મોરબી : વરમોરા ગ્રુપના બે નવા પ્લાન્ટનું ઇ-ભૂમિપૂજન મુખ્યમંત્રીના હસ્તે કરાયું

- text


મોરબીના સિરામીક ઉદ્યોગોએ ચાયનાને હંફાવી વર્લ્ડ સિરામીક માર્કેટમાં કબજો મેળવ્યો છે : CM
CM વિજયભાઈ રૂપાણીએ વરમોરા ગ્રુપને નવા પ્લાન્ટને શુભેચ્છાઓ આપતા કહ્યું, સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ચાયનાને બદલે લોકો મોરબી જોવા આવે

મોરબી : મુખ્યમંત્રીએ સિરામીક ઉદ્યોગની અગ્રગણ્ય વરમોરા ગૃપના બે નવા પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યુ હતું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ વરમોરા ગૃપના પ્રકાશભાઇ વરમોરા, ભાવેશ વરમોરા અને અગ્રણીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આજનો યુગ કોમ્પીટીશનનો સ્પર્ધાનો યુગ છે. ગુગલને કારણે દુનિયા પણ નાની બનતી જાય છે ત્યારે વિશ્વ સાથે બરોબરીમાં કોમ્પીટ કરવા સમયની સાથે પરિવર્તનો પણ આવશ્યક છે. સિરામીક ઉદ્યોગોએ સૂઝબૂઝની પોતાની આગવી ખૂમારીથી સ્વબળે નવી ટેકનીક વિકસાવી ઉદ્યોગ-ધંધાનો વ્યાપ વિસ્તાર્યો છે. ખાસ કરીને મોરબીના સિરામીક ઉદ્યોગે ચાયનાને હંફાવીને વર્લ્ડ સિરામીક માર્કેટમાં પોતાની આગવી ઇમેજ ઊભી કરી છે-કબજો મેળવ્યો છે તે માટે મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર અને મોરબીના MSME એકમો તેમાંય સિરામીક ઉદ્યોગો સંપૂર્ણ સ્વનિર્ભર છે. એટલું જ નહિ, આનુષાંગિક ઉદ્યોગો દ્વારા અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે તેની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ વિસ્તારના ઉદ્યોગો ઓઇલ મિલ, સનમાઇકા જેવા ઉદ્યોગ ક્ષેત્રમાંથી સમયાનુકુલ પરિવર્તન કરતા આગળ વધ્યા છે અને હવે સિરામીક ઇન્ડસ્ટ્રીમાં વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. તેમણે આજથી દોઢ દાયકા ૧પ વર્ષ પહેલાં મોરબીની સ્થિતી કરતાં વર્તમાન સ્થિતી સુદ્રઢ બની છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઘડિયાળ ઉદ્યોગ, નળિયા ઉદ્યોગ પછી હવે સિરામીક ઉદ્યોગથી મોરબીએ ચાયનાથી વધુ લોકલ ઇન્ડસ્ટ્રીઝ અને એન્સીલીયરીઝ અહિં ડેવલપ કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સિરામીક ઉદ્યોગો લો કોસ્ટ ઉત્પાદનથી વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ સ્પર્ધા કરીને વધુ એકસપોર્ટ દ્વારા આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ પાર પાડે તે અતિ મહત્વનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, મોરબીના સિરામીક ઉદ્યોગોને ઇન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓ વિકસાવવા અને લો-કોસ્ટ ઉત્પાદન માટે આવશ્યક સહયોગ આપવાની રાજ્ય સરકારની નેમ પણ છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે તાજેતરમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે CNG ગેસના ભાવમાં ૪ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ વરમોરા ગૃપના આ નવા પ્લાન્ટને શુભેચ્છાઓ આપતાં જણાવ્યું કે, મોરબીથી ૧૪ હજાર કરોડનું એકસપોર્ટ થાય છે. હવે આપણે પાયામાંથી જ ઇન્ફ્રાસ્ટ્રકચર એવું મજબૂત કરવું છે કે, સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ચાયનાને બદલે લોકો મોરબી જોવા આવે. આ અવસરે FIAના પ્રમુખ પ્રકાશભાઇ વરમૌરા અને ભરતભાઇ વરમોરાએ ગૃપની ઉત્તરોત્તર પ્રગતિ તથા સિરામીક ઉદ્યોગોને રાજ્ય સરકારના મળી રહેલા સહયોગની વિગતો પ્રાસંગિક સંબોધનમાં આપી હતી. આ તકે સંતોષ સેરસીયાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text