વૃક્ષપ્રેમી પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ૧૫૧ ઔષધી વૃક્ષોનું રોપણ કરતા પુત્રો-પૌત્ર સહિતનો પરિવાર

- text


ચકમપર ગામે તાજેતરમાં જ ડૉક્ટર બનેલા પૌત્રએ દાદાની યાદમાં પ્રથમ પગાર વૃક્ષોના વાવેતરમાં વાપર્યો

મોરબી : વિશ્વના પર્યાવરણ અંગે રિસર્ચ, મૂલ્યાંકન સહિતના કાર્યો કરતી સંસ્થાએ તાજેતરમાં જ ચેતવણી ઉચ્ચારી હતી કે હાલની સ્થિતિ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ યથાવત રહી તો આવનારા 5 વર્ષમાં વિશ્વનું સરેરાશ તાપમાન 1.5 ડીગ્રી વધી જશે. જેના માઠાં પરિણામો મહામારીથી પણ વધુ હશે. જે પ્રકારે વિશ્વમાં વૃક્ષો કપાઈ રહ્યા છે, યુરોપ, ફ્રાન્સ, અમેરિકા સહિતના દેશોમાં જંગલોમાં આગ લાગવાના બનાવોને લઈને વસુંધરા પરથી વૃક્ષો ઓછા થઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા પર્યાવરણ પ્રેમીના નિધનના એક વર્ષ બાદ તેઓની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારે 151 વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો છે.

મોરબી તાલુકાના ચકમપર ગામે વૃક્ષોનું જતન કરતા કરતા નિવૃત્તિ સમય પસાર કરતા અમરશીભાઈ કેશભાઈ કાલરીયાનું એક વર્ષ પૂર્વે નિધન થયું હતું. ગઈ કાલે 10 સપ્ટેમ્બરના રોજ સદગતની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેઓના પુત્ર-પૌત્રોએ પરિવારના વડીલની યાદમાં ગામમાં 151 અમર ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી સદગતને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી અમર બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સદગતના પૌત્ર હાર્દિક કાલરીયાએ તાજેતરમાં જ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી માળીયા. મી. ખાતે મેડિકલ ઓફિસર તરીકેનો ચાર્જ સાંભળ્યો હતો. ડૉ. હાર્દિક કાલરીયાએ પોતાના પ્રથમ પગારમાંથી સ્વર્ગસ્થ દાદાની સ્મૃતિને કાયમ રાખવા ચકમપર ગામમાં “અમર બાગ” બનાવ્યો છે. આ બાગમાં ઔષધીય વૃક્ષોનું વાવેતર કરતા ભવિષ્યમાં ગ્રામજનો માટે શુદ્ધ ઓક્સિજન ઉપરાંત દવા તરીકે ઉપયોગમાં આવે એવા પ્રયાસોનો કરવામાં આવ્યા છે. સ્વર્ગસ્થના પુત્રો વિઠ્ઠલભાઈ, લક્ષ્મણભાઇ, ભરતભાઇ સહિત સમગ્ર પરિવાર આ કાર્યમાં નિષ્ઠાપૂર્વક જોડાયા છે.

- text

અત્રે નોંધનીય છે કે, જે પ્રકારે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે આવનારા વર્ષોમાં પૃથ્વીના પર્યાવરણ સંતુલનમાં જે વિક્ષેપ પડવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે પૃથ્વીનું તાપમાન ઊંચું જતા ઉત્તર-દક્ષિણ ધ્રુવ પર રહેલો બરફ પીગળી જશે. એ સમયે હાલ દરિયાકાંઠે વસેલા શહેરો, વિસ્તારો ડૂબમાં જશે. ચોમાસુ સહિતની ઋતુઓ અનિયમિત થતા માનવ સભ્યતા માટે જીવન જીવવું દુષ્કર બનશે. એ પરિસ્થિતિમાંથી જો આવનારી પેઢીને બચાવવી હશે તો વૃક્ષો વાવવાના આ પ્રકારના કર્યો કરવા જ પડશે અને તેને પ્રોત્સાહન આપવું પડશે, જે સમયની માંગ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text