ભગવાન શ્રીરામએ પણ કર્યું હતું શ્રાદ્ધ, અનેક પૌરાણિક કથાઓમાં પિતૃ તર્પણનો ઉલ્લેખ

- text


પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે કરવામાં આવે છે શ્રાદ્ધ

મોરબી : હિંદુ ધર્મના શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે. આ ત્રણ ઋણ એટલે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણનો પુરાણોમાં ઉલ્લેખ છે. આ ત્રણે ઋણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે સદ્દગત પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓને પાણી અને અન્ન તથા વસ્ત્ર મળે છે. તેમજ તેમના આત્માને શાંતિ મળે છે. શાસ્ત્રોમાં ભાદરવા સુદ પુનમથી કૃષ્ણ પક્ષ અમાસ સુધીનો સમય શ્રાદ્ધ પક્ષ તરીકે દર્શાવ્યો છે. એટલે કે પિતૃ પક્ષ સોળ દિવસનો સમયગાળો છે. જેમાં હિન્દુઓ તેમના પૂર્વજોને પિંડદાન આપે છે અને ભૂદેવોને ભોજન આપી તેમના પિતૃઓને શ્રદ્ધાંજલિ આપે છે. આ વર્ષે 1 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે, જે 17 સપ્ટેમ્બર સુધી ચાલશે.

પ્રાચીન કાળથી શ્રાદ્ધની પરંપરા

પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાની વિધિ પ્રાચીન સમયથી ચાલી આવે છે. સનાતન હિન્દુ ધર્મમાં અનેક પૌરાણિક કથાઓમાં શ્રાદ્ધનો ઉલ્લેખ જોવા મળ્યો છે. વિષ્ણુના અવતાર ભગવાન શ્રીરામ અને કૃષ્ણએ પણ સદ્દગત પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હતું. રામાયણમાં પણ શ્રાદ્ધની વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ મહાભારતમાં જણાવાયું છે કે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ છે. રામાયણ અને મહાભારત હિંદુ ધર્મના આ બંને મહાન ગ્રંથોમાં પિતૃ તર્પણ એટલે કે શ્રાદ્ધની રસપ્રદ કથાઓ કહેવાયેલી છે.

રામાયણમાં શ્રાદ્ધનો ઉલ્લેખ

ભગવાન શ્રી રામે પોતાના પિતા રાજા દથરથના સ્વર્ગવાસ બાદ તેમનું શ્રાદ્ધ કર્યું હોવાનો રામાયણમાં ઉલ્લેખ છે. તે મુજબ માતા સીતા પાસે ગયાજીમાં નદીમાંથી બે હાથ પિંડદાન લેવા માટે લંબાવવામાં આવ્યા છે. રામ સાધન સામગ્રી લેવા ગયા હોવાથી નદી કિનારે બેઠેલા સીતા માતા પાસે કશું જ ન હોવાથી રેતના પિંડનું દાન કર્યું હોવાનું અને રાજા દશરથની મુક્તિ થઈ હોવાની કથા મળે છે.

- text

મહાભારતમાં શ્રાદ્ધ પરંપરાના પ્રારંભ વિશે ઉલ્લેખ

મહાભારતના અનુસાસન પર્વમાં શ્રાદ્ધ વિષે ઉલ્લેખ છે. કહેવાય છે કે ભિષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્ધ વિશે ઘણી વાતો જણાવી હતી. આ ઉપરાંત, મહાભારતમાં શ્રાદ્ધના રિવાજની શરૂઆત વિશે જણાવાયું છે. જે કથા મુજબ સૌથી પહેલો શ્રાદ્ધનો ઉપદેશ મહર્ષિ નિમિને મહાતપસ્વી અત્રિ મુનિને આપ્યો હતો. આમ, સૌથી પહેલા શ્રાદ્ધની શરૂઆત મહર્ષિ નિમિએ કરી હતી. ત્યારબાદ અન્ય મહર્ષિઓ પણ શ્રાદ્ધ કરવા લાગ્યા. આ પરંપરા અનુસરતા ચારેય વર્ણના લોકો શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવા લાગ્યા. આથી, સતત શ્રાદ્ધનું ભોજન કરતા-કરતા દેવો અને પિતૃઓ પૂર્ણત: તૃપ્ત થઈ ગયા હતા. શ્રાદ્ધનું ભોજન સતત ચાલુ રાખવાથી પિતૃઓને અજીર્ણ એટલે કે ભોજન ન પચવુ તેવો રોગ થઈ ગયો હતો. જેથી, તેમને મુશ્કેલીઓ પાડવા લાગી હતી. ત્યારે પિતૃઓ બ્રહ્માજીની પાસે ગયા. અને બ્રહ્માજીને વિનંતી કરીને કહ્યું કે શ્રાદ્ધનું અન્ન ખાતા-ખાતા અમને અજીર્ણ રોગ થઈ ગયો છે. તેનાથી અમને મુશ્કેલીઓ થઈ રહી છે, તમે અમારુ કલ્યાણ કરો. અંતે, પિતૃઓની વિનવણી બાદ તેમની સમસ્યાનું નિરાકરણ થયું હતું. આ રીતે શ્રાદ્ધની પરંપરા હાલ કળિયુગમાં પણ અનુસરવામાં આવી રહી છે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text