મોરબી-વાંકાનેર- હળવદમાં દોઢ ઈંચ અને ટંકારા- માળિયામાં એક ઇંચ વરસાદ

- text


જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છવાયો અંધારપટ્ટ, પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

હળવદના સુખપર ગામે વીજળી પડી, માનગઢ ગામે મકાનના પતરા ઉડતા ત્રણ લોકો અને એક ગાયને ઇજા

મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જેમાં મોરબી, વાંકાનેર અને હળવદમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ટંકારા અને માળિયામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

આ વરસાદને પગલે જિલ્લાના મોટાભાગના સ્થળોએ અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ફીડરો બંધ પડી ગયા છે. જેમાં મોરબીના 15, મોરબી ગ્રામ્યના 25 ફીડરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પીજીવીસીએલના ટીસી અને વિજપોલોને પણ ઘણું નુકસાન થયું છે. જેની વિગતો પીજીવીસીએલ દ્વારા આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે વીજ પુરવઠો ખોરવાઈ જતા પીજીવીસીએલનો સ્ટાફ ચાલુ વરસાદે કામે લાગી ગયો હતો.મોટાભાગના વિસ્તારોમાં હજુ કામ ચાલુ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. માળિયા જામનગર હાઇવે ઉપર પણ વરસતા વરસાદે વીજકર્મીઓ સમારકામ કરી રહ્યા હતા. તે વેળાએ કોઈએ વિડીયો ઉતાર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

હળવદમાં આજે આવેલ ભારે પવન અને વરસાદને કારણે રણકાંઠાના માનગઢ ગામે 25 જેટલા મકાનોના પતરાં ઉડ્યા હતા. આ પતરા ઉડવાના કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ટીકર ગામે પતરૂ જવાના કારણે ગૌવંશની ઇજાઓ પહોંચી હોવાનુ પણ સામે આવ્યું છે સાથે જ વીજ પોલ પણ ધરાશાયી થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે તાલુકાના જોગડ ગામે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા તેમજ ખાસ કરીને ભારે પવન અને વરસાદને કારણે હળવદના ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો,વીજપોલ ધરાશાયી થવાના બનાવો અને મકાનોના પતરાં ઉડયાં બનાવો સામે આવ્યા છે.

- text

આ ઉપરાંત હળવદ તાલુકાના સુખપર ગામે પસાર થતી નર્મદા કેનાલની બાજુમાં દિલીપભાઈ બાવલભાઇના ફળિયામાં વીજળી પડતાં એક ગૌવંશનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

- text