મોરબીની સીરામીક કંપનીમાં મૂળ ઇઝરાઈલની અમેરિકી કંપનીએ રોકાણ કર્યું

- text


સીરામીક ઉદ્યોગમાં FDIથી અન્ય કંપનીઓ માટે પણ સર્જાશે ઉજળા સંજોગો : સીરામીક ઉદ્યોગમાં FDI (ફોરેઇન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ) માટે નવા દ્વાર ખોલનારી ડિલ

મોરબી : મૂળ ઇઝરાઈલની અને અમેરિકાના નાસ્ડેકમાં લિસ્ટેડ એવી સિઝરસ્ટોન નામની કંપનીએ મોરબીની એક સીરામીક કંપનીના જબરું રોકાણ કરતા અન્ય વિદેશી કંપનીઓ પણ રોકાણ માટે આગળ આવે એવા ઉજળા સંજોગો સર્જાયા છે.

મોરબી સ્થિત લિયોલી સીરામીક નામની કંપનીમાં મૂળ ઇઝરાઈલની અને અમેરિકાના નાસ્કેડ શેરબજારમાં લિસ્ટેડ સિઝરસ્ટોન નામની કંપનીએ સ્થાનિક કંપનીનો 55 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. મોરબીના સીરામીક ઉદ્યોગના ઇતિહાસમાં કોઈ વિદેશી કંપનીએ જંગી રોકાણ કર્યું હોય એવો આ પ્રથમ બનાવ છે. હાલની સ્થિતિ પ્રમાણે જોતા આયાત-નિકાસ માટે ઉજળા સંજોગો સર્જાયા છે જેને લઈને આવનારા એકાદ વર્ષમાં મોરબીમાં 25થી 30 જેટલા નવા યુનિટો સ્થપાઈ શકે છે. જેને લઈને અંદાજે 2000 કરોડ રૂપિયાનું નવું રોકાણ થવાની ધારણા સેવાઈ રહી છે.

- text

નોંધનીય છે કે મેગા સાઈઝના સ્લેબ બનાવતી એશિયાની પ્રથમ એવી લિયોલી સીરામીકમાં મૂળ ઇઝરાયલની કંપનીને રસ પડ્યો હતો જેને કારણે જંગી રોકાણ કરાયું છે. લિયોલી કંપની 2016ની સાલમાં આધુનિક ટેકનોલોજી સાથે શરૂ થઈ હતી. સીરામીક ટાઇલ્સ પણ બનાવતી આ કંપનીના મોટાભાગના ઉત્પાદનની નિકાસ થાય છે. કંપનીના મેનેજીંગ ડિરેકટરે ઉક્ત રોકાણ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઇઝરાઈલની આ કંપની આર્ટિફિશિયલ સ્ટોન ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. હાલ રૂપિયા 165 કરોડમાં સોદો કર્યો છે જે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ પાર પડી જશે.

સ્થાનિક કંપનીના હિતેશભાઈ પટેલ સાથે મોરબી અપડેટની વાતચીતમાં તેઓએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મૂળ ઇઝરાઈલની કંપની કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિત ઇઝરાઈલમાં ખૂબ મોટી નામના ધરાવે છે અને કાઉન્ટર ટોપમાં કંપનીની મોનોપોલી છે. આશરે 5000 કરોડનું ટર્નઓવર ધરાવતી જાયન્ટ કંપનીના મોરબીમાં રોકાણથી હવે પ્રોડક્શન વધવાની સાથોસાથ લોજેસ્ટિક, પ્રોડક્ટિવિટી અને સર્વિસમાં ધરખમ સકારાત્મક સુધારો આવશે. હાલ કંપનીમાં 400 કર્મચારીઓ ફરજ બજાવે છે જે હવે આશરે 650 જેટલા થઈ જશે. આ ઉપરાંત નવી અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થવાથી સ્કિલડ લેબર વધશે. કંપનીની ફર્સ્ટ લાઈનની પેરેલલ જ સેકન્ડ લાઈન ડેવલપ થશે. નિકાસ તો વધશે જ પણ એ ઉપરાંત સ્થાનિક ભારતીય બજારમાં પણ સેલ્સ એન્ડ સર્વિસીઝમાં ગુણાત્મક સુધારો થશે.

- text