસે કોઈ ખાસ એવા મુદ્દા ન હતા. આમ છતાં બંને પક્ષો તરફથી અમુક મુદ્દાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન સતત છવાયેલા રહ્યા હતા.

ભાજપના ચૂંટણી પ્રચારના મુખ્ય મુદ્દામાં થયેલા વિકાસની વાતો, કેન્દ્રની ભાજપ સરકારના લેવાયેલા નિર્ણયો, નર્મદા નદીના પાણી પહોંચાડવાની વાતો, ખેડૂતોને સમયસર પાક વીમો આપવાનો મુદ્દો, કોરોનાકાળમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે કરેલી કામગીરીનું મુદ્દો અને કોંગ્રેસના ધારાસભ્યોએ શા માટે રાજીનામું આપ્યું તેના કારણો પ્રચાર અને પ્રસારમાં છવાયેલા રહ્યા હતા. જોકે આની સામે કોંગ્રેસે જાણે કોઈ વ્યવસ્થિત હોમવર્ક કર્યું જ ન હોય એમ માત્રને માત્ર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડતા ઉમેદવારોને જ ગદ્દાર કહીને નિશાને ચડાવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપની નબળાઈઓ ગણાવવા સીવાય અત્યાર સુધી કોંગ્રેસમાં રહેલા ઉમેદવારોને ગદ્દાર કહ્યા હતા અને ગદ્દારોને મત ન આપવા અપીલ કરી હતી. આ ઉપરાંત ખાસ કરીને મોરબીમાં ભાજપ ઉદ્યોગપતિઓને ધમકાવતો હોવાના આક્ષેપો પણ કર્યા હતા. વધુમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને સાઇડલાઇન કરવા માટે બ્રિજેશ મેરજાને ટિકિટ આપવામાં આવી છે એવો પ્રચાર પણ કર્યો હતો. જોકે કોંગ્રેસની આની પાછળની રણનીતિ એવી હતી કે કાંતિલાલ અમૃતિયા અને તેના સમર્થકો ભાજપની વિરુદ્ધમાં થઈ જાય અને એ આંતરિક જૂથબંધીની લડાઈમાં કોંગ્રેસને ફાયદો થઇ શકે. જોકે કોંગ્રેસના આ તમામ ગણિત ઉલ્ટા પડ્યા હતા અને મતદારોએ માત્ર વિકાસની વાતો જ સ્વીકારી હતી. રાજ્યમાં જે પાર્ટીની સરકાર હોય એ જ પાર્ટીનો ધારાસભ્ય જે તે વિસ્તારમાં સકારાત્મક કાર્ય કરી શકે છે એવો વિશ્વાસ અપાવવામાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને સ્ટાર પ્રચારકો સફળ રહ્યા હતા.

જ્યારે3 માળીયા વિસ્તારમાં જુનાઘાટીલા ગામે હાર્દિક પટેલે રામમંદિરના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો; જે દાવ પણ ઊલટો પડ્યો હોય એમ માળીયા વિસ્તારમાં પાછલી ચૂંટણી કરતા કોંગ્રેસની લીડ ઘટી હતી. મોરબી તેમજ માળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં અમુક બુથો પર કોંગ્રેસે સરસાઇ મેળવી હતી પરંતુ માળીયા તેમજ મોરબી શહેરમાં મતદારોએ ભાજપના વિકાસના મુદ્દાને મત આપ્યો હતો. જોકે ભાજપના વિજય પાછળ અપક્ષ ઉમેદવારનો ફાળો મહત્વનો રહ્યો છે. આમ કુલ મળીને જોઈએ તો કોંગ્રેસ પાસે ભાજપ સામે ચૂંટણી લડીને જીતવા માટેના કોઈ વ્યવસ્થિત મુદ્દાઓ જ ન હોવાથી અને ભવિષ્યનું વિઝન મતદારો સમક્ષ વ્યવસ્થિત રીતે રજુ ન કરી શકતા કોંગ્રેસની કારમી હાર થઇ હતી. મતદારો મોટેભાગે ગઈ ગુજરી ભૂલી જવાના મૂડમાં હોય એમ પક્ષ પલટુ ઉમેદવારને આવકાર્યા હતા અને કઈ પાર્ટી આવનારા ભવિષ્યને લઈને પોતાની વાત રજૂ કરે છે તેને ધ્યાનમાં લઈને મત આપ્યા હતા. આથી સ્પષ્ટ છે કે મતદારોને હંમેશા ભવિષ્યમાં જ રસ હોય છે; સારા કે ખરાબ ભૂતકાળને વાગોળીને વર્તમાનમાં મતદારો મત આપતા નથી તે કમસે કમ મોરબી માટે તો સત્ય સાબિત થયું છે.