મોરબીમાં ખનિજચોરી મામલે કડક કાર્યવાહી કરો : બ્રિજેશ મેરજાની કલેક્ટરને રજૂઆત

- text


માળીયાના દેરાળા ગામે ખનીજ ચોરી પર જનતા રેડ અને રજુઆતને પગલે પૂર્વ ધારાસભ્યએ ગેરકાયદે રેતીનું ખનન અને ઓવરલોડેડ વાહનોનું વહન અટકાવવા રોડની નુકશાની વસુલ કરી દાખલારૂપ કાર્યવાહી કરવાની કલેકટરને રજુઆત કરી

મોરબી : મોરબી પંથકમાં મોટાપાયે ખનિજ ચોરી થતી હોવાની વર્ષોથી વ્યાપક ફરિયાદો ઉઠે છે. પણ સંબધિત તંત્ર ખનિજચોરી અટકાવવા કયારેય નક્કર કાર્યવાહી કરતું જ નથી. દરમ્યાન તંત્રની બેદરકારીને કારણે તાજેતરમાં માળીયાના દેરાળા ગામે લોકોએ ખનિજચોરી પર જનતા રેડ કરી હતી અને આ ગંભીર મામલે થયેલી રજુઆતને પગલે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ સંદર્ભમાં કલેકટર રજુઆત કરી હતી. તેમજ ગેરકાયદે રેતીનું ખનન અને ઓવરલોડેડ વાહનોનું વહન અટકાવવા રોડની નુકશાની વસલું કરી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મોરબી પંથકમાં અને ખાસ કરીને મચ્છુ નદીમાંથી મેધપર, નારણકા અને દેરાળા સહિતના ગામોમાં ગેરકાયદે રેતી ચોરીના બનાવોએ માજા મૂકી છે. ત્યારે બેરોકટોક ચાલતી રેતી ચોરી સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરવી જરૂરી હોવાનું પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવીને દેરાળા ગામે ખનિજચોરી પર જનતા રેડના સંદર્ભે કલેકટરને રજુઆત કરી હતી. તેઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે માળીયાના દેરાળા ગામે ખનિજ ચોરી મામલે ગામના યુવાનો રાજેશભાઇ કાવર, શ્યામભાઈ ચાવડા, હાર્દિકભાઈ પટેલ સાહિતનાએ કલેકટર અને પૂર્વ ધારાસભ્યને મળીને કરેલી રૂબરુ રજુઆતને ગંભીર ગણી તેઓએ આ સંદર્ભે એસપી તથા કલેકટર તેમજ ડીડીઓને ઉદેશીને જણાવ્યું હતું કે ગત તા.18 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે દેરાળા ગામના યુવાનોએ ચાર રેતી ભરેલા ડમ્પર ઝડપીને પોલીસના હવાલે કર્યા હતા.

- text

દેરાળા ગામના યુવાનોએ આ રીતે જનતા રેડ કરીને બેફામ થતી રેતી ચોરી ખુલ્લી પાડી હતી. તેમજ ઓવરલોડેડ વાહનોથી મેધપર-દેરાળા ગામના રોડને ભારે નુકશાન થયું હોવાથી જવાબદારો પાસેથી રોડનું નુકશાનીનું વળતર મેળવીને તંત્રએ દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવી તેમણે માંગ કરી છે. એટલું જ નહીં જિલ્લા વિકાસ અધિકારીએ આ રોડનું તાકીદે સમારકામ કરવા અને એસપીએ આ રોડ ઉપર ઓવરલોડેડ વાહનો અટકાવવા તેમજ કલેકટર ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી હતી. તેમજ મહેન્દ્રગઢ-ફગશીયા ગામના યુવાનનો રજુઆતને પગલે આ ગામે પણ ખનિજ ચોરી અટકાવવાની માંગ કરી હતી.

- text