મોરબી : નવા બનતા વાવડી રોડના નબળા કામ મુદ્દે સ્થાનિકોનું હલ્લાબોલ, રોડનું કામ અટકાવ્યું

ચક્કાજામ કર્યા બાદ અડધી કલાક પછી રસ્તો ખુલ્લો મુકાયો : કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સ્થળ ઉપર ચકાસણી કરવા ન આવે ત્યાં સુધી રોડનું કામ ચાલુ ન કરવા દેવાની ચીમકી

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ચાલતા રોડના કામમાં હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરીને નબળું કામ થતું હોવાની ફરિયાદ સાથે આજે સ્થાનિક લોકોએ હલ્લાબોલ કરી રોડ ચક્કાજામ કરીને રોડનું કામ અટકાવી દીધું હતું. જોકે અડધી કલાક બાદ આ રોડને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. પણ સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સ્થળ ઉપર ચકાસણી કરવા ન આવે ત્યાં સુધી રોડનું કામ ચાલુ ન કરવા દેવાની ચીમકી આપી છે.

મોરબીના વાવડી રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી રોડના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. પણ સ્થાનિકોએ આ રોડનું કામ નબળું થતું હોવાની ફરિયાદ ઉઠાવી છે. જેમાં આ નવા રોડના કામમાં સિમેન્ટ ખૂબ જ ઓછો વપરાતો હોય અને અમુક રોડના કામમાં જગ્યાએ સિમેન્ટ જ વપરાયો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. આથી સ્થાનિક લોકોએ આ રોડનું કામ યોગ્ય રીતે ન થતું હોવાની છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરીને રોડનું મુજબૂતાઈથી કામ કરવાની માંગ કરી રહ્યા છે. આમ છતાં પણ રોડનું કામ યોગ્ય રીતે ન કરાતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને સ્થાનિક લોકોએ હલ્લાબોલ કરીને રોડનું કામ બંધ કરાવી દીધું હતું. તેમજ રસ્તો પણ બંધ કરી દીધો હતો. જોકે અડધી કલાક બાદ રસ્તા પર અવરજવર ચાલુ કરી દેવાય હતી. પરંતુ જ્યાં સુધી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સ્થળ ઉપર આવીને રોડના કામની યોગ્ય ચકાસણી ન કરે ત્યાં સુધી રોડનું કામ ચાલુ ન કરવા દેવાની સ્થાનિક લોકોએ ચીમકી આપી છે.

આ મામલે અધિકારી આદ્રોજાએ જણાવ્યું હતું કે, આ રોડના કામની યોગ્ય ખરાઈ કરવા માટે એક અધિકારીને સ્થળ ઉપર મોકલ્યા છે અને જેની તપાસમાં રોડનું કામ નિયમ મુજબ ન થતું હોય તો કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકરવામાં આવશે. જોકે જ્યાં જ્યાં નવા સીસીરોડ બનાવવામાં આવ્યા છે ત્યાં એક મહિનાના ટૂંકાગાળામાં સિમેન્ટ ઉખડી ગયો છે.આ બાબતે અધિકારીએ જણાવ્યું છે કે નવા રોડમાં સિમેન્ટ ઉખડયો છે તે અંગે જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી દેવાય છે અને નવા રોડમાં નબળું કામ થયું હોય ત્યાં યોગ્ય ચકાસણી કરીને જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાનું તેમણે જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate