ઓગસ્ટ માસમાં નગરપાલિકામાં ભૂગર્ભ ઉભરવાની 340 ફરિયાદો આવી

- text


મોરબીમાં ઠેરઠેર વરસાદી પાણી-ભૂગર્ભ ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ, નવા બસ સ્ટેન્ડ વરસાદી પાણીમાં ગરકાવ હોવાથી મુસાફરોની કફોડી હાલત

મોરબી : મોરબીમાં શરૂઆતથી જ ભૂગર્ભ ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. તેમાંય વરસાદને કારણે ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. લગભગ મોટાભાગના વિસ્તારો ગટર ઉભરાવવાની સમસ્યાથી પ્રભાવિત છે. ગયા ઓગસ્ટ મહિનામાં નગરપાલિકામાં ઓગસ્ટ માસમાં ભૂગર્ભ ઉભરવાની 340 ફરિયાદો આવી હતી. ઘણા બધા વિસ્તારોમાં ભૂગર્ભની કાયમી સમસ્યા છે. જેમાં નવલખી રોડ પરના લાયન્સનગર, વાવડી રોડ અમૃત પાર્ક, વીસીપરા, રોહિદાશપરા, વિજય નગર સહિતના ઘણા વિસ્તારોમાં વર્ષોથી ભૂગર્ભ ઉભરાવવાની સમસ્યા સર્જાય છે. પણ તંત્ર મચક ન આપતું હોવાથી લોકોમાં ભારે રોષ છે.

આ ઉપરાંત, મોરબીમાં આ વખતે ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ અવિરતપણે આકાશી આફત વરસાવી છે. જેથી, ઘણા વિસ્તારો છેલ્લા બે માસથી વરસાદી પાણીમાં ગરકાવ છે. સાથોસાથ ભૂગર્ભ ગટરની સમસ્યાએ આડો આંક વાળી દીધો છે. વરસાદી પાણી અને ભૂગર્ભની ગંદકીથી ઘણા વિસ્તારો તરબદતર હોવાથી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. આમ છતાં નીંભર તંત્ર સબ સલામતનો પોકળ દાવા કરવામાંથી ઊંચું આવતું નથી. તેથી, લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.

મોરબીમાં આ વખતે સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં હજુ પણ ઓસરવાનું નામ લેતા નથી. કારણ કે વરસાદી પાણીના નિકાલ પર દબાણો થઈ જતા અને ઉપરથી ભૂગર્ભ ગટર પણ ચોકઅપ હોવાથી વરસાદની સાથે ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાં હજુ અનેક વિસ્તારોમાં ગરકાવ છે. જેમાં મહેન્દ્રપરા અને માધાપર ,વાવડી રોડ ,લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદની સાથે ભૂગર્ભ ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયેલા છે.આવા અનેક વિસ્તારોમાં વરસાદ અને ગટરના પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો તોબા પોકારી ગયા છે.સતત પાણી ભરાવવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી નોબત આવી છે.હાલ કોરોના મહામારી હોય આ ગંદકીને કારણે કમળો, મેલરીયા, ટાઈફોડ જેવા રોગો પણ થઈ શકે તેવી ગંભીર પરિસ્થિતિ છે.

- text

ઘણા વિસ્તારો દિવસો સુધી ભરાયેલા પાણીમાં હવે લીલો શેવાળ જામી ગયો છે અને ચીકાશ વધી જવાથી વાહન ચાલકોને વાહન લઈને નીકળવું મુશ્કેલ બને છે. મોરબીના નવા બસ સ્ટેન્ડ પણ દિવસો સુધી વરસાદી પાણીમાં ગરકાવ છે. બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોની હાડમારી વધી ગઈ છે. બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મમાં ઉભા રહેવાની જગ્યાએ પાણી ભરાયેલા હોવાથી સાઈડમાં બસ ઉભી રાખવી પડે છે. જો કે હવે તંત્ર જાગ્યું છે અને બસ સ્ટેન્ડથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ હજુ ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ હોવાથી નર્કગાર જેવી હાલત છે. કોરોના રૂપિયાના ટેક્સ ભરતી સીરામીક નગરીને પ્રાથમિક સુવિધા આપવામાં તંત્રની સાથે રાજકોય નેતાઓ પણ એટલી હદે નિષફળ ગયા છે કે તેમને પ્રજાની અપાર વેદનાની જરાય પડી નથી.

- text