મતદારોએ એવી રીતે EVMના બટન દબાવ્યા કે કોણ જીતશે ? તેનો તાગ મેળવવો મુશ્કેલ

- text


આ પેટા ચૂંટણીમાં મેણા, ટોણા અને નાણાનો છૂટથી થયેલો ઉપયોગ પરિણામને પ્રભાવિત કરશે : ગ્રામ્ય વિસ્તારોમાં અમુક જગ્યાએ ક્રોસ વોટિંગ એટલે કમિટેડ પાર્ટીના મતો વિરોધી પાર્ટીમાં ગયાની શકયતા : જાણકારોના મતે જે પણ ઉમેદવાર જીતે તેને પાતળી બહુમતી જ મળશે : સૌની નજર 10 તારીખના પરિણામ ઉપર

મોરબી : ધારાસભ્યોના રાજીનામાંથી ખાલી પડેલી ગુજરાતની આઠ વિધાનસભાની બેઠકો પર 3 નવેમ્બરે મતદાન પૂર્ણ થયું. તેમાં સમગ્ર ગુજરાત અને ખાસ સમગ્ર સૌરાષ્ટ્રની નજર મોરબી-માળીયા વિધાનસભાના પરિણામો પર છે. ચૂંટણી દરમ્યાન પણ મોરબી બેઠક હાઈપ્રોફાઈલ અને લાઈમ લાઈટમાં રહી. આ બેઠક કબજે કરવા અને મતદારોને પોતાના તરફ વાળવા બંને મુખ્ય પક્ષ કોઈ પણ કસર છોડી નથી. મેણા, ટોણા અને નાણાનો છૂટથી ઉપયોગ થયો છે. પરંતુ મોરબી બેઠકમાં મતદારો છેલ્લે સુધી પોતાની બાજી બંધમાં રમ્યા છે. અને મતદાનના દિવસે એવી શાણપણ સાથે EVMના બટન દબાવ્યા કે મતદાન બાદ પણ કોઈ ખોંખારો ખાઈને કે ભારપૂર્વક કહી શકે એમ નથી કે કોણ જીતશે અને કોને કેટલી લીડ મળશે ? મતદાનના આંકડા અને મતદાન દિવસના માહોલ પરથી જાણકારો માત્ર એટલું જ બોલી રહ્યા છે જે પણ જીતશે તે નજીવી સરસાઈથી જ જીતશે.

જ્યારે પેટા ચૂંટણી હોવાથી અને કોરોનાના માહોલ હોવાથી સાવ ઓછું મતદાન થવાની ધારણા વચ્ચે પણ સાવ ઓછુંય નહીં અને બોવ વધુ નહીં એવું ઠીંકાઠીક મતદાન થયું છે. આમ વધુ મતદાનથી ભાજપને ફાયદો અને ઓછા મતદાનથી કોંગ્રેસને ફાયદો એવી માન્યતા વચ્ચે ઠીંકાઠીક મતદાનથી આ મતદાન કોના માટે ફાયદાકાર સાબિત થશે તે પણ કહેવું મુશ્કેલ બન્યું છે. જ્યારે મતદાનના દિવસે જોવા મળેલા માહોલ પરથી જાણકારોનું એવું પણ માનવું છે આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પણ થયું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં અમુક જગ્યાએ ક્રોસ વોટિંગ એટલે કમિટેડ પાર્ટીના મતો વિરોધી પાર્ટીમાં ગયાની પણ શકયતા છે. જે ભલભલાના ગણિતના દાખલા ઉંધા પાડી શકે છે. જ્યારે મોરબી બેઠક ઉપર ચૂંટણીના માહોલ દરમિયાન કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર મતદાન કરનારો સાયલન્ટ વોટરનો વર્ગ વધુ છે. સાયલન્ટ ગણાતો આ વોટર છેલ્લે સુધી કોઇ ઉમેદવાર કે રાજકીય પક્ષ પ્રત્યેના ગમા અણગમા અંગે કોઈ જ પ્રતિક્રિયા આપતો હોતો નથી. ત્યારે મોરબી બેઠક પર આવા સાયલન્ટ વોટરનું મતદાન પણ ઉમેદવાર અને રાજકીય પક્ષોને અકળાવી રહ્યું છે.

- text

આમ સરેરાશ અને મધ્યમ ટકાવારીમાં થયેલું મતદાન અને ઉપરથી મતદારોના મોટા વર્ગે છેલ્લી ઘડી સુધીનું અકળ મૌન ધારણ કરી રાખતા કોઈ પણ રાજકીય અનુભવી કે રાજકીય વિશ્લેષકો ખોંખારો ખાઈને ભાર પૂર્વક કહી શકતા નથી કે કોણ ઉમેદવાર જીતે છે ? આમ મોરબી બેઠક પર મતદારોએ એવી રીતે EVMના બટન દબાવ્યા કે કોણ જીતશે ? તેનું સસ્પેન્સ યથાવત રહ્યું છે. અને હાલતો જાણકારો માત્ર એટલું જ કહી રહ્યા છે કે જે પણ ઉમેદવાર જીતશે તેને પાતળી બહુમતી જ મળશે. જોકે મોરબી-માળીયાના શાણા મતદારોએ પોતાનો ચુકાદો EVMમાં સ્ટોર કરી દીધો છે. અને આ ચુકાદો અને મતદારોનો મિજાજ કોના તરફી છે એ તો આગામી 10 નવેમ્બરે જ ખબર પડશે. તેથી હાલ તો સૌની નજર 10 તારીખના પરિણામ ઉપર મંડાયેલી છે.

ઉમેદવારની જીત અને લીડ પર લાગી લાખોની શરતો

મોરબી પેટા ચૂંટણીમાં કોણ વિજેતા બનશે તે નક્કી ના થાય તેવો માહોલ સર્જાયો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર અને ભારે રસાકસી રહે તેવી સ્થિતિ છે. જેથી સટ્ટાબજાર અને શરતોના બજારમાં મોરબીના પેટા ચૂંટણીના પરિણામોને લઈને લાખો રૂપિયાની શરતો લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં કોણ જીતશે ? કેટલા મતની લીડથી જીતશે તેના પર સૌથી વધુ શરતો લાગી છે.

- text