મોરબીમાં પ્રધાનમંત્રી આવાસોમાં પાણીના ધાંધીયા, રોષિત મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


તંત્રના અણઘડ આયોજનના કારણે છતે પાણીએ વલખા મારવાની નોબત આવતા મહિલાઓ વિફરી
જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી ઘરણાં પર બેસી રહેવાની ચીમકી આપ્યા બાદ અંતે તંત્રએ ખાતરી આપતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યીજનાના આવાસોમાં પાણીના ધાંધીયા સર્જાયા છે. તંત્રના અણઘડ આયોજનના કારણે છતે પાણીએ વલખા મારવાની નોબત આવતા મહિલાઓ વિફરી હતી અને આજે મહિલાઓ સહિતના સ્થાનિકોએ પાલિકામાં દોડી જઈને મોરચો માંડ્યો હતો. તેમજ જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી ઘરણાં પર બેસી રહેવાની ચીમકી આપ્યા બાદ અંતે તંત્રએ ખાતરી આપતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો.

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સામાન્ય વર્ગ માટે બનાવાયેલા આવસોમાં લોકો રહેવા આવ્યા બાદ શરૂઆતથી આ આવાસોમાં પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે તંત્ર પર તડાપીડ બોલી રહી છે. ત્યારે આજે પ્રધાનમંત્રી આવાસોમાં છેલ્લા 12 દિવસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે આ વિસ્તારની મહિલાઓ સહિતના સ્થાનિકોએ આજે પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યું હતું. રોષે ભરાયેલી મહિલાઓ સહિતના સ્થાનિકોએ તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો કે આ પ્રધાનમંત્રી આવાસોના સામાન્ય વર્ગના 150 જેટલા પરિવારો રહે છે. પણ છેલ્લા 12 દિવસથી પાણી આવતું નથી. આથી, લોકોને ભારે હાલાકી પડે છે. અગાઉ આ પાણી પ્રશ્ને રજુઆત કરી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા અંતે તંત્ર ઢંઢોળવા માટે આ મોરચો માંડવાની ફરજ પડી છે અને જ્યાં સુધી તેમના વિસ્તારમાં પાણી ન આવે ત્યાં સુધી અહીંથી હટીશું નહિ તેવી ચીમકી આપીને સ્થાનિકો ધરણા ઉપર બેસી ગયા હતા.

મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે અહીંના 25 વારીયા વિસ્તારમાં પાણી ભરેલુ હોય ત્યારે એનું પાણી કાઢવા માટે જે ખાડો કર્યો હતો. તે ખાડામાં તંત્રએ પાણીની લાઈન તોડી નાખી હતી. આથી, છેલ્લા 12 દિવસથી પાણી તેમના વિસ્તારમાં આવતું નથી. આથી, મહિલાઓએ ‘પાણી આપો’ના પોકાર કર્યા બાદ અંતે પાલિકા તંત્રએ આજે સાંજ સુધીમાં તેમના વિસ્તારમાં પાણી ચાલુ થઈ જશે તેવી ખાતરી આપતા હાલ મામલો થાળે પડ્યો હતો. જો કે જતા જતા સ્થાનિકોએ આજ સુધીમાં પાણી ન આવે તો આવતીકાલથી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

- text